ગામ વટામણમા પુર્વના મુકતરાજ રતનજીબાપુ ચાવડા પોતે ગામમાં સંતોના યોગે સત્સંગી થયેલા.

Gujarati

વટામણના રતનજી ચાવડા અને શ્રીજી મહારાજ

ગામ વટામણમા પુર્વના મુકતરાજ રતનજીબાપુ ચાવડા પોતે ગામમાં સંતોના યોગે સત્સંગી થયેલા. એમને શ્રીહરિના દર્શન થયા પછે તો જાણે એ સંસારમા જળકમળવત્ રહેતા હતા. રતનજીબાપુના ઘરવાળાના કારજના દિવસે શ્રીહરિ સહુ સાથે સંઘમા ત્યાથી નિસરતા એમના ઘરે વટામણ ગામે પધાર્યા હતા. શ્રીહરિ જ્યારે સહુ સાથે ત્યાથી ચાલ્યા તો ગામના સહુ એમને વળાવવા ચાલ્યા. આ વખતે થોડાક આઘેરાક જતા શ્રીહરિએ સૌને પાછા વાળ્યા, પણ રતનજીબાપુ તો બીજુ ગામ આવી ગયું તો પણ પાછા ન વળ્યા એટલે શ્રીહરિએ એમને કહ્યું કે રતનજી તમે હજુ પાછળ પાછળ આવો છો? આમેય તમે હવે ઘરે પાછા જઇને શુ કરશો, તો હવે તો અમારી સાથે જ ચાલો..! ત્યારે રતનજી બોલ્યા કે હે પ્રભુ, હવે ઘરે પાછા જવુ જ નથી, હવે તો તમારી સાથે જ કાયમ રહેવુ છે. શ્રીહરિએ એમને સાથે લીધા ને એજ દિવસ થી પોતાના ઘરબાર-વાડી બધુ જ એકજ ઝાટકે છોડીને જીવનભર શ્રીહરિના પડછાયા સમાન અંગરક્ષક બની રહ્યા. પોતે ફરીને ક્યારેય પાછા ઘરની સંભાળ લેવા ગયા જ નહી. રતનજી શ્રીહરિની મરજી જાણીને પોતે કાયમ આત્મભાવે સેવા કરતા અને દાદાખાચર ના દરબારગઢના ઘરધણી હોય એમ નિષ્ઠાભાવથી પોતાપણુ માનીને કાયમ સંભાળ રાખતા. એકવખત ચોમાસામાં ધેલા નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. એક નાનો છોકરો એ નદીના પ્રવાહમા વચાળે પત્થર ઉપર ફસાઇ ગયો હતો. એ છોકરાના બાપે રડતા રડતા શ્રીહરિના ચરણે અરજ કરી કે હે પ્રભુ મારા છોકરાને આ પૂરના પાણીથી બચાવો..! શ્રીહરિએ રતનજી સામે દ્રષ્ટિ કરતા જ પોતે પામી ગયાને કાંઇપણ બીજો વિચાર કર્યા વગર જ પોતે ઘેલાના ધસમસતા પ્રવાહમા કૂદી પડ્યા અને એ છોકરાને પકડીને તરતા થકા બચાવીને કાઠે લઇ આવ્યા. શ્રીહરિ રતનજીની આ તકની સેવા જોઇને ઘણા રાજી થયા. માંડવધારની સીમમાં ખબડ-મતારા સાથે થયેલ ધિંગાણા વખતે પણ ભગૂજી, રતનજી, મિયાંજી વગેરે એ અપ્રતિમ શૌર્યના દર્શન કરાવેલા. પાર્ષદ ભગૂજી વગેરે સહુ ઘાયલ થયેલા, ને રતનજીનુ પણ કાંડું કપાઇ ગયું હતું. એ વખતે શ્રીજીમહારાજ દરબારગઢમા સહુ પાર્ષદોની ખબર અંતર પુછવા દરરોજ આવતા હતા. આમ, પોતાના જીવના જોખમે પણ તેઓ શ્રીહરિની આજ્ઞાનુ પાલન કરતા મૂંઝાતા નહી. શ્રીજી મહારાજે પણ અમદાવાદના ૩જા વચનામૃતમા એમને યાદ કરતા કહ્યું છે કે “આ મુળજી બ્રહ્મચારી અને રતનજી કયા ડાહ્યા છે પણ એમને કલ્યાણનો ખપ છે એટલે એમને ભગવાન જેમ રાજી થાય એમ કરતા આવડે છે.” ગઢડા મધ્યના ૪૧માં વચનામૃતમા પણ શ્રીહરિએ કહ્યું કે “માન વગર તો ભગવાનની પ્રસન્નતા ને અર્થે તો ભગવાન ની ભક્તિ તો આ મીયાજી અને રતનજી જેવા કોઇક જ કરતા હશે.” મોટી ઉંમરે તેઓ એકવખત વડતાલ ગયા હતા. એકદિવસ સવારમાં પુજાપાઠ કરીને સહુના દર્શન કરતા શુકમુનિના શિષ્ય વામનપ્રસાદસ્વામી આવ્યા ત્યારે એમણે એક નાના સંતના વર્તન ને જોઇને રતનજીએ એમને પાસે બેસાર્યા અને બોલ્યા કે બેસો એક શિખામણની વાત કહું..! સાધુઓને એકબીજાના ખભા ઉપર હાથ મુકીને ચાલવું નહી, એવું દેખાવું એ સાધુ માટે દૂષણરુપ છે, આવું શ્રીજીમહારાજ કહેતા એટલે હુ તમને કહુ છુ. આપડે તો મહારાજ રાજી થાય એ જ તાન રાખવું. વામનપ્રસાદ સ્વામીએ રતનજીનો ગુણ ગ્રહણ કર્યો અને આભાર માનીને એમને ત્યાજ દંડવત કર્યા. પાર્ષદવર્ય રતનજી પોતાના વર્તનનો પણ કાયમ ખટકો રાખીને શ્રીહરિને રાજી કરવાનો પ્રયાસ કરતા. તેઓ શ્રીજીમહારાજ પાસે અંગભૂત પાર્ષદ તરીકે કોઇપણ માનની અપેક્ષા વગર જીવનભર સેવા કરતા રહ્યા.

  • મહાપુજા મુકતગાથા અને શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી….

🙇🏻‍♂️🙏