ગામ મહેસાણા ના મહામુકત એવા કસળીબાં બ્રાહ્મણ કે જેમના ઘરે મહારાજે સૌ સંતો-પાર્ષદોને એકવખત ખીચડીના દાતણ કરાવ્યા હતા !
Gujarati
મહેસાણાના કસળીબાં અને ખીચડીના દાતણ
ગામ મહેસાણા ના મહામુકત એવા કસળીબાં બ્રાહ્મણ કે જેમના ઘરે મહારાજે સૌ સંતો-પાર્ષદોને એકવખત ખીચડીના દાતણ કરાવ્યા હતા !
જૂનાગઢના વડનગરા નાગર જ્ઞાતિના મહાન ભક્તકવિ નરસી મહેતાના પુત્રી કુંવરબેનના પુત્રી શર્મિષ્ઠાબેન વડનગર પરણાવેલા, તેમના એક પુત્ર ભીમ મહેતા અને બે પુત્રીઓ તાના અને રિરી હતા, તેમની આ બે પુત્રીઓ તાના અને રિરી ભારતિય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રમાં ખુબ જાણીતા છે, શર્મિષ્ઠાબેનના એક પુત્ર ભીમમહેતાના નવ સંતાનોમાં એક સંતાન ભૂધર મહેતા હતા. આ ભૂધર મહેતાને પાંચ સંતાનો હતા, ૧- મોટા પુત્રી કુશળકુંવર બેન(આપણા કસળીબાં), જે મહેસાણા પરણાવેલા, ૨- બીજા પુત્રી રળિયાત બેન, -૩ ત્રીજા પુત્રી તે ગંગાબેન ( આપણા જેતલપુરના ગંગામા), -૪ મોટા પુત્ર જોઈતારામભાઇ નારદીપુર ગામમાં વસ્યા હતા, -૫ સૌથી નાના બંધુ તે નાનાભાઈ મહેતા, જે કરજીસણ ગામે વસ્યા હતા.
આમ નામ કુશળકુંવરબેન હતું પરંતુ સત્સંગમાં કસળીબેન અથવા કસળીબાં તરીકે ઓળખાયા છે. તેઓ નાગર જ્ઞાતિના બ્રાહ્મણ હતા, ને આધેડ વયે વિધવા થયેલ હોય, કુટુંબમાં કોઈ કમાનાર ન હોવાથી પોતાની જાત મહેનતથી નાના મોટા મંજૂરી કામ કરીને કે રેંટિયો કાંતીને પોતાનાં ગુજરાન પૂરતું કમાઈ લેતા અને શ્રીજીમહારાજનું દ્રઢ નિષ્ઠાથી ભજન કરતા. તેમનું ઘર સદાય સત્સંગીઓના ભજનના નાદથી ગુંજતું રહેતું. કસળીબા વડે મહેસાણામાં સત્સંગને ખુબ પોષણ મળ્યું છે.
જયારે જ્યારે સંતો કે ભક્તો મહેસાણામાં આવે ત્યારે કસળીબા તેમને પોતાના ઘરે ઉતારા ભોજન વગેરે સગવડ આપતા, તેઓ શ્રીજીમહારાજ ના પ્રેમી ભક્તોની સેવા ભાવથી કરતા ને મહારાજ પણ એમના ઉપર બહુ રાજી થઇને સેવાને સ્વીકારતા.
એકવખત શ્રીજીમહારાજ દંઢાવ્ય દેશમાં પોતાના સંતો પાર્ષદો સાથે વિચરણ કરતા સહુ સાથે મહેસાણા પધાર્યા. કસળીબાં તો રાજી રાજી થય ગયા, પોતાના પૃભુ સહુ મુક્તો સાથે પોતાને ગામ પધાર્યા એટલે સહુ સત્સંગીઓ ને સાથે લઇને સામૈયું લઇને શ્રીહરિ ને વધાવવા સામા ગયા. ભાવથી પુજન કરીને વાજતે ગાજતે સહુ સાથે મંગળ ગીતો ગાતા અતિ હેતથી પોતાને ઘેર પધરાવ્યા. કસળીબાએ મહારાજ અને સૌ ભક્તોને પોતાને ઘરે યથાયોગ્ય ઉતારો આપ્યો. પોતાની સ્થિતિ મુજબ સૌના સાંજના ભોજન માટે ખીચડી બનાવી, કસળીબાએ મહારાજને ઘીનું દેગડું આપ્યું, મહારાજે આખે આખું દેગડું ઘી ખીચડીમાં નાખીને હલાવીને બધું ઘી એકરસ કરી નાખ્યું ! ગામના સહુ ભક્તો દૂધના બોઘરા લાવ્યા !
કસળીબાએ ઘરમાં બાજોઠ ઢાળ્યો, તેની ઉપર મહારાજ વિરાજમાન થયા, સામે બીજા બાજોઠ ઉપર કસળીબાએ ખુબ ઘી નાખેલ ખીચડી અને દૂધનો થાળ પીરસ્યો ! ભક્તના ભાવથી પીરસેલ થાળ ને મહારાજ જમ્યા ! ખુબ આનંદથી થાળ જમીને મહારાજે સૌ સંતો-ભક્તો પાર્ષદોને દૂધ ને ખીચડી પોતાના હાથે પીરસી ને જમાડયા, તો પણ ઘણી ખીચડી વધી.
કસળીબાએ આગ્રહ કરીને સૌને રાત રોક્યા, રાતે મહેસાણાના ભક્તોની શ્રીજીમહારાજ સન્મુખ સભા થઇ, મોડી રાત સુધી ભજન કીર્તન થયા, પછી મહારાજ પોઢયા.
વહેલી સવારમાં ઉઠીને શ્રીજીમહારાજ અને પાર્ષદો જવા માટે તૈયાર થયા, ત્યારે કસળીબાએ વિનંતી કરી કે “ હે મહારાજ ! આ મારી રાંકની ખીચડી વધી છે તેનું શું ? એ ખીચડી તો મારી વિધવાની રેંટિયો કાંતીને કરેલ કમાણીની છે, માટે આજ તો આપ સૌ જમીને જ જજો.”
મહારાજે સ્મિત કરીને સૌને શીરામણી જમવા કહ્યું પરંતુ હજુ સૌને સવારના દાતણ પાણી અને સ્નાન, પૂજા કરવાનું બાકી હતું, સૌએ એવું પરિયાણ કર્યું હતું કે રસ્તામાં નદી કે તળાવ આવે ત્યાં દાતણ પાણી સ્નાન પૂજા કરશું, એટલે સૌ શિરામણમાં ખીચડી જમવાનું સાંભળીને ખચકાયા, કારણ કે હજુ તો દાતણ પણ કરવાના બાકી હતા ! મહારાજ આ પ્રેમી ભક્ત કસળીબાનો ભાવ જાણતા હોવાથી साथेના પાર્ષદોને કહ્યું “ આજ તો આપણે સૌ ખીચડીના જ દાતણ કરશું ! “ એમ કહીને સૌને સાંજની વધેલ ખીચડી પીરસીને જમાડયા ! આમ સંતો ભક્તો માટે મહારાજની લીલાનું ધ્યાન કરવા માટે કસળીબાની ખીચડી સત્સંગમાં ખુબ પ્રસિદ્ધ થઇ !
મહેસાણામાં હાલ કસળીબાના મકાન દર્શન આપે છે, જે મકાનમાં ઘણી વખત સંતો અને મહારાજ પધાર્યા છે. –સત્સંગ સ્ત્રી-રત્નમાળા વાત ૫૯
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીના પ્રકરણ ૧૧૯ની કડી ૫૫માં મહેસાણા ગામના આ મુકતરાજ એવા કસળીબાં ને યાદ કરતા લખ્યું છે કે….
નરસઇ ભક્ત ભાવસાર, મુળચંદ એ જન ઉદાર..! દ્વિજભકત છે કસળીબાઇ, એહાદિ જન મહેસાણામાંઇ..!!
શ્રીભકતચિંતામણિના મુકતોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏