ભરુચ જીલ્લા મા મુકતરાજ દિનાનાથ ભટ્ટના ગામ આમોદ પાસે દોરા નામે ગામ આવેલું છે. આ દોરા ગામમાં સદગુરુ કૃપાનંદ સ્વામીના યોગે જીજીભાઈ પટેલ સત્સંગી થયેલા.

Gujarati

દોરાના જીજીભાઇ પટેલ અને કૃપાનંદ સ્વામીના આશીર્વાદ

ભરુચ જીલ્લા મા મુકતરાજ દિનાનાથ ભટ્ટના ગામ આમોદ પાસે દોરા નામે ગામ આવેલું છે. આ દોરા ગામમાં સદગુરુ કૃપાનંદ સ્વામીના યોગે જીજીભાઈ પટેલ, કાશીરામભાઇ બ્રાહ્મણ, નાગારદાસભાઈ પટેલ વગેરેને સત્સંગ થયેલો. જીજીભાઈ પટેલનુ તો પૃારબ્ધ જ કૃપાનંદ સ્વામીના વચને બદલી ગયું હતું !

જીજીભાઈ સાવ નાના બાળક હતા ત્યારે તેમના માતા પિતા મૃત્યુ પામતા અને કોઈ સગા-કુટુંબનો પણ સાથ ન હોવાથી અનાથ સ્થિતિના થઇ ગયા હતા, તેમને પોતાના ગામની પણ ખબર નહોતી ! જ્યા કોઈ ખાવા આપે ત્યાં રહેતા ને ઓટલો મળે ત્યાં સુઈ રહેતા ! અનાથ પરંતુ તરવરીયા બાળક જીજીભાઈ જ્યાં જાય ત્યાં ખુબ ઉત્સાહથી જે સોંપે તે કામ કરવા લાગતા. આ અનાથ બાળક જીજીભાઈ આવી રીતે કોઈ ગામમાં હતા ત્યારે મહાસમર્થ ને વચનસીદ્ધ સંત એવા સદગુરુ કૃપાનંદ સ્વામીનું સંત મંડળ તે ગામમાં આવ્યું હતું, તે ગામના આગેવાનોના કહેવાથી આ નાનો બાળક જીજીભાઈ સંતોની સેવામાં જોડાઈ ગયો ! સંતો જે કહે તે નાની મોટી સેવાઓ ખુબ જ ઉત્સાહથી કરવા લાગ્યો, નાના બાળકની આવી સેવા અને નિર્દોષતા જોઈને જીજીભાઈને કૃપાનંદ સ્વામીએ એકવખત “આવો જીજીભાઈ પટેલ ! ” એવા સંબોધનથી બોલાવ્યા, આ સાંભળીને સંતોની પાસે બેઠેલા ગામના લોકો હસ્યા, કારણ કે એ સમયે અંગ્રેજ સરકારની હકુમત હતી. ગામનો પટેલ હોય તે ગામનો રાજા ગણાતો, તેની સાહ્યબી રાજા જેવી રહેતી, આથી જ્યારે કૃપાનંદ સ્વામીએ અનાથ બાળક જીજીભાઈને ‘પટેલ’ કહ્યો એટલે સૌ લોકો હસ્યા, એ લોકો જાણતા હતા કે આ છોકરાને તો રહેવાના કે ખાવાના પણ ઠેકાણા નથી ! આને તો સ્વામી આપ ‘પટેલ’ કહો છો ! આમ કહ્યું એટલે કૃપાનંદ સ્વામી કહે, ‘ અમારામાં રહીને સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે માટે આ જીજીભાઈ જરૂર કોઈ ગામનો પટેલ થશે સ્વામિનારાયણ ભગવાન અમારા વેણ ને જરુર સત્ય કરશે ‘

સમયજતા આ અનાથ બાળક જીજીભાઈ માટે કૃપાનંદ સ્વામીના આશીર્વાદ સત્ય થયા, એ વખતે દોરા ગામના પટેલ દંપતિને કોઈ સંતાન ન હતું. તેમણે પોતાના કુળદેવીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કર્યો, પોતાના કુળદેવીના વ્રત ને પ્રાર્થના કરી. તેમના કુળદેવીએ પ્રસન્ન થઈને પતિ પત્નીને એક જ સમયે સ્વપ્નમાં આવીને કહ્યું કે કોઇ નિશ્ચિત દિવસે ડમણિયું (નાનું ગાડું) જોડીને ફલાણી દિશે જજો, દિવસ ઉગતા જે ગામ આવે, ત્યાં પ્રથમ જે બાળક સામે મળે, તેને પુત્ર તરીકે સ્વીકારીને તમારો વારસદાર કરીને લઇ લેજો. તે બાળક તમને સુખી કરીને તમારા કુળનો ઉદ્ધાર કરશે, આમ સ્વપ્નમાં પતિ પત્ની બંનેને કહીને દેવી અદ્રશ્ય થઇ ગયા. વળતે દિવસ સવારે જાગીને બંનેએ પરસ્પર વાત કરી, બંનેને જાણે તાદ્રશ દર્શન થયા હોય તેમ દેવીએ સરખુંજ કહ્યું હતું ! દોરા ગામના પટેલ અને તેમના પત્ની દેવીમાતાએ કહેલ દિવસ અને દર્શાવેલ દિશામા વેલડું જોડીને ગયા, દિવસ ઉગતા આ અનાથ બાળક જીજીભાઈ સામે મળ્યા, વેલડું ઉભું રાખીને બંનેએ તે બાળકને આપીને વહાલથી તેડી લીધો અને મુખમાં મીઠાઇ આપીને પોતાનો વારસદાર કર્યો ! આ પટેલના ઘરે જ જેને કૃપાનંદ સ્વામીએ ‘પટેલ‘ કહેલા તે જીજીભાઈ મોટા થઇને દોરા ગામના ‘ પટેલ‘ બન્યા ! જીજીભાઈ સદાય સ્વામિનારાયણ ભગવાનના સંતોના જોગમા રહ્યા. આ પ્રદેશમાં જીજીભાઈએ ઘણા લોકોને સ્વામિનારાયણ ભગવાનના જોડયા. દોરા ગામ અને આજુબાજુના ઘણા મુસલમાનો પણ જીજીભાઈના સંગથી સત્સંગી થયા. સાચા સંતની સેવા અને એમના આશીર્વાદ નિષ્ફળ નથી જતા એ ન્યાયે સદગુરુ કૃપાનંદ સ્વામીની સેવા કરનાર આ નાના બાળક જીજીભાઈની નિસ્વાર્થ સેવાથી શ્રીહરિએ એમનુ પ્રારબ્ધ જ બદલી નાંખ્યું. જીજીભાઈએ દોરા ગામમાં પોતાના ઘર બાજુમાં જ ખુબ ભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર બનાવ્યું છે, જેના દર્શન થાય છે, જે સ્વામિનારાયણ મંદિરને સીસમના લાકડા ઉપર નકશી-કામ વડે ભવ્ય રીતે શોભિત બનાવ્યું છે. હાલમાં પણ એ સ્વામિનારાયણ મંદિરની બાંધણી રજવાડી છે અને એમની બાજુમાં આવેલા એમના વંશજોના મકાન પણ તેવા જ રજવાડી છે. હાલ તેમના વંશજો પણ વડતાલવાસી શ્રીલક્ષ્મીનારાયણ દેવના દ્રઢ આશ્રિત છે, અત્યારે તેમના વંશજો પણ ખુબ સારા સત્સંગી છે. જીજીભાઈ પટેલના ચોથી-પાંચમી પેઢીના વંશજ જશભાઈ પટેલ નો પરિવાર પણ ખૂબ સારા સત્સંગી છે. તેઓ દોરા ગામે રૂબરૂ મળ્યા ત્યારે તેમણે પોતાના વડવા જીજીભાઈની ઉપરોક્ત હકીકત વડિલ હરિભક્ત શ્રી ઘનશ્યામભાઇ ઠેસીયા ને રજુ કરી હતી.

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણી ગૃંથના પૃકરણ ૧૨૫ ની પાંચમી કડી મા એમને ચિંતવતા લખ્યું છે કે…

ભક્ત જીજીભાઇ ભગવાન, શેખ માવજી ભીખો નિદાન..! એહ આદિ હરિજન દેહ, વસે ગામ દોરામાંહી તેહ..!!

  • શ્રીભકતચિંતામણિના મુક્તો ના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏