જામનગર ના રાજકવિ અને એકાંતિક ભકતરાજ શ્રી ભીમજીભાઇ રત્નું અને દેવીદાનભાઇ રત્નુ કાલાવડ રહેતા હતા.
Gujarati
કાલાવડના દેવીદાનભાઇ અને સંતોની કૃપા
જામનગર ના રાજકવિ અને એકાંતિક ભકતરાજ શ્રી ભીમજીભાઇ રત્નું અને દેવીદાનભાઇ રત્નુ કાલાવડ રહેતા હતા. ભીમજીભાઇ ને સદગુરુ દેવાનંદ સ્વામી તથા મોટા મોટા સંતો સાથે આત્મબુદ્ધિ નુ હેત હતું. સંવત ૧૯૫૬મા ભીમજીભાઇ રત્નુંને શ્રીહરિ અક્ષરધામમાં તેડી ગયા, આ સમયે કવિરત્ન માવદાનજીભાઇની ઉંમર આઠેક વરહની અને નાનાભાઇ ચતુરદાનજીની ઉંમર પાંચ વરહની જ હતી. આમ એકાએક જ આખાયે પરિવારની ભરણપોષણની જવાબદારી નાનાભાઇ દેવીદાનભાઇ ઉપર આવી પડી.
મોટાભાઇ એકાએક ધામમાં જતા રહેતા દેવીદાનજીભાઇને પરિવારની ભરણપોષણ ની જવાબદારી, છોકરાવ નાનાને રાજદરબારમાં દરરોજ જવા-આવવા વગેરે ની ચિંતા રહેવા લાગી. હજુ તો થોડો સમય વિત્યે પોતે પણ બીમાર પડ્યા. રાજના વૈદો પાસે ઘણીય દવા કરાવી પણ સારુ થયું નહી ને બીમારી વધતી ગઇ. એકદિવસ ખાટલે સુતા સુતા દેવીદાનભાઇ ને મનમાં થયું કે હવે આ શરીરનો કોઇ ભરોસો નથી એટલે મને સંતોના દર્શન થાય તો સારુ એમ વિચારીને ગામના હરિભક્ત પૃેમજીભાઇ સુતાર ને બોલાવીને કીધુ કે તમો મને સદગુરુ બાલમુંકુંદદાસ સ્વામીના દર્શન કરાવો.
એવા મા પૃેમજીભાઇને સમાચાર મળ્યા કે બાલમુકુંદ દાસ સ્વામી બાજુના ખંઢેરી ગામે પધાર્યા છે. પોતે તુરંત જ ગાડુ જોડીને સ્વામીને તેડવા ખંઢેરી ગામે ગયા ને સ્વામીને દંડવત પૃણામ કર્યા. સ્વામીને વિગતે વાત કરી ને દેવીદાનભાઇને દર્શન આપવા સારુ પોતાને ગામ કાલાવડ પધારવા વિનંતી કરી.
પૃેમજીભાઇ એ બાલમુકુંદ સ્વામીને દેવીદાનભાઇ ને શરીરે સારુ થઇ જાય એવી વિનંતી કરતા કહ્યુકે છોકરાવ હજુ નાના નાના છે અને મોટાભાઇ પણ ધામમાં જતા રહ્યા છે. અમારા કાલાવડ ગામના સત્સંગ મા પણ દેવીદાનભાઇ હોય તો સહુને કથાવાર્તા ને સંતોનો યોગ સહેજે રહે, માટે આપ કૃપા કરો તો એ સાજા થઇ જાય. સ્વામી કહે શ્રીહરિ સર્વકર્તાહર્તા છે પણ ભક્તોની અરજ તો એ હરકાળે સાંભળે છે. ચાલો અમો અત્યારે જ કાલાવડ આવીએ.
બાલમુકુંદ દાસ સ્વામી પૃેમજીભાઇ સુતાર સાથે ગાડામા બેસીને ખંઢેરી થી કાલાવડ મંદિરે પધાર્યા ને દેવીદાનભાઇની ઘરે સ્ત્રીઓ ન હોય એમ વ્યવસ્થા કરાવી દર્શન દેવા પધાર્યા. દેવીદાનભાઇને તો સ્વામીના દર્શન થતા જ આંખ્યો મા હરખના આંસુ આવી ગયા, શરીરની પીડા બધીજ ભૂલાય ગઇ.
સ્વામી એમના ખાટલા પાસે બેઠાને ખબર અંતર પુછયા ને બોલ્યા કે દેવીદાનભાઇ કાંય ચિંતા કરશો નહી, તમારા ઘરનો બધોય વ્યવહાર તો શ્રીજીમહારાજ સંભાળશે, છોકરાવ તો સત્સંગ મા છે એટલે એ સંતો-ભક્તોના યોગમાં કાયમ રહેશે, તમનેય શરીરે શ્રીહરિ સાવ સાજા કરી દેશે. આજથી ઘરના સહુ શ્રીહરિને સંભારીને દરરોજ દહ-દહ માળા વધારે કરજયો.
આમ કહીને સ્વામીએ જળનો લોટો મંગાવી એમા પોતાના હાથે પૃસાદીભૂત સાકર નંખાવી શ્રીહરિને ધરાવીને દેવીદાનભાઇને પાયું.
બાલમુકુંદદાસ સ્વામી એમને આશીર્વાદ આપીને સહુ સંતો સાથે મંદિરે આવ્યા ને શ્રીહરિને એકવીસ દંડવત કર્યા ને પૃારથના કરી કે ‘હે મહારાજ..! દેવીદાનભાઇનુ આયુષ્ય વધારી દેજો.’
સ્વામીની પૃાર્થનાથી દેવીદાનભાઇ ને શરીરે સારુ થયુને ત્યારપછી બીજા એકવીસ વરહ સુધી નિરોગીપણે સત્સંગ મા રહ્યા ને અખંડભજન કરતા થકા શ્રીહરિના અક્ષરધામમા સીધાવયા.
- સોરઠી સંતોમાંથી…
🙇🏻♂️🙏