ભદ્રેશી ગામ સુરેન્દ્રનગરથી આશરે ૧૪ કીલોમીટરના અંતરે આવેલ છે. આ ગામમાં વૈષ્ણવ પરિવારના અમીચંદ શેઠ, સુરચંદ શેઠ અને સુંદરજી શેઠ ત્રણ ભાઈઓ હતા.
Gujarati
ભદ્રેશીના સુરચંદ શેઠ અને શ્રીજી મહારાજ
ભદ્રેશી ગામ સુરેન્દ્રનગરથી આશરે ૧૪ કીલોમીટરના અંતરે આવેલ છે. આ ગામમાં વૈષ્ણવ પરિવારના અમીચંદ શેઠ, સુરચંદ શેઠ અને સુંદરજી શેઠ ત્રણ ભાઈઓ હતા. એમાય સુરચંદ શેઠ તો સમગ્ર શેઠ કુટુંબમાં બહુ જ કુનેહકુશળ હતા. શેઠ કુટુંબમાં સુરચંદ શેઠ સંતોના જોગથી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા, એ વખતે સૌભીર દેશમાં ઘણા સત્સંગના વિરોધીઓ હતા, તેમ છતાં આ વિરોધીઓને સુરચંદ શેઠે પોતાની આગવી કુનેહથી પોતે ધાર્યું હોય તે મુજબ કરી કરાવી ને સત્સંગમાં જોડી દીધા હતા ! માટે આવા ભક્ત સુરચંદ શેઠ માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણિમાં ‘સ્વછંદ’ શબ્દ કહ્યો છે !
એ વખતે ભદ્રેશી ખુબ સમૃદ્ધ નગર હતું. ભદ્રેશી ગામમાં આ પ્રતિષ્ઠિત વૈષ્ણવ શેઠ કુટુંબ હતું. સુરચંદ શેઠ તેમની યુવાન અવસ્થામાં જંતરડો વાપરવાની કળા શીખતા હતા. જંતરડો એ શિકારી વૃત્તિથી જીવનારા લોકો દ્વારા પ્રાણીઓના શિકાર માટે વપરાતું સાધન છે. શેઠકુટુંબના સહુએ આવું દુષ્ટજનોના ઉપયોગમાં લેવાતું સાધન વૈષ્ણવ કુટુંબનો વ્યક્તિ વાપરે તેનો ખુબ વિરોધ કરેલો, છતાં સુરચંદ શેઠે પોતાનું ધાર્યું જ કરીને આ જતરડો વાપરવાની અને ધાર્યું નિશાન પાડવાની કળામાં કુશળતા મેળવી હતી, પણ તેમણે સમગ્ર વૈષ્ણવ કુટુંબને ખાત્રી આપી કે આ જંતરડાનો ક્યારેય દુરુપયોગ નહિ કરે, આમ સુરચંદ શેઠ પહેલેથી જ આવા સ્વચ્છંદી હતા !
એક વખત ભદ્રેશી ગામ ઉપર બહારવટિયાઓએ જાસો મોકલ્યો કે ફલાણે દિવસે અમે તમારું ગામ ભાંગવા આવશું, આથી સૌ ગામલોકો ખુબ ગભરાયા, તે સમયે યુવાન સુરચંદ શેઠે સૌને કહ્યું કે એ બધા બહારવટિયાઓને હું એકલો જ ભગાડી મુકીશ, આમ કહીને જે તરફથી લૂંટારાઓ આવવાના હતા તે તરફની એક ટેકરી ઉપર જંતરડો અને પથ્થર ભરેલી ઝોળી લઈને સુરચંદ શેઠ ઉભા રહ્યા, બહારવટિયાઓ દિવસના સમયે આવ્યા તે ઘોડા દૂરથી દેખાયા એટલે ટેકરી ઉપર ઉભેલા સુરચંદ શેઠે પોતાના જંતરડામાં એક પાણો ચડાવીને અચૂક નિશાન લઈને એવો ફેંક્યો એ બંદૂકની ગોળીની ઝડપે આવતા પથ્થરથી એક લૂંટારાના માથાને કોઈ ઇજા થયા વિના જ પાઘડી ઉડી ગઈ ! ત્યાં બીજા અચૂક ઘાએ બીજા બહારવટિયાની બંદૂકની નળી ભાંગી ગઈ, કોઈની પાઘડી, કોઈની બંદૂક, તો કોઈને ખભેથી ખડિયો એમના જંતરડાના નીશાને ચડી ગયો. આથી સૌ બહારવટિયાઓ હેબતાઈ ગયા ! આમ સુરચંદ શેઠના અચૂક ઘાથી ડરીને ગામ લૂંટવા આવેલા બહારવટિયાઓ ઉભી પૂંછડીએ ભાગી ગયા. આમ નિશાનબાજ સુરચંદ શેઠે કોઈ પણ લૂંટારાને માર્યા કે કોઈ હિંસા કર્યા વિના જ લૂંટારાઓને ભગાડયા !
- પુનિત મહારાજના પ્રકાશિત પુસ્તકમાંથી
એકવખત સંતો ભક્તોના સંઘ સાથે શ્રી સ્વામિનારાયણ ભગવાન ભદ્રેશી ગામે પધારવાના છે તેના સમાચાર આવ્યા. સહુ તો હરખે હરખે સામૈયું કરીને શ્રીહરિએ સત્કારવા તૈયાર થયા.
શ્રીજીમહારાજ અને સંતોના સંઘ સાથે, સીતાપુરથી ભદ્રેશી પધાર્યા, સુરચંદ શેઠની દોરવણી મુજબ સૌએ સ્વામિનારાયણ ભગવાનનું ખુબ ધામધૂમથી સામૈયું કર્યું, દશ ગામોનું દૂધ એકઠું કરીને તે પ્રદેશના આગેવાન ગોસાંઈજીની મદદ અને દેખરેખથી સંઘના સર્વે ભક્તોને જમાડ્યા !
શેઠ સુરચંદભાઈ ત્યાંના, અમીચંદ સુંદરજી નાના…! ત્રણે શેઠ સગા ભાઈ કહું, બુદ્ધિવંત ને વિવેકી બહુ..! લખ્યા લક્ષણ શાસ્ત્ર પુરાણે, સંત અસંત સમજી જાણે..! તેથી થઇ પ્રગટમાં પ્રીત, ચોટ્યું પ્રભુ ચરણમાં ચિત્..! સારું સામૈયું સજીને લાવ્યા, પૂરજનો સામા સહુ આવ્યા..! સુરચંદ શેઠે નિજ ઘેર, આપ્યો ઉતારો ત્યાં રુડી પેર..! સેવા કરે સકુટુંબ સહુ, કર્યા પ્રભુને પ્રસન્ન બહુ..! આવ્યો ઉમંગ અંતર શુદ્ધ, દશ ગામનું મંગાવ્યું દૂધ..! જમ્યા સંત અને શ્રીમહારાજ,જમ્યા સત્સંગીસહુ સમાજ! મોતી પરોવે વીજમાં જેવું, કર્યું કામ ગોસાઇએ તેવું..!
- શ્રીપૂરુષોતમ ચરિત્ર પુષ્પમાળા પુષ્પ ૨૦
એ વખતે સુરચંદ શેઠ સીથા ગામના રાજાનું કારભારું પણ કરતા, શેઠ સ્વામિનારાયણના સત્સંગી હોવાથી તેમના વિરોધીઓએ કારસ્તાન અને કાવાદાવા કરીને સુરચંદ શેઠના કુટુંબને એ વખતે જેલમાં પુરાવ્યું, તે વખતે સુરચંદ શેઠે મહારાજની નિષ્ઠાથી અને ખુબ કુશળતાથી અને શૂરવીરતા પૂર્વક તે આક્ષેપનો નિકાલ કરીને સર્વે વિરોધીઓને ઉઘાડા પાડીને પોતાની નિર્દોષતા સાબિત કરી હતી અને પોતાનું કુટુંબ છોડાવ્યું હતું.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિ ભાગ ૩ વાત ૨૯૯
હાલ ભકતરાજ સુરચંદ શેઠના વંશજો સુરેન્દ્રનગર, મુંબઈ જેવા શહેરોમાં વસે છે અને ખુબ સારો સત્સંગ રાખે છે. નિષ્કુળાનંદ સ્વામી શ્રીભકતચિંતામણિ ગ્રંથના પ્રકરણ ૧૧૭ ની કડી ૬મા આ ગામ ભદ્રેશીના સુરચંદ શેઠને ચિંતવતા લખે છે કે…
ભક્ત ભદ્રેશ્વરીયે સ્વછંદ, શેઠ અમિચંદ સુરચંદ..! વૈશ્ય સુંદરજી અવિચળ, મોટા ભક્ત મન નિર્મળ..!!
- શ્રી ભકતચિતામણી ના મુકતોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏