ધોરાજી તાલુકામાં છત્રાસા નામે નાનું એવું ગામ આવેલું છે. ગામના ગામધણી દરબાર પ્રતાપસિહ એક દિવસ રાત્રે પોતાની ઓસરીમા ખાટલે સુતા હતા.
Gujarati
છત્રાસાના પ્રતાપસિંહ દરબાર અને ગુણાતિતાનંદ સ્વામી
ધોરાજી તાલુકામાં છત્રાસા નામે નાનું એવું ગામ આવેલું છે. ગામના ગામધણી દરબાર પ્રતાપસિહ એક દિવસ રાત્રે પોતાની ઓસરીમા ખાટલે સુતા હતા. અધરાત્ય વિત્યે સપના માં પોતાને વિકરાળ જમના દૂતો દેખાયા. જોત જોતામા પોતાને ખાટલેથી ખેંચતા હોય એવું લાગ્યું પણ ત્યા તો મોટી ડેલીને ને માલીકોર મોટા દેવળની ઉપર ધજા ફરકતી હતી, નીચે આંગણામા આઘેરા થાંભલીએ બેઠેલા કોઇ દિવ્યપુરુષે હાંકોટો માર્યો કે “એલા એય…! આઘા રે’જો એ તો અમારો જીવ છે.” એટલું કે’તા તો જમના દૂતો એ દિવ્યપુરુષને પ્રણામ કરીને ખસી ગયા.
દરબાર પ્રતાપસિંહની તો નિંદર ઉડી ગઇ ને સફાળા બેઠા થય ગયા. ખાટલે બેઠા બેઠા વિચાર કરે કે આ જમના દૂત હતા એ ખરા પણ એને હાકોટો મારીને તગડી મુકયા એ મહાપુરુષ કોણ હશે? એનો જો ભેટો થઇ જાય તો મને આ ભવ-ભવના ફેરામાંથી છોડાવે ને જમના દૂત થકી છૂટકારો થાય.
સવારે જાગીને પોતાના ઉપર વિતેલી વાત એમના કાકાને કરી, એમના કાકા પણ દૈવી જીવ હતા તે બોલ્યા કે ભારતની ભૂમી મા તો આવા મહાપુરુષો ભેખ ધારણ કરીને વિચરતા જ હોય, હાલ્ય આપણે યાત્રા એ જાઇએ. તિર્થસ્થાનો મા ફરતા ફરતા ક્યાંક તો આપણને એ મળી જ રહેશે. આમ વિચારીને પ્રતાપસિંહ ને એમના કાકા બેઉ યાત્રાએ નીકળ્યા.
દ્વારિકા, સોમનાથ, પ્રભાસપાટણ વગેરે સ્થળોએ દર્શન કરતા ને સ્વપ્નમાં આવેલા એ દેવળ અને એ દિવ્યપુરુષની શોધમાં ફરતા ફરતા બેઉ ગિરનારની તળેટીમાં જુનાગઢ આવ્યા. ભવનાથની તળેટીમાં બધેય ફર્યા, ઘણાય મંદિરોમાં જઇ જઇને દર્શન કર્યા પણ તોય ક્યાંય એમને સ્વપ્નમાં થયેલા અનુભવના જેવા જ દર્શન થયા નહી.
આખરે પ્રતાપસિંહ નિરાશ થયા ને એમના કાકા સાથે વાત કરતા હતા કે કાકા..! મને ક્યાંય એ વિભૂતિ ને દેવળ ના દર્શન નહી થાય ? ત્યારે એમના કાકા કહે કે આ ગીરનાર ની તળેટીમાં તો ઘણાને ભેખમા ભગવાન જડ્યા છે. તો આપણેય કોઇને પુછીએને..! આમ વાત કરતા હતા ત્યા કોઇએ એમને કહ્યું કે આહી અમારા નાગરવાડામા પણ એક ભગવાનશ્રી સ્વામિનારાયણનું નવું મંદિર થયું છે. ત્યા એ મંદિરે મોટો દરવાજો ને ઉચા શિખરનું દેવળ છે તો તમે એના દર્શન કરો, કદાચ તમારા મનની વાત ત્યા સાચી પડે.
આ વાત સાંભળતા જ પ્રતાપસિંહ એમના કાકા સાથે ઉતાવળે પગે નાગરવાડામાં મંદિરે આવ્યા. મંદિરના પ્રાંગણમાં જતા જ મોટો દરવાજો ને શ્રીરાધારમણ દેવનું મોટું દેવળ જોઇને તુરંત જ દરબાર પ્રતાપસિંહ બોલ્યા કે કાકા..! બસ આજ શીખર ને આજ મોટો ડેલો મને સ્વપ્ના મા દેખાયો હતો. હવે બસ એ મહાન વિભૂતિ કે જેણે હાકોટો મારીને જમના દૂતો ને તગડી મેલ્યા એના દર્શન થય જાય તો મારો બેડો પાર થય જાય.
બેઉએ દેવોના દર્શન કર્યા ને સભામંડપ તરફ આવ્યા ત્યા તો થાંભલીએ સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી બેઠા હતા. સ્વામીના દર્શન થતા જ દરબાર દોડ્યા અને સ્વામીના પગ પકડી લીધા. એની આંખ્ય માથી આંસુની ધારાઓ વહેવા લાગી. સદગુરુ ગુણાતિતાનંદ સ્વામી કહે કે આવો પ્રતાપસિંહ દરબાર આવો, તમને જમના દૂત કેવા ભયંકર લાગ્યા ?
બે હાથ જોડીને પ્રતાપસિંહ બોલ્યા કે તમે મને સ્વપ્નમાં જમના દૂત થકી છોડાવ્યો, તમે બહુ કૃપા કરી, હુ બહુ સમય તમને ગોતવા ભટક્યો પણ આજે મારા પુણ્ય પ્રગટ્યા. હવે મને તમારા ચરણે લ્યો અને જમના દૂત અને ભવ ભવના બંધનો થી છોડાવો.
સ્વામી હસ્યા અને બોલ્યા કે દરબાર..! ભગવાનનુ ભજન ને એનો આશરો એજ જમના દૂતને છોડાવે એવું છે, બાકી તો ગમે એટલા જીવ વલખા મારે અંતકાળે કાય કામ આવતુ નથી. અંતકાળે મોટા ગામ-ગરાસ, રાજ-રજવાડા, ધન દોલત, કે મેડી વાડી બધુય ધૂડય નુ ધૂડ્ય થઇ રહેશે, માટે પ્રગટ સ્વામીનારાયણનો આશરો કરો, કંઠી પહેરો ને હાલતા ચાલતા ખાતા પીતા સર્વક્રિયામાં “સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..!” એમ ભજન કરજયો. અંતકાળે શ્રીહરિ વિમાન લઇને તેડી ને અક્ષરધામ લઇ જાહે.
સ્વામી કહે કે, અમે એકવખત વિચરણ મા નિસર્યા હતા ને ભૂખ્યા હતા એ સમયે તમે અમને એક બાજરાનો રોટલો જમાડેલો, તે એ તમારો ઉપકાર અમારા ઉપર હતો એટલે અમે એ રાતે તમને જમના દૂત થકી છોડાવ્યા. અમને સાધુને તો કોઇ રોટલા દેય તો અમારે એ જીવનુ રૂડું થાય એવું કરવું એમ ઇષ્ટદેવ શ્રીહરિની આજ્ઞા છે.
પ્રતાપસિંહ બાપુએ તુરંત જ ગુણાતિતાનંદ સ્વામી પાસે વર્તમાન ધરાવ્યા અને સત્સંગી થયા. પોતાનું શેષજીવન શ્રીહરિનુ ભજન કરીને અક્ષરધામમા સીધાવ્યા.
- શ્રીસ્વામિનારાયણ ચરિત્રં માંથી…
🙇🏻♂️🙏