વટામણ ચોકડીથી બગોદરા તરફ જતા રસ્તામાં વચાળે જવારજ કરીને નાનું એવું ગામ છે. આ ગામમાં દરબાર પરિવારોમા સંતોના વિચરણના યોગે સત્સંગ થયો હતો.
Gujarati
જવારજના દરબાર ભક્તો અને શ્રીજી મહારાજનું જમણ
વટામણ ચોકડીથી બગોદરા તરફ જતા રસ્તામાં વચાળે જવારજ કરીને નાનું એવું ગામ છે. આ ગામમાં દરબાર પરિવારોમા સંતોના વિચરણના યોગે સત્સંગ થયો હતો. જવારજ ગામના દરબાર ભકતો નાથુજી અને ચેલાજી જેના ઘરે શ્રીજીમહારાજ સુરાખાચર વગેરે કાઠી-દરબારો સાથે થાળ જમ્યા છે.
એકવખત શ્રીહરિ પોતાના સખા સુરાખાચર, સોમલાખાચર, મોકાખાચર વગેરે હારે ઘોડેસ્વાર થઇને કાઠિયાવાડ થી ગુજરાત તરફ આવતા હતા. સૌ સાથે સવારના શિરામણ પચ્છમ ગામે કર્યા ને પંથે ઘોડા સાબદા કર્યા હતા. વહેલીસવારે ભળકડે સૌ પલાણ બાંધીને નીકળ્યા તે ત્યાંથી ભોગાવો નદી ઉતરીને ઘોડાને પાણી પાંઇ ને આગળ ચાલ્યા. ઘોડાઓની રેવાળ ચાલ, ઉગમણી દશ્યમા થી સૂરજનારાયણના પૃસરાતા કિરણોમાં શ્રીહરિની ત્રણ છોગલાવાળી પાઘ ને સોનેરી વસ્ત્રો પર પડતા અદભૂત લાગતા હતા. જે કોઇ રસ્તે આવતા જતા જુએ એના મન મોહી લેતા હતા. શ્રીહરિ સાથે એમના સખા એવા સુરાખાચર ને સોમલાખાચર વગેરે સહું હાસ્ય વિનોદ કરતા કરતા આગળ જતા હતા. સૌ સવારના વહેલા પચ્છમ ગામેથી ચાલ્યા તે બપોર થતા સૌ દરબારો ખુબ ભૂખ્યા થયા હતા. સુરા ખાચરે શ્રીહરિએ પુછયુ કે “ હે મહારાજ ! દિ તો ઘણોય ચડી ગયો ને હવે તો બપોરટાણુ હોતન થઇ ગયું, હવે બપોરાનુ કેમ કરશુ ? હવે તો પેટમાં ગલુડિયા બોલે છે કાંક રસ્તામા માણહમારણી (એકાદશી) નો થાય તો સારુ“ શ્રીજીમહારાજ હસ્યા ને કહ્યું કે “ સુરાબાપુ, હવે તો કૌકા ગામ સિવાય ક્યાંય જમવાની આશા રાખવી નહિ, ભેગાભેગુ હજી દહ ગાઉ (૩૦ કિલોમીટર) હાલી નાંખઇ..! આ સાંભળીને સૌ ઢીલા થઇ ગયા, સુરાબાપુ કહે કે મહારાજ, જો ભૂખ્યા મારો દેહ પડી જાહે તો તમને બ્રહ્મહત્યાની જેમ કાઠીહત્યા લાગશે હો..! તમે તો ભગવાન છોવ તે કાંક કરપા કરો.” આ રીતે આનંદ વિનોદ કરતા જતા હતા. થોડાક આઘેરા ચાલ્યા તયા રસ્તામાં જવારજ ગામ આવ્યું. ગામને ગોંદરે પહોંચતા શ્રીહરિએ ઘોડાની લગામ છૂટી મૂકાવી દીધી ને બોલ્યા કે “હવે આ ઘોડાઓ ને જ્યાં જવું હોય ત્યાં તેની ઈચ્છા મુજબ જાય, આપણે સહુ તયા જ બપોરા કરીશુ.” આમ ઘોડાઓ જવારજ ગામમાં દરબારોના ફળિયામાં જઈને રોકાયા. એ સમયે જવારજ ગામના સહુ દરબાર પુરુષો ખેતરે વાવણી કરવા ગયા હતા, તેઓના ઘરના સ્ત્રીઓ પણ તેમના માટે જમવાનું ભાત લઈને ખેતરે જવા તૈયાર થયા હતા, અચાનક આવેલા આ સહુને જોઈને સર્વે સ્ત્રીઓ ખુબ નવાઈ પામ્યા. શ્રીજીમહારાજે મીઠી વાણીથી કહ્યું “ અમે સૌ તમારા મહેમાન થઈને તમારે ઘેર આવ્યા છીએ, માટે સૌ તમારા તૈયાર કરેલા ભાતમાંથી બે બે રોટલા આપો, આ સૌ કાઠી દરબારો છે, માટે તેઓને તમારું અન્ન ખપશે, અમારે જમવું નથી, તેમને જમાડશો તો અમને જમાડ્યા એમ માનશું અમારે તો જમીને અત્યારે જ ચાલવું છે “ આવી મીઠી વાણી સાંભળીને તેઓએ માથેથી ભાતના ટોપલા ઉતારીને ઓસરીમાં મુક્યા. શ્રીહરિ અને સુરાખાચર વગેરે સહુને ઓસરીમા ખાટલા ઢાળીને બેસારયા. બાઇઓએ દરબારોને પૂછવાથી જાણ્યું કે આ તો પોતાના ઇષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા છે !
જવારજ ગામના સર્વે દરબાર કુટુંબો સંતોના વિચરણ મા વર્તમાન ધારણ કરીને સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયા હતા, એમના ગામમાં અવાર નવાર સંતો પધારતા ને ગામમાં આવીને સત્સંગ કરાવતા. સંતોની વાતોથી જવારજ ગામના સ્ત્રી ભક્તો સ્વામિનારાયણ ભગવાનના મહિમાને જાણતા હતા, પરંતુ ક્યારેય પૃત્યક્ષ દર્શન નહોતા કરી શક્યા, આજ તો ઇષ્ટદેવ શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા છે તેમ જાણીને સર્વે બાઇઓ અત્યંત રાજી થયા, સૌ સ્ત્રીભક્તો નીચે બેસીને શ્રીજીમહારાજને પંચાંગ પૃણામ કર્યા. બાઇઓએ મહારાજને કહ્યું “ મહારાજ ! આપની કૃપાથી અમારા ઘરમાં ઘી ગોળ દૂધ દહીં લોટ વગેરે સહુ સીધુ તૈયાર છે, આપના માટે પણ થાળ કરાવીને અમારા ઘરે આપ જમો એવી અમે આપને પ્રાર્થના કરીએ છે, આમ કહીને બ્રહ્મચારી દ્વારા ઘણું ઘી નખાવીને શીરો બનાવીને સુંદર થાળ કરાવ્યો, શ્રીજીમહારાજ ને બાજોઠે બેસાડીને જમાડ્યા. મહારાજ પણ ભાવ જોઇને ઘણું જમ્યા ને ઘરના સર્વે ને થાળનો પ્રસાદ દીધો. સુરાબાપુ આદિ સૌ દરબારોને શિરો, અને ઘી-ગોળ, દહીં અને દૂધની તાંહળીયું, બાજરાના રોટલા, મરચાંના અથાણા જમાડયા, માણહ મોકલીને ખેતરે થી વાવણીયા ને બોલાવી ને સહુએ દર્શન ને બપોરના થાળનો દિવ્ય લાભ લીધો. જમીને બપોર પછે શ્રીજીમહારાજ અને સર્વે ત્યાંથી કૌકા ગામે જઈને રાત રોકાયા.
- શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર ૧૯ તરંગ ૩૬
હાલ પણ જવારજ ગામના દરબાર ફળિયામાં ઘણું પુરાતન સ્વામિનારાયણ ભગવાનનું હરિમંદિર છે, હાલમાં પણ જવારજ ગામના દરબારોમાં ખુબ મહિમા પૂર્વકનો સત્સંગ છે.
સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીભકતચિંતામણી ગૃંથના પૃકરણ ૧૧૮ ની કડી ૩૦મા આ જવારજ ગામના ભકતોને ચિંતવતા લખ્યું છે કે.. ભક્ત ભાટ આધાર છે રૂડો, ગજો ગોરો ખરો જન ખોડો..! ખત્રી ભક્ત ચેલો નથુભાઉ, કૃષ્ણ સઇ જવારજ માંઇ..!!
- શ્રીભકતચિતામણિ ના મુકતોના ચિંતનમાંથી…
🙇🏻♂️🙏