સુરેન્દ્રનગરથી આશરે ૯૦ કીમી ના અંતરે હળવદ નજીક ટીકર કરીને ગામ આવેલું છે. આ ટીકર ગામમાં ઓધવજીભાઈ સુતાર નામે શ્રીજીમહારાજને વિશે અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા.
Gujarati
ટીકરના ઓધવજીભાઈ સુતાર અને તીર્થયાત્રાનો સંકલ્પ
સુરેન્દ્રનગરથી આશરે ૯૦ કીમી ના અંતરે હળવદ નજીક ટીકર કરીને ગામ આવેલું છે. આ ટીકર ગામમાં ઓધવજીભાઈ સુતાર નામે શ્રીજીમહારાજને વિશે અનન્ય નિષ્ઠાવાન ભક્ત હતા. સંતોના જોગથી તેમને શ્રીસ્વામિનારાયણ ભગવાનનો અને સંતોનો મહિમા ખૂબ સમજાયો હતો. તેઓને મનમાં પોતાના આત્મકલ્યાણ સારુ તીર્થ કરવા જવાનો શુભ સંકલ્પ હતો. ઓધવજી ભગત કાયમ ગામમાં થતી કથામાં શાસ્ત્રોનું શ્રવણ કરતા, જ્યારે જ્યારે કથામાં એવી વાતો આવે કે ગંગાજી, યમુનાજી, કાશી, મથુરા જેવા તીર્થોમાં જઈએ તો આપણા સર્વે પાપ નાશ થાય અને પૂર્વજોનું પણ કલ્યાણ થાય. આવા શાસ્ત્રના વચનોથી તેમણે તીર્થો કરવા માટે પોતે થોડું થોડું બચત કરીને ધન ભેળું કરીને એક માટલીમાં રાખીને જમીનમાં દાટી રાખ્યું હતું, પરંતુ તીર્થોમાં જવાનો સંકલ્પ તો હજુ બાકી રહ્યો હતો, આથી તીર્થોમાં જાવાની તૈયારીઓ કરતા, પરંતુ કોઈને કોઈ કારણથી તીર્થયાત્રામાં જવાના સંજોગો થતા નહિ. ઘણી વખત જાત્રાએ જવા માટે ભાતા લઈને તૈયાર પણ થયેલા, પરંતુ અવાર નવાર સંજોગો પ્રતિકૂળ થવાથી યાત્રા કરવા નહોતા જઈ શક્યા, ને બરાબર તેજ દરમિયાન તેમને સંતોના યોગે સત્સંગ થયો.
એક વખત શ્રીજીમહારાજ તેમના ગામે ટીકર પધાર્યા, સૌએ ધામધૂમથી સામૈયા કરી ને પૂજા કરી, એ વખતે શ્રીજીમહારાજ તેમના ઘરે સંતો પાર્ષદો સાથે પધાર્યા, શ્રીજીમહારાજ ઓસરીમા ઢોલીયે બેસતા થકા અંતર્યામીપણે ઓધવજીભાઈનો સંકલ્પ જાણીને મોટી ઉંમરે તેમને તીર્થ કરવા જવાની ના પાડી. શ્રીજીમહારાજે ઓધવજીભાઈને અંતર્યામીપણે કહ્યું કે આજ તમારા ઘરે બધા તીર્થો આવ્યા છે, એમ કહીને પાણી ભરેલા એક વાસણમાં પોતે ચરણાર્વિન્દ રાખ્યા અને કહ્યું કે આમાં સૌ તીર્થો આવી ગયા છે, હવે તમારું દેહ વૃદ્ધ થયું છે, આથી હવે તીર્થે જવા માટે દાટેલું ધન સત્સંગમાં વાપરજો. અમે તમારા ઘરે પધાર્યા એટલે તમારે હવે ક્યાંય તિર્થમા જવાની જરુર નથી. ઓધવજીભાઈએ તે શ્રીજીમહારાજના ચરણોદ્દક જળ લઈને માથે ચડાવ્યું, પોતાના પરિવારના સહુએ ચરણામૃત દીધુ. શ્રીજીમહારાજે અંતર્યામીપણે એમના દાટેલા ધનની વાત અને જાત્રાએ જવાની વાત કરતા એમના પરિવાર અને ગામના સહુને શ્રીહરિનો નિશ્ચય થયો. શ્રીજીમહારાજના વચને એમને પોતાનો જાત્રા સંકલ્પ પૂરો થયો તેમ માનીને પોતે જેમ જાત્રા કરીને જ આવ્યા હોય એ રીતે પોતાના સૌ સગાઓ અને સત્સંગીઓને તેડાવીને જમાડ્યા. ગઢડા જઈને સંતોને જમાડ્યા અને પૂર્ણકામ થયા.
હતું કાશીએ જાવાનું મન, પણ વૃદ્ધ થયું હતું તન..! આવે વિચાર વારંવાર, ભાતા બાંધીને થયા તૈયાર..! ઉર ઘાટ શમે નહિ લેશ, આવ્યા એવામાં શ્રી પરમેશ..! થાળ જમી રહયા જગતાત, જાણી અંતરજામીએ વાત…! તેથી પ્રભુએ કહ્યું છે આમ, આજ આવ્યા તીરથ તમામ..! બોળ્યો પાણીમાં ચરણ પોતે, પછી એમ બોલ્યા સ્નેહ સોતે…! તીર્થ ત્રિવેણી પ્રયાગરાજ, સનમુખ આવ્યા સહુ આજ..! માટે માની લ્યો વચન મારું, થયું પૂરણ કામ તમારું..! મારું વેણ જો નહિ મનાય, જાશો તો પાછું નહિ અવાય..! આદર્યું અધવચમાં રહેશે, ધન દાટેલું લૂંટાવી દેશે..! દાન પુણ્ય કરી લેજો આજે, એવો મરમ કર્યો મહારાજે..!
- પુરુષોતમ ચરિત્ર પૂષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૨૦
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી શ્રીભકતચિંતામણી ગૃંથના પૃકરણ ૧૧૭ની કડી ૩૪માં આ ભક્તોનું ચિંતન કરતા કહે છ કે… સારો ભક્ત છે ઓધો સુતાર, હરિજન હરજી લુવાર..! મોટો ભક્ત કુંભાર મહાદેવ, રહે ટીકરેં ભજે વાસુદેવ..!!
- શ્રીભક્તચિતામણી ના મુકતોના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏