સૌરાષ્ટ્રમાં કાગવડ પાસે લીલાખા ગામ આવેલું છે. આ ગામમાં રાવળ જ્ઞાતિમાં પાંચોભગત કરીને પુર્વજનમના કોઇ એકાંતિક મુમુક્ષુ હતા.
Gujarati
લીલાખાના પાંચાભગત રાવળ અને શ્રીજી મહારાજ
સૌરાષ્ટ્રમાં કાગવડ પાસે લીલાખા ગામ આવેલું છે. આ ગામમાં રાવળ જ્ઞાતિમાં પાંચોભગત કરીને પુર્વજનમના કોઇ એકાંતિક મુમુક્ષુ હતા. પોતે વ્યવહારે પોતાની નાત્યના રિવાજ મુજબ વંશપરંપરાગત રીતે માતાજીના મઢ કે કોઇ દેવદેવીઓના મંદિરે પ્રસંગોપાત્ત ડાકલા વગાડી ને જીવનનિર્વાહ કરતા. પોતે પુર્વજનમના મુમુક્ષુ હોઇ સંતોનો યોગ થતા પુરાયે પરિવારે સત્સંગ સ્વીકાર્યો ને કુરિવાજો ત્યજીને પંચ વર્તમાન દ્રઢપણે પાળતા થયા. એમને સંતાનમાં એક દીકરી અને બે દીકરાઓ હતા. સત્સંગના રંગે રંગાતા એમનો પુરો પરિવાર શ્રીહરિનુ ભજન કરતા હતા.
સમયજતા એકવખત એમની દીકરીને નાની વયમાંજ શરીરે બળીયા(ઓરી) નીકળતા આંખે અંધાપો આવ્યો ને બંને આંખે સાવ દેખાતું બંધ થઇ જતા આંધળા થઇ ગયા. પાંચાભાઇ રાવળને પોતાની નાની એવી બાળ દીકરી સાવ આંધળી થઇ જતા મનોમન બવ ચિંતા રહેતી કે આ સાવ અંધ દિકરીની આખી ઝીંદગી કોણ સારસંભાળ રાખશે, અંધ પુત્રીનો કોણ હાથ ઝાલશે?
એકદિવસ રાત્રે પોતે પોતાના ફળીયામા ખાટલે સુતા હતા એ સમયે પોતાની અંધ દિકરીની ચિંતા કરતા કરતા પોતે બહુ દિલગીર થઇ ગયા. પોતે આર્તનાદથી શ્રીહરિને પૃાર્થના કરવા લાગ્યા. બંને આંખોમાં આંસુઓની ધારા વહેવા લાગીને ભાવૂક થઇ ગયા.
પોતાના દાસને દુખીયો દેખી ને તુરંત જ ભક્તવત્સલ શ્રીહરિએ એમને દર્શન દીધા ને બોલ્યા કે ‘પાંચાભગત..! શા સારુ દિલગીર થાઓ છો? તમારી દીકરી તો હમણાં દેખતી થઇ જાહે ને એમના સાસરીયા પણ જઇને બહુ સુખી થાશે. તમે અમારા છોવ તો તમારી ચિંતા અમે કરીએ છીએ.’ પાંચોભગત તો શ્રીહરિના દર્શન થતા જ પથારીમાંથી સફાળા બેઠા થઇ ગયા શ્રીહરિને ખાટલે બેસારયા અને ધબોધબ દંડવત કરવા મંડયા. શ્રીહરિએ એમની દીકરીને સાદ કરીને બોલાવી એટલે એ દીકરી શ્રીહરિ પાસે આવીને પગે લાગી. એ સમે શ્રીહરિ એમના માથા ઉપર હાથ મુકી ને બોલ્યા કે ‘બેટા દીકરી…! તારી આંખો ઉંઘાડ’ એટલું કહેતા જ એ બેઉ આંખે દેખતી થઇ ગઇ.
એની નાની એવી દીકરી તો આમતેમ ચારેતરફ જોવા મંડી ને તુરંત જ એના બાપુને બોલી કે બાપુ..! હવે મને બધુ જ દેખાય છે, જુઓને આ આપડા શ્રીજીમહારાજ આવ્યા છે તો એ ખાટલે બેઠા છે એવા હુ એમના દર્શન કંરુ છુ. આ તમે બેઠા છોવ એ પણ ભાળું છવ.
શ્રીહરિની કૃપાએ એમની દીકરીનો અંધાપો દૂર થતા પાંચોભગત આનંદમાં નાચી ઉઠ્યા. શ્રીહરિને બે હાથ જોડીને ગળગળા થતા થકા પૃારથના કરી કે હે પૃભુ..! તમે બહુ કૃપા કરી, તમે મારા જીવતરની ઉપાધી દૂર કરી દીધી. બસ હવે તમારો આ આશરો અમને કાયમ રેય એવી કૃપા કરજયો. આમ, ઘણી ઘણી સ્તુતિ કરી. શ્રીહરિ એમને દિવ્ય દર્શન આપીને થોડીવારમાં અદ્રશ્ય થયા.
પાંચાભગતે એમની એ દીકરી ને મોટી થતા ઉપલેટા પાહેના ગામ ખાખી-જાળીયા પરણાવેલા. એ બાઇ શ્રીહરિના અનુગૃહે પોતાના સાસરીયામા રહીને પણ ખુબ સત્સંગ રાખેલો ને ગામમાં બધીય બાઇઓને જીવનભર સત્સંગ કરાવતા હતા. પોતે રાવળ જ્ઞાતિએ હોવા છતા નિડરપણે પોતાના સમાજના કૂરિવાજો નો ત્યાગ કર્યો હતો. નિત્ય ઉઠીને પુજા કરતા અને કાયમ અન્ન-જળ વગેરે ગાળી-ચાળીને વાપરતા. પોતે ગામની બાઇઓ સાથે ભજન-કિરતન કરતા કરતા અવારનવાર સંઘમા જુનાગઢ શ્રી રાધારમણ દેવના દર્શને જતા. શ્રીહરિના આશીર્વાદે પોતે ૮૮ વરહ નુ દિર્ઘાયુ એ જીવ્યા તયા લગણ સોઇ પરોવી શકે એવી દ્રષ્ટિ ધરાવતા હતા. આજીવન અખંડ ભજન સ્મરણ કરતા થકા સૌને જય સ્વામિનારાયણ કહીને શ્રીહરિ સાથે અક્ષરધામ સીધાવયા હતા.
- સત્સંગ સ્ત્રી રત્નમાળામાંથી…
🙇🏻♂️🙏