સંવત ૧૮૮૦ માં શ્રીહરિ ગઢપુરમાં બીરાજતા હતા, ચૈત્ર-વૈશાખના ઉનાળાના દિવસોમાં શ્રીહરિ નિત્યનવા ઉત્સવો કરીને સંતો-ભકતોને દિવ્ય સુખ આપતા હતા.

Gujarati

દાદાખાચરનો કેરીઓનો મનોરથ અને શ્રીજી મહારાજ

સંવત ૧૮૮૦ માં શ્રીહરિ ગઢપુરમાં બીરાજતા હતા, ચૈત્ર-વૈશાખના ઉનાળાના દિવસોમાં શ્રીહરિ નિત્યનવા ઉત્સવો કરીને સંતો-ભકતોને દિવ્ય સુખ આપતા હતા. ભકતવત્સલ એવા શ્રીહરિએ એકદિવસે મુકતરાજ દાદાખાચરને બોલાવીને કહ્યુ કે “દાદાખાચર, હમણાં તો સંતો-ભકતોને નિત્યનવી રસોઇઓ મળે છે, પરંતું હાલ ઋતું કેરીઓની છે, તો જો કેરીઓ મળે તો સહું સંતોને રસ-રોટલી જમાડીએ.” આ સાલમાં રાધાવાડીએ આંબા બહું હજું મોર્યાં નહોતા, ને દરબારગઢમાં હજું શ્રીહરિના થાળ સારું પણ સાંખની કેરીઓ પણ આવતી નહોતી. શ્રીહરિનો સંતોને કેરીઓ જમાડવા નો ભાવ જોઇને આજ્ઞાપાલક એવા દાદાખાચરે શ્રીહરિને હાથ જોડીને કહ્યું જે “ભલે મહારાજ, હું સંતો ને જમાડવા સારું કેરીઓની વ્યવસ્થા કરું છું.” પુરાયે કાઠિયાવાડ પંથક માં હજુ કેરીઓ પાકી ન હતી એ શ્રીહરિ ખુદ જાણતા જ હતા, અને વડતાલ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી ને કાગળ લખીને કેરીઓ મોકલવા આજ્ઞા કરી જ હતી. હાલ તો તેઓ પણ દાદાખાચર નો ભાવ જાણવા સારું મનુષ્ય ચરિત્ર કરતા હતા. બ્રહ્માનંદ સ્વામીએ તો શ્રીહરિ નો કાગળ મળતા જ પોતે પીપલગ જઇને હરિભકતો પાસે જરુરી કેરીની વ્યવસ્થા કરીને વીસ જેટલા ગાડાઓ ભરાવી દીધા અને ગઢપુર તરફ રવાના કર્યા.

આ બાજું દાદાખાચર તો શ્રીહરિની આજ્ઞા થતા જ તુરંતજ કારભારી હરજી ઠકકર પાસે ગયા અને વાત કરી જે ‘ ભલે જે કાંય દામ બેસે, પરંતું સંતોને જમાડવા સારું પોતે જ જઇને કેરીઓની ખરીદી કરી આવો. સોરઠ કે ગીર જાઓ પરંતું ગમે ત્યાંથી કેરી લાવીને આપણી વખાર માં એક-બે દિવસ માં કેરીઓ આવે એમ વ્યવસ્થા કરો.” આમ દાદાખાચર ની વાત સુંણતા જ હરજી ઠકકર પોતે જ જવા તૈયાર થયા. હરજી ઠકકર ગઢપુર બહાર જતા પહેલા શ્રીહરિના દર્શને આવ્યા એટલે પ્રભું એ પુછ્યું કે કેમ કારભારી, તૈયાર થઇને ક્યા ચાલ્યા? કાંઇ પરગામ જાવાનું છે કે? ત્યારે હરજી ઠકકર કહે કે “મહારાજ, દાદાખાચર નું કહેવું છે કે ગમે ત્યાંથી કેરીઓ લઇ આવો, ને આપણી વાડીએ હજું આંબાં મોર્યા નથી તો આજું બાજું ના ગામડાઓમાં તપાસ કરીશું નહીતર સોરઠ કે ગીરમાં જાઇશું ને કેરીઓ લાવીશું.” ત્યારે શ્રીહરિ હસ્યા ને કહે કે “કારભારી, કશેય જવાની જરુર નથી, કેરીઓના ગાડાઓ તો હાલ્યા આવે છે. દાદાખાચર પુછે તો કહેજો, અમે ના પાડી એટલે તમે ગયા નથી.” હરજી ઠકકર તો મનમાં મુંજાયા ને થયું કે દાદાખાચર કેરીઓ લાવવાનું કહે છે ને મહારાજ કહે છે કે કેરીઓ આવે છે. આમા શું કરવું? દાદાખાચર ખિજાશે પણ હવે શ્રીજીમહારાજ કહે છે તો એ સાચું, આમ વિચારતા હતા ત્યાં જ દાદાખાચર આવ્યા ને પુછયું કારભારી તમે ગયા નથી? એટલે શ્રીહરિ બોલ્યા કે “દાદા ખાચર, કેરી ઓ લેવા જવાની કાંય જરુર નથી, કેરીઓ ના ગાડા તો ચાલ્યા આવે છે.”

બીજેદિવસે સવાર થયું ત્યાંતો વડતાલ થી બ્રહ્માનંદ સ્વામીએ મોકલાવેલા તમામ કેરીઓના ગાડા પહોંચી ગયા, એક એક ગાડામાં ત્રીસ ત્રીસ મણ કેરી ઓ આવી હતી. શ્રીહરિએ બધીય એક ઓરડામાં ઉતરાવી. પોતે આઠ-દસ કેરીઓ હાથમાં લઇને બ્રહ્મચારીની ને આપીને ધોઇને સુધારી ને શ્રીવાસુદેવનારાયણ દેવને ધરાવી ને પોતે જમ્યા અને સહું ને પ્રસાદી આપી. ધર્મકુળની બાઇઓને દશ દશ શેર કેરી અપાવી, સર્વ સંતો ભકતોને શ્રીહરિએ પોતાના હાથે જ એક એક કેરી પ્રસાદી તરીકે આપી. બીજાદિવસે રસ-રોટલીની રસોઇ કરાવીને સર્વ સંતો-પાર્ષદોને પંકિતએ બેસાડીને રસ-રોટલી, સાકર, ઘી વગેરે પીરસી પીરસીને શ્રીહરિએ સહુ ને જમાડયા. હરજી ઠકકર તો શ્રીહરિની આ લીલા જોઇને ઉંડા વિચાર માં પડી ગયા, મનમાં થયું કે દાદાખાચર પ્રત્યે શ્રીહરિ ની અતિ વત્સલતાના દર્શન થતા હતા. જે દિવસ થી એભલબાપુંએ દાદાખાચરનું કાંડું શ્રીહરિને સોંપ્યું છે એ દિવસથી શ્રીહરિ પળે પળે એમની અખંડ સંભાળ રાખે છે.

  • વિશ્વાસું ભકતદાદાખાચર ના જીવન પ્રસંગોમાંથી…

🙇🏻‍♂️🙏