એકસમયે શ્રીહરિ સદગુરુ મુકતાનંદ સ્વામી સાથે ગૂંદાળાથી નીસરી ને જેતપુર પધાર્યા. ગામમાં ખબર પડતા જ શ્રીહરિને વિશે અતિ હેતવાળા એવા વામન ભટ્ટ, અજરામર, જીવણભાઇ, જેરામભાઇ વગેરે સહું સન્મુખ આવ્યા.

Gujarati

જેતપુરના ઉનડ ખાચર અને શ્રીજી મહારાજ

એકસમયે શ્રીહરિ સદગુરુ મુકતાનંદ સ્વામી સાથે ગૂંદાળાથી નીસરી ને જેતપુર પધાર્યા. ગામમાં ખબર પડતા જ શ્રીહરિને વિશે અતિ હેતવાળા એવા વામન ભટ્ટ, અજરામર, જીવણભાઇ, જેરામભાઇ વગેરે સહું સન્મુખ આવ્યા અને દંડવત પ્રણામ કરીને અતિ રાજી થયા. શ્રીહરિ ગુરુદેવ રામાનંદ સ્વામી જ્યારે જ્યારે જેતપુર પધારતા ત્યારે ભાદર નદીમાં નહાવા પધારતા હતા, જે જગ્યા એ આવ્યા અને સહું સ્વામી ને યાદ કરીને નાહ્યા. શ્રીહરિ સોનેરી વસ્ત્રો પહેરીને ભાદર ના કાંઠે એક મોટી પત્થરની શીલા હતી એના ઉપર વિરાજમાન થયા. જેતપુરના શ્રીહરિ ને વિશે અતિ પ્રેમી એવા હરિભકતો ફુલના હાર, તોરા ને બાજુબંધ વગેરે લાવ્યા હતા એ શ્રીહરિને ધરાવ્યા. શ્રીહરિને મેવાનો થાળ ધરાવ્યો, જે શ્રીહરિ જમ્યા અને સહુને પોશ ભરીને પ્રસાદ આપ્યો. એ સમયે જેતપુરના રાજા અને કાઠી જ્ઞાતિમાં શિરોમણિ હરિભકત એવા દરબાર ઉનડ ખાચર શ્રીહરિના દર્શને આવ્યા જેઓ મુળુંવાળા ના માસીયાઇ ભાઇ થતા હતા, તેમને સમાચાર મોકલ્યા એટલે તેઓ પણ પોતાના પરિવાર સાથે શ્રીહરિ ના દર્શને તુંરત જ પધાર્યા. શ્રીહરિના ચરણે શ્રીફળનો થાળ મુકીને પોતે અતિ નિર્માનીપણે પ્રાર્થના કરવા લાગ્યા કે “He પ્રભો, અમે તો અધમ અને અતિ પાપી છીએ, આપતો અધમ ઉદ્ધારણ છોવ, આપની પરમકૃપાએ અમને સહેજે દર્શન થયા.” ઉનડ ખાચરે શ્રીહરિને અતિ ભાવથી પુરમાં પધારવા સારું વિનંતી કરી, શ્રીહરિ એમનો નિર્મળ ભાવ જોઇને દરબારગઢ માં જવા સારું રાજી થયા. શ્રીહરિ ને અશ્વ ઉપર બીરાજમાન કર્યા અને સહું સાથે ઘોડે ચડ્યા. આગળ રાજનો ચોંપદાર નેકી પોકારતો હતો અને અનંત પ્રકારના વાજીંત્રોથી સહુ વાજતે ગાજતે ચાલ્યા. સહુ કોઇ ઝાંઝ-પખાજ વગેરે વગાડતા થકા ધૂન્ય અને ધોળ રાગનાં કિર્તન ગાવતા હતા. જ્યારે સહું કોઇ જેતપુર ગામના ગોંદરે પહોંચ્યા ત્યારે એક આરબોની બેરખ (સૈનિકોની ટૂંકડી) ત્યાં આવીને દૂરથી શ્રીહરિને પ્રણામ કરીને ઉભા રહ્યા. તેઓ કમરે બાંધેલા જમૈયાને મ્યાન માંથી બહાર કાઢીને ઉંચા હાથ રાખીને પોતાની અરબી ભાષામાં કૂરાનના કલમાંઓ બોલતા થકા નાચવા લાગ્યા. શ્રીહરિની આવી અદભૂત શોભા જોઇને નગરના સહુ નરનારી મેડી-ઝરૂખે દર્શન કરવા ઉભા હતા. દરબાર વાઘજીભાઇ શ્રીહરિ ને છત્રધારી રહ્યા હતા અને મુકુંદાનંદ બ્રહ્મચારી શ્રીહરિને ચામર ઢોળતા હતા. દરબારશ્રી ઉનડ ખાચરે શ્રીહરિને પોતાના દરબારમાં પધરાવી પુજન કરીને આરતિ ઉતારી. બ્રાહ્મણોને બોલાવીને પવિત્રપણે રીંગણાના શાકને ઘીમાં વઘાર કરાવીને ભજીયા-વડા, મિષ્ટાન્ન વગેરે રસોઇ કરાવીને થાળ જમાડયા, સહું સંતો-ભકતોને પણ શ્રીહરિએ પોતે પીરસીને અતિ હેતે જમાડ્યા. જમીને શ્રીહરિએ અતિ રાજી થઇને દરબારશ્રી ઉનડ ખાચરને રેશમી જરીયાની ફેંટો મસ્તકે બંધાવ્યો ત્યારે દરબારશ્રીએ પ્રાર્થના કરતા થકા કહ્યુ કે “હે પ્રભું, આ જેતપુર ગામતો આપનું ગાદીસ્થાન અને ગુરુદેવ રામાનંદ સ્વામીનું છે, એટલે તમારે દરવર્ષે એકવખત તો ચોકકસ પધારવું, આ દરબારગઢ અને અમને આપના સમજીને કાયમ કૃપા કરજયો.” શ્રીહરિ સુણીને સૌને ઉપદેશ દેતા થકા બોલ્યા જે “ સત્સંગરુપી અમારું રાજ્ય છે, અમે તેમા રાજ કરીએ છીએ અને દેશોદેશ ફરીને મુમુક્ષુંજનોને ઉપદેશ કરીએ છીએ. ભક્તની જાતી ઉત્તમ છે, વર્ણાશ્રમનો ધર્મ પળાવીને સૌને મોક્ષને માર્ગે ચલાવીએ છીએ, જમદૂતોના ધાડા રોજ ફરે છે, પરંતું ધર્મરુપી પુરમાં જે જનો રહે છે એને કોઇનો ભય રહેતો નથી. અંતરદ્રષ્ટી એ જોતા તો જીવને ભય તો પોતાના દેહથી જ છે. આપણો દેહ જ મોક્ષનું અને નરકનું કારણ છે. દેહમાં રહીને જો ભગવાન ભજાય નહી તો આ દેહને શત્રુ જાણવો.” આમ શ્રીહરિએ ઘણી ઘણી વાત પોતાના જનને કરી. દરબારશ્રી ઉનડ ખાચરે બે હાથ જોડીને કહ્યુ કે હે પ્રભું આપ સત્ય વાત કરો છો. આપ સમાન બીજું કોઇ સત્ય ને જાણનાર નથી, એ વાત્ય અમારા મનમાં દ્રઢ થઇ છે.”

  • શ્રીહરિચરિત્રામૃતસાગર પુર ૩ તરંગ ૪૧માંથી….

🙇🏻‍♂️🙏