કચ્છના માનકુંવા ગામે ગામના આગેવાન એવા કણબી શામજી પટેલ હતા. ઉંમર થતા તેઓ માંદા થયા તે અંતકાળ નજીક આવ્યો.

Gujarati

માનકુંવાના શામજી પટેલ અને અંતકાળનો નિશ્ચય

કચ્છના માનકુંવા ગામે ગામના આગેવાન એવા કણબી શામજી પટેલ હતા. ઉંમર થતા તેઓ માંદા થયા તે અંતકાળ નજીક આવ્યો. પોતે ખાટલે સુતા હતા ને એમના દિકરા દેવશીભાઇ બાજુમા બેઠા હતા. શામજી પટેલ બોલ્યા કે દિકરા દેવશી, મને એક વાત નો વિચાર આવે છે કે મારુ મૃત્યુ તો નજીક આવ્યું પણ મે મારા જીવનું ભાતું કાય નો કર્યું. મે ગામની પટલાઇ કરી, ગામનું કામ કર્યું, લોકોના કામ કર્યા, દરબારનું કામ કર્યું એમ બીજુ તો ઘણું કર્યું એમા થોડુ જાજું અવળું સવળું તો થયું હશે ને..! મે ભગવાન ને ભજ્યા નહીને મારા જીવના મોક્ષાર્થે સારુ તો કાય કર્યું નહી. આ સાંભળીને દેવશી પટેલ બોલ્યા કે પીતાજી, હુ સત્સંગી છવ, ને ભગવાન સ્વામિનારાયણ નો આશ્રિત છવ, શ્રીહરિની આજ્ઞા છે એમ આવકમાંથી દસમો-વિસમો ભાગ કાઢવો, દેવને થાળ કરવા, ઠાકોરજીને થાળ કરાવવા ને સાધુ જમાડવા, સંતોને ધોતિયા ઓઢાડવા વગેરે મે બધુ જ કર્યું છે. શાસ્ત્ર પુરાણોમા કહ્યું છે ને કે ભગવાનને ભગવાનના ભક્તને અર્થે જે કાય કરીએ સહસ્ત્રગણું થાય છે. તો મે જે કાય કર્યું છે એ તમારા જીવનું ભાતું જ છે ને..!

શામજી પટેલ કહે કે એ તુ કેય છે એ વાત તો સાચી પણ મે વર્તમાન તો ધારણ કર્યા નથી તો મારા જીવનું ભાતું એ કેમ થાશે? ત્યારે દેવશી પટેલ બોલ્યા કે પીતાજી, શ્રીજીમહારજનો વર છે કે અંતકાળે પણ જો કોઇ અમને સંભારે અથવા વર્તમાન ધારણ કરે તો અમે એને તેડવા આવશુ ને અમારા અક્ષરધામના અધિકારી કરીશું. માટે લયો હુ તમને વર્તમાન ધરાવું.

આમ કહીને દેવશી પટેલે પીતાજી શામજીભાઇ ને હાથમા જળ દઇને શ્રીહરિનુ સ્મરણ કરીને વર્તમાન ધરાવ્યા ને ગળામાં કંઠી પહેરાવી ને બોલ્યા કે હવે તમે બીજે ઠેકાણે ક્યાંય વૃત્તિ રાખશો નહી ને શ્રીહરિને સંભારીને ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..!’ એમ ભજન કરજયો. અમે પણ બધા ભજન કરીશુ.

શામજીભાઇએ પથારીએ સુતા સુતા જ હજુ બે ઘડી ‘સ્વામિનારાયણ… સ્વામિનારાયણ..!’ એમ ભજન કર્યું તયા તો ઘરમાં તેજ છવાઇ ગયું ને શામજી પટેલ તો તુરંત જ બોલ્યા કે આપણા ફળીયા રથ ઉભો છે એવો રથમાં હજુ સુધી કોઇ દી ભાળ્યો નથી, તે રથના બળદો, ઝૂલો તથા ઘૂઘરમાળ, સાજ વગેરે સર્વે દિવ્ય છે. આ રથને ચલાવનાર શ્રીહરિ મસ્તકે ત્રણ છોગલા વાળી પાઘ, ઝરીયાની જામો, સોનેરી સુરવાળ, દશે આંગળીયે વેઢ-વીંટીઓ, ગૌર કપોળમાં કેસર ચંદનનું તિલક માહી કુમકુમનો ચાંદલો ને હાથમા સોનાની છડી ધારણ કરીને રથ લઇને મને તેડવા પધાર્યા છે. હવે તમે સહુ ચોકો કરોને મને ભોંયપથારીએ લયો, મારે શ્રીહરિ સાથે અક્ષરધામમા જવુ છે. સૌ સ્વામિનારાયણ.. સ્વામિનારાયણ એમ ભજન કરો.

એમના દિકરા દેવશી એ કહ્યું કે પિતાજી શ્રીજીમહારાજ તમને તેડવા આવ્યા છે તો હવે તમે સુખેથી ધામમાં જાઓ, તમારી વૃત્તિ હવે આમા કશેય રાખશો નહી. શ્રીજીમહારજ ભેળા તૈયાર થાઓ.

શામજી પટેલ સૌને જય શ્રી સ્વામિનારાયણ કહીને દેહ મુકી ગયા.

  • કચ્છલીલા અધ્યાય-૯૨ માથી….. 🙇🏻‍♂️🙏