ગામ કંથારિયામાં જીવાભાઈ કરીને કણબી હરિભકત હતા. તે સંતોના યોગે સારા સત્સંગી થયા હતા. પરંતુ તેની ઘરવાળી બહુ કુસંગી હતી.
Gujarati
કંથારિયાના જીવાભાઇ અને તેમની સત્સંગી ઘરવાળી
ગામ કંથારિયામાં જીવાભાઈ કરીને કણબી હરિભકત હતા. તે સંતોના યોગે સારા સત્સંગી થયા હતા. પરંતુ તેની ઘરવાળી બહુ કુસંગી હતી. જીવાભાઇ તો અખંડ ભજન પરાયણ રહેતા, જે એમની ઘરવાળીને રુચતું નહી ને દરરોજ ઘરમાં કજીયો-કંકાસ કર્યા કરતી. એમની બાઇ જીવાભાઇ ને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કર્યા કરતી. એકસમયે પછેગામના હરિભકત છગનભાઈ તથા વિપ્ર કેવળરામ ભટ્ટ તથા સુતાર કાળોભાઇ ચાલતા વડતાલ દર્શને જવા તૈયાર થયા અને ચાલતે વાટમાં ગામ કંથારિયે આવ્યા ને વિશ્રામ કરવા ગામના ચોરે રાત્યવાસો કર્યો. એ ત્રણેય જીવાભગતને મળ્યા ને ખબર પુછતા કહ્યું જે, “જીવાભાઇ, અમે વડતાલ જઇએ છીએ તો અમસાથે દર્શને ચાલો, ભાતું કરો ને સહુ સાથે વડતાલ જઈએ.”
જીવાભગતે ઘરે આવીને એમની ઘરવાળીને કહ્યું જે, “ભાતું કરી દે, મારે વરતાલ જાવું છે.” ત્યારે ઘરવાળીએ કહ્યું કે, “ભગતડા, તારે જવું હોય તો જા, હું કાંય તારા જેમ નવરી નથી, હું ભાતું નહિ કરી દઉં.”
જીવાભગતે મનમાં જાણ્યું જે ઘરવાળી માથાકૂટ કરવી એ કરતા હારે ના સૌ હરિભકતોને કહ્યું જે, “તમે ઘડીક બેસો તો હું ભાતું કરી લઉં.” પછી ભગતે તુરંતજ ચૂલો જગાવીને તાવડામાં ગોળ તથા ઘી નાંખીને પાક લઇ માંહે લોટ નાંખીને સુખડી કરીને ડબો ભરી લીધો. ચાલતી વખતે ઘરના પટારામાંથી વાટે જરુરી ખર્ચી સારું રૂપિયા ને પોતાની પુજા લીધી અને સૌ સાથે વડતાલ જાવા ચાલ્યા. ત્યારે એની બાઈ ગળાના કાકડા ને મોળીને બોલી જે, “જાજે પીટ્યા હલુરનો જાતડો જાજે, ને હવે વળતડો વળીશ નહીં !”
જીવાભગત તો કશુંય બોલ્યા નહી ગામને પાદર ગયા. સંઘના સૌ હરિભગતને કહ્યું જે, “તમે અહીં ઘડીક બેસો તો હું ધેર જઈ એક સંદેશો કહી આવું.” આમ સૌને ઉભા રાખીને જીવાભગત પોતાને ઘેર આવ્યા, ત્યારે તેની ઘરવાળી બાઈ વાડામાં છાણાં થાપતી હતી. તે ભગતને ભાળીને તુરંત જ સામી આવી અને તે જીવાભગતને ફળિયામાં જોઈને બોલી જે, “આ ભગતડાવ, વળી કેમ પાછા આવ્યા ?” ત્યારે જીવોભગત કહે, “તને કહેવા આવ્યો છું જે, તારાં બોલ જોતાં તો આ ગામનો ઝાંપો અને તારું મોઢું એ બે જોયા જેવું નથી પણ હું છું નકટો. તેથી પંદર દિવસે પાછો આવીશ હો, તું ફિકર રાખીશ નહીં. ” આમ કહીને સહું સાથે વરતાલ દર્શને ગયા.
પછી સમય જતા જીવાભાઇની તે બાઈ સત્સંગી થઈ અને દર પૂનમે પૂનમે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજના દર્શને જતી હતી.
- સદગુરુ બ્રહ્મચારી શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી….! 🙇🏻♂️🙏