ગામ શેલણા-ભમોદરાના ગામધણી દરબાર શ્રીઓઘડ ખુમાણ તથા વાજસુર ખુમાણ અને રામ ખુમાણ નામે ત્રણેય ભાઇઓ સત્સંગી થયા હતા.

Gujarati

શેલણા-ભમોદરાના ઓઘડ ખુમાણ અને શ્રીજી મહારાજ

ગામ શેલણા-ભમોદરાના ગામધણી દરબાર શ્રીઓઘડ ખુમાણ તથા વાજસુર ખુમાણ અને રામ ખુમાણ નામે ત્રણેય ભાઇઓ સત્સંગી થયા હતા. તેમણે એમ સતંસગ માં સાંભળ્યું હતું કે, ‘ગઢડામાં એભલ ખાચરની દીકરીઓ જગદંબા દેવીનો અવતાર છે. માટે આપણે તેમને દર્શને જવું. ઓઘડ ખુમાણ, વાજસુર ખુમાણ તથા રામ ખુમાણ એ ત્રણેય જણા એમ મનમાં વિચારીને ગઢપુર આવ્યા અને દાદા ખાચરના દરબારમાં ઊતર્યા. ત્યારે દાદાખાચરે તેની બહુ આગતા સ્વાગતા કરી અને સારી રીતે પરોણાગત કરીને જમાડ્યા. ત્રણેય મુમુક્ષુઓએ જણાએ દાદા ખાચરને કહ્યું જે, “અમારે મોટીબાનાં તથા લાડુબાનાં દર્શન કરવાં છે.” દાદા ખાચર કહે, “બહુ સારું, પણ તેઓ કોઈની સાથે બોલતાં નથી.” પછી સહું શ્રીવાસુદેવનારાયણને ઓરડે આવ્યા અને દાદાખાચરે ત્યાં ઢોલીયા ઢળાવીને ત્રણ ચાકળા નંખાવ્યા અને તે ઉપર ત્રણેય જણા બેઠા અને દાદા ખાચર ઓરડાના ઉંબરામાં બેઠા. પછી ઓઘડ ખુમાણ બોલ્યા જે, “દાદા ! બાને કહો જે, ઓઘડ ખુમાણ, વાજસુર ખુમાણ અને રામ ખુમાણ તમને ‘નારાયણ’ કહે છે.” પછી મોટીબા ઓરડામાંથી બોલ્યાં જે, “દાદા ! ભાઈને કહો કે, જે સ્વામિનારાયણ.” તે સાંભળતા જ ત્રણેના મનનાં સંકલ્પો બંધ થઈ ગયા. ત્યારે તેમના મનમાં એમ થયું જે, “આ તો સાક્ષાત્‌ લક્ષ્મીજી તથા રાધિકાજી જેવાં છે.’ પછી ત્રણે જણા ફળીમાં લીંબડા નીચે આવીને દંડવત કરીને બહેનોને પગે લાગ્યા અને બીજે દિવસે પોતાને ઘેર ગયા.

પછી થોડેસમયે શ્રીહરિ એ સદગુરુ મુકતાનંદ સ્વામીને ઓઘડ ખુમાણની પુર્વની મુમુક્ષુંતા જોઇને સત્સંગ કરાવવા આજ્ઞા કરી. આથી એમને ભાવનગર માં દેવજીભકતની ધર્મશાળામાં ગોહિલવાડના ગુરૂં એવા સદગુરુ યોગાનંદસ્વામીનો યોગ થયો. સ્વામીની ધિરગંભીર વાતો સાંભળીને મનમાં થયું કે ‘આવા પવિત્ર સંતો તો ક્યારેય જોયા જ નથી.’ એમના સમાગમથી એમને અંતરમાં ટાઢું થયું ને સ્વામીને કહ્યુ જે અમને તમે કંઠી બાંધો ને શ્રીહરિના આશ્રિત કરો..! ત્યારે યોગાનંદ સ્વામીએ કહ્યુ જે તમે સત્સંગના નિયમો નહી પાળી શકો. એ વખતે શુરવિર અને અડગ એવા ઓઘડ ખૂમાણે ઉભા થઇને પોતાની બંધૂક ને પત્થર હારે ભટકાવીને ત્રણ કટકા કરી નાંખ્યા અને સ્વામીને ગુરુ કરીને વર્તમાન ધારણ કર્યા, એમને ત્રણેય ભાઇઓને દ્રઢ સત્સંગ થયો. ત્રણેય ભાઇઓ અવાર નવાર સદગુરૂ યોગાનંદ સ્વામીને પોતાને ઘેર તેડાવતા અને કિર્તનના પદો અને ઉપદેશ કથાવાર્તા ગ્રહણ કરતા. હાલ પણ સ્વામીના દોકડ-તંબૂરો અને રાજી થઇને આપેલા શ્રીહરિના પ્રસાદીના ચરણારવિંદ એમના ઘરે છે.

એકસમયે ત્રણેય ભાઇઓ ભાવનગર રાજના કામ પ્રસંગે ગયા હતા. ત્યારે ત્યાંના રાજા વજેસિંહજી સાથે તેમને ઘણો સ્નેહ હતો. તે સમયે રાજદરબાર માં કાંઇક પ્રસંગોપાત્ત ઉજવણી હોય વજેસિંહજીના દરબારમાં તે વખતે દારૂના શીશા લાવીને પાવા મંડ્યા. ત્યારે તે ત્રણે જણે તરવારો ઉઘાડી કરીને વજેસીંહજીના આગ્રહ આગળ મૂકી. ત્યારે દરબારશ્રી કહે કે “આમ કેમ ?” ત્યારે ત્રણે જણા બોલ્યા જે, “મહારાજ, લયો આ તલવાર ને તમે અમારા ગળા કાપીને ત્યાંથી દારું રેડી દેજ્યો, બાકી હવે જે મુખે ‘શ્રી સ્વામિનારાયણ’ ભગવાનનું નામ લેવાયું એ મુખમાં દારું નહી ઉતરે, આ ત્રણેનાં માથાં હેઠાં પડે ત્યારે દારૂ મોંઢામાં જાય. કેમ કે, અમે હવે સત્સંગી થયા છીએ.” તે સાંભળી દરબારે આગ્રહ પડ્યો મેલ્યો. કેમ જે, વજેસિંહ દરબારને પણ સત્સંગનો ગુણ હતો.

  • શ્રીહરિલીલામૃત કળશ ૮ વિશ્રામ ૩૯ અને સદગુરુ બ્રહ્મચારી શ્રીઅક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી…

🙇🏻‍♂️🙏