સદગુરુ બૃહ્માનંદ સ્વામી મૂળીનુ મંદિર કરાવતા હતા. એ સમે શ્રીહરિના અનુગૃહ થી રામપરડાની ખાણ્ય મા પત્થરો મળ્યા અને જે મંદિર સારુ લાવતા હતા.

Gujarati

મૂળીમાં કાનજી મહારાજ અને મીઠી વીરડી

સદગુરુ બૃહ્માનંદ સ્વામી મૂળીનુ મંદિર કરાવતા હતા. એ સમે શ્રીહરિના અનુગૃહ થી રામપરડાની ખાણ્ય મા પત્થરો મળ્યા અને જે મંદિર સારુ લાવતા હતા. આ વખતે પાછી એક બીજી મુંઝવણ આવી પડી કે પથ્થરની ખાણ મુળી ગામથી લગભગ ત્રણેક ગાઉ વાયવ્ય દિશામાં દૂર હતી. તેથી મુલીને તથા સહુ સંતોને પણ ત્યાં જ રાત્રી દિવસ પડાવ નાખી રહેવું પડતું. તેઓ તમામના માટે નાવા ધોવા માટે પાણી ઘણે દુરથી લાવવું પડતું. બાજુના જોગાસર તળાવમાં પાણી જુજ હતું અને તે પણ ઝીણી જીવાતવાળુ બગડેલું હતું. તેથી ઘણે જ દુરથી પાણીની માંણ ભરાવી લાવવી પડતી. દુરથી આવતું પાણી ઘીની માફક સંકોચથી વાપરવું પડતું એથી પાણીની મુશ્કેલી વધવાથી સ્વામીને તેની બીજી ચિંતા દરરોજ થવા લાગી. એક દિવસ બપોર પછી સ્વામીશ્રી ખાણના ખોદકામના પથ્થરના ઢગલા ઉપર ખાખરાને વળતે છાંયડે ધાબળી પાથરી, હાથમાં પુસ્તકનું પાનુ વાંચતા વિચારતા ખોદકામ જોતા હતા, તેવામાં ખાણની અંદરના એક માણસે બહુ તરસ લાગી છે. હવે તો પાણી પીવરાવો, એ સાંભળતાં સ્વામી બહુ અકળાઈ ગયા, અને પાણી ભરી લાવનાર માણસો સામા પોતે જાતે એક લોટો લઈ દોડતા ગયા. અને સ્વામીએ ઉભા રાખી પાણી લાવનારની માણમાથી પાણીનો લોટામાં ભરી ખાણમાં ઉતરી તે બેભાન થયેલા માણસના મોઢા ઉપર છાંટીને પાયું. તેમ જ પાણી આવ્યા પછી અંદરના બીજા તમામ માણસોને પણ ખૂબ પાણી પાઈ શાંત કર્યા. સ્વામીશ્રી પાણી ભરીને આવતા તમામ માણસો સાથે પાણીના વિચારમાં શ્રીજી મહારાજને સંભારતા સંભારતા ખાણ તરફ ચાલ્યા આવતા હતા. તેવામાં એક અતિ વૃદ્ધ ભરવાડ જર્જરિત અંગવાળો, એક હાથમાં મોટી લાંબી-જાડી ડાંગ(લાકડી) અને ખંભે કાળો કામળો, શરીર કંપવાથી ધ્રુજતું હોય તેમ ધીમો ચાલતો સ્વામીની સન્મુખે “રામરામ” કહી આવી ઉભો, અને પૂછવા લાગ્યો. એ ભરવાડ કહે - તમે આટલા બધા માણસ આઈ શું કરો છો ? સ્વામી કહે – ભગવાનના મંદિર માટે પથ્થર કાઢીએ છીએ, ભરવાડ કહે – ઇતો ઠીક પણ પાણી પીવાનું આટલા બધા માણસે સારૂ કયાંથી લાવો છો? સ્વામી કહે કે ઘણા જ દૂરથી પહેલા “ભેડાસર’ તળાવમાંથી માણું ભરી લાવીએ છીએ. ભરવાડ કહે - અરે એટલે બધે છેટેથી લાવો છો? આઇથી ઉગમણી કોરે ઈશાન ખુણામાં એકજ ખેતરવા છેટે મીઠા પાણીનો જુનવાણી એક વીરડો છે તેમાં ઘણું પાણી છે. અમે નાના હતા તેદિ વાઘ ચારવા આંઈ ખાંટડીથી આવતા તેદિ તે વીરડાને ત્રણચાર નાના પગાં (પગથિયાં) હતા, તે ઉતરીને ઈ મીઠું પાણી પીતા ને ઘેટા બકરાંને અને ગાયુંને પણ કાંઠે કુંડી જેવું કરીને પાતા. એ નાની વાવડીની મીઠી વીરડી તો અસલી છે અસલી, પણ હવે તો તે સાવ બુરાઈ ગઈ હશે. હાલો હું તમને ઈ જગા બતાવું. સ્વામીતો એ ભરવાડને ભરોસે સાધુ પાર્ષદો સાથે ચાલ્યા. એક ખેતરવા ગયા પછી થોર (કંટાળા)નું એક મોટું થુંબડું આવ્યું અને ખાખરાનો રો, એ વચ્ચેની ખાડમાં નાના નાના રોપડાઓ હતા, ત્યાં આવીને તે ઉભો રહી, તે ખાડો બતાવવા ત્યાં જઈ લાકડીનું ટેકવું પછાડીને બોલ્યો કે, “આંહી અસલી જુનવાણી મીઠી વીરડી છે. તે ખોદાવજો પાણી બહુ જ મીઠું અને ઘણું નીકળશે. બઉ ઉડી નથી ગાળ કાઢી નાખશો, ત્યાં પાણી દેખાડો દેશે. લ્યો હવે સરવે ડાયરાને ‘રામરામ’! એમ કહી ભરવાડ ઉત્તર દિશામાં ચાલતો થયો. ત્યારે સ્વામી કહે કે - “ગોકળી તમે કીયે ગામ રહો છો ? ભરવાડ કહે કે-આ હામુ ગામ ખાંટડી દેખાય છે તેમાં રઉં છું પણ અમે માલધારી ફરતા ફરીએ આજ આંઈ તો કાલ બીજે, વગડાના વનવાસી છઈ.” સ્વામી કહે- ‘તમારૂ નામ શું?” ભરવાડ કહે- “મારૂ નામ? મારું નામ તો કાનો છે.’ સ્વામી કહે કે, ખાંટડીમાં તમારા ઘર કીયે ઠેકાણે છે ? ‘ભરવાડ કહે કે “ઠાકર મંદર વાંહે.’ એમ કહી રામરામ બોલી ખાંટડી તરફ ચાલતે થયો. સ્વામીએ પછી આસને આવી તે ભરવાડનું નામ ઠામ-ઠેકાણું લખી લીધું અને બીજે દિવસે સવારે એ થોરના થુંબડાં અને નાના નાના ખાખરાઓ કઢાવી એ ખાડામાં ખોદાણ શરૂ કરતાં, ઘણા વખતનો ગાળ કાઢ્યા પછી એક જ ગોળાકાર પથ્થરમાં કોતરેલી એક વાવ પાણીની ભરેલી જોવામાં આવી. તે પાણી ઉલેચાવી, ઉટકેલા વાસણમાં ભરી કપડેથી ગાળી ઠાકોરજી લાલજીની મૂર્તિને નવરાવીને જળ તે વાવમાં પ્રસાદીનું રેડાવી, પછી પાછું બીજું જળ વાવમાંથી ભરાવી, ગરણે ગળાવી ઠાકોરજીને ધરી સ્વામી વગેરે સહુએ પીધું. મીઠું સાકર જેવું અને શીતળ સ્વાદિષ્ટ લાગતાં સહુ આનંદ પામ્યાં. સ્વામીએ ત્યાં વાવને કાંઠે ઓટો ચણાવી, તેના ઉપર વગર ઘડેલા કાળા પથ્થરના એક હનુમાનજી પધરાવી, તેને તેલ સીંદુર પોતાના હાથે ચડાવી, ધજા ચડાવી, પોતે પર્ણકુટી બંધાવી. સ્વામી વગેરેએ મીઠી વીરડીની બાજુમાં હનુમાનજીની સામે રહેવા લાગ્યા. સ્વામીની ઇચ્છા તે કાના ભરવાડને પાઘડી બંધાવવાની થતાં એક લાલ છેડાવાળું વાંકાનેરી ધોતીલું મંગાવી એક દિવસે સાધુ પાર્ષદો સાથે સ્વામીશ્રી ખાંટડી પધાર્યા, ખાંટડી ગામના ચોરે બેઠેલા દરબારોના ડાયરાને પૂછયું કે “દરબારોં! કાંનો ગોકળી કયાં રહે છે ?” એ સાંભળી તમામ દરબારો ઉભા થઇ નીચે આવી સ્વામીશ્રીને પગે લાગી ચોરામાં આસન બીછાવી પધરાવ્યા. ત્યારે સ્વામીશ્રી કહે કે “તમારા ગામને સીમાડે અમે મંદિર સારૂ પથ્થરની ખાણ બેસારી છે. તે ખાંણની નજીદીક જ અમને અહીંના કાના ભરવાડે ત્યાં આવી પુરાતની પાણીની વાવ બતાવેલી. તે ખોદતાં મીઠા પાણીની બ્રહ્મકમંડળ વાવ તેના કહેવા પ્રમાણે જ મળી છે, તેથી તે બદલા રૂપે તેને આ પાઘડી બંધાવવા અમો અહી આવ્યા છીએ, તે ભરવાડ ઠાકર મંદિર પાસે રહે છે. તેને બોલાવો. એમ કહીને તે લાલ છેડાનું વાંકાનેરી ધોતીઉં સહુ દરબાર ડાયરાને બતાવ્યું, તે સાંભળી સૌ દરબાર ડાયરો કહેવા લાગ્યો કે “સ્વામી! આ ગામમાં કોઈ કાના નામનો ભરવાડ રહેતો નથી તેમજ આ ચોરા (ઠાકર મંદિર) પાછળ કોઈ ભરવાડનું ઘર પણ નથી અમારા ગામમાં કોઈ ભરવાડ કે રાયકો (રબારી) પણ રહેતો નથી.” એ હકીકત જાણી સૌ ખૂબ આશ્ચર્ય પામ્યા. સ્વામીશ્રી એ કહ્યું કે, તો પછી “આ તમારા ગામના ચોરામાં ઠાકોરજી છે, તે કાનજી મહારાજ કાના ભરવાડ રૂપે આવી અમને પાણી બતાવી ગયા લાગે છે, માટે આ ઠાકર મહારાજની તમો સહુ ભાવથી સેવાપૂજા કરજો, કેટલોક ઉપદેશ આપી સ્વામી વગેરે સંતો પાર્ષદો દરબાર ડાયરાને જય સ્વામિનારાયણ કહીને ઉઠ્યા. સ્વામીને ખાત્રી થઇ કે શ્રીજી મહારાજ પોતે જ ભરવાડના વેશે પધારી પાણીની મુંઝવણ મટાડી છે. સદગુરુ બૃહ્માનંદ સ્વામી એ દોહો લખ્યો કે… ભક્તોની ભીડ ભાંગવા,નૌતમ કાનો નામ..! ભલો વેશ ભરવાડનો, સુંદર ભજવ્યો શ્યામ…!!

  • સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવનકવન માંથી…

🙇🏻‍♂️🙏