ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં ડભાણીયા આંબાવાળી બેઠક પાસે મોટું મકાન છે, જેને હાથીખાનું કહે છે.

Gujarati

અમરા ખાચરની ખુમારી અને હાથીનું દાન

ગઢપુરમાં લક્ષ્મીવાડીમાં ડભાણીયા આંબાવાળી બેઠક પાસે મોટું મકાન છે, જેને હાથીખાનું કહે છે, આ હાથીખાનાની હકીકત દ્વારા દાદા ખાચરના પરિવારની શ્રીગોપીનાથજી મહારાજ પ્રત્યે ની નિષ્ઠા અને સમર્પણની ભાવના નો એમના વારસદારોમાં પણ ઉત્કૃષ્ટ દર્શન થાય છે.

મુકતરાજ દાદા ખાચરના બે પુત્રો માં મોટા પુત્ર બાવા ખાચર અને નાના પુત્ર અમરા ખાચર હતા. જ્યારે શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા ત્યારે અમરા ખાચર ખુબ નાના હતા, બાવા ખાચર પણ ચાર પાંચ વરસના જ હતા. સમય જતા ગઢડાનો ગરાસ બંને ભાઈઓ વચ્ચે ખુબ જ સુલેહ સંપથી વહેંચાયો. અમરા ખાચર પરમ એકાંતિક ભક્ત હતા. પોતે ઉંચે સ્વરે ‘સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! ‘ ભજન કરતા કરતા દરબારગઢની શ્રીજીમહારાજને સહુ મુક્તો ની ચરણરજની ભૂમિ ઉપર ઉઘાડે શરીરે આળોટતા ! બાવા ખાચરના પુત્ર ગીગા ખાચરના લગ્ન પાળિયાદ નક્કી થયેલા. જાન લઈને બાવા ખાચર પાળીયાદ જવા રવાના થયા જાન સાથે શ્રીગોપીનાથજી મહારાજના નોબત-નગારું પણ હતા. જાન પાળિયાદ ગામે પહોંચી, પાળિયાદ પાસે નદીના સામે આવેલ ગામમાં જાનનો ઉતારો થયો. પરંતુ હજુ સામૈયા નહોતા થયા, કન્યા પક્ષના અને વરરાજા પક્ષના દરબારો હેતથી મળ્યા. તે સમયે કોઈએ જાન સાથેના નોબત-નગારા માટે વાંધો લીધો કે પાળિયાદમાં તમારું સ્વામિનારાયણ ભગવાનનું નોબત નગારું નહિ લાવવા દઈએ, બાવા ખાચરે કહ્યું કે આ નોબત નગારું તો અમારા ખાચર કુળના બાપ ગોપીનાથજીનું છે, તે તો જાન સાથે જ રહેશે. આમ વાત વટે ચડી, આથી જાનના સામૈયા ન થયા, પરંતુ જાન પાળીયાદ રોકાઈ, ને પાછી ન ગઈ, આ રીતે એક મહિના સુધી પોતાના ખર્ચે જાન રોકાઈ. જ્યા સુધી જાનના સામૈયા ન થાય ત્યાં સુધી જાનનો તમામ ખર્ચ વરપક્ષનો પોતાનો હોય, પાળિયાદમાં બંને પક્ષના દરબારોના ડાયરા ભરાય, દાન દેવાની હરીફાઈ થાય, નેએક ડાયરો જે દાન આપે તેથી સવાયું દાન બીજો ડાયરો આપે. આમ, પાળિયાદની ચાર ડેલીના દરબારો સામે ગઢડેથી એકલા બાવા ખાચર જ હતા ! દરરોજની આ ખબર ગઢડા થાય, સૌ સગાઓ અને સત્સંગીઓ બાવા ખાચરની ચિંતા કરે, બાવા ખાચરની મુશ્કેલીની વાત છેક વડતાલ આચાર્ય મહારાજશ્રી સુધી પહોંચી. આ સમયે બાવા ખાચર અને અમરા ખાચર વચ્ચે કોઈ પારિવારીક તકલીફ હોવાથી અમરા ખાચર જાનમાં પાળિયાદ નહોતા આવી શક્યા. વડતાલથી આચાર્ય મહારજશ્રીએ સાંઢણી સવાર મોકલીને ગઢડા મંદિરના કોઠારીને અને અમરા બાપુને પાળીયાદમાં જાન ઉપર આવેલ તકલીફનો નિવેડો લાવીને બાવા ખાચરને સહાયરૂપ થવા આજ્ઞા કરી. આમ આચાર્ય મહારાજની આજ્ઞા થતા પોતાના સર્વે કાર્યો છોડીને અમરા બાપુ પાળિયાદ જવા કબુલ થયા. આચાર્ય મહારાજની આજ્ઞા થતા ગઢડા મંદિરના કોઠારીશ્રી પાસે અમરા બાપુએ મંત્રણા કરી કે પાળિયાદમાં વટે ચડેલ વાતનો કેમ નિવેડો લાવવો તે બાબત વિચાર વિમર્શ કર્યો, એમાં એવો નિર્ણય થયો કે પાળિયાદનો ડાયરો ન આપી શકે તેવી વસ્તુ આપણે તે ડાયરામાં દાન આપવી, તે માટે દાનમાં હાથી આપવાનું નક્કી થયું. અમરા ખાચરે તરત સાંઢણી સવાર વડતાલ મોકલીને આચાર્ય મહારાજશ્રીને સર્વ હકીકતની જાણ કરી અને વિનંતી પત્ર લખીને તત્કાળ એક સારો હાથી પાળિયાદ મોકલવા વિનંતી કરી. હાથીનો તમામ ખર્ચ અમે આપશું એવી ખબર પણ મોકલી. વડતાલથી આચાર્ય મહારાજશ્રીએ અમદાવાદથી એક ખુબ સારો હાથી ૨૫૦૦૦( પચીશ હજાર ) રૂપિયાથી ખરીદીને પાળીયાદ તરફ રવાના કર્યો, ને હાથી ક્યારે પાળિયાદ પહોંચશે તે ખબર ગઢડા પણ મોકલાવી. જ્યારે હાથી પાળિયાદ પહોંચવાનો હતો તે દિવસે અમરા ખાચર ગઢડા અને પાળિયાદનો ડાયરો ભરાયો હતો ત્યાં પહોંચ્યા, દાનની વાતો ચાલતી હતી, તે સમયે ખાનગીમાં ગઢડા મંદિરના પાર્ષદ દ્વારા અમરા બાપુને હાથી પાળીયાદ પહોંચ્યાની ખબર આપવામાં આવી. થોડા સમયમાં હાથી ડાયરા પાસે આવ્યો, ડાયરાને અમરા બાપુએ કહ્યું “ આ હાથી અમારો છે, હું ગઢડાનો ગરાસદાર અને ગઢડાથી આવેલ જાનનો જાનૈયો વ્યક્તિ અમરા ખાચર ગઢડા ગોપીનાથજી મહારાજને આ હાથી દાનમાં આપું છું. હાથીના નિભાવ માટે બે સાંતીની ( ૧૦૦ વીઘા એટલે કે ૪૦ એકર) ખેતીની જમીન દાનમાં આપું છું ! એમ કહી ત્યાં બેઠેલા બ્રાહ્મણ દ્વારા દાનનો સંકલ્પ કરીને એ ભર્યા ડાયરામાં હાથમાં પાણીની અંજલિ લઈને મૂકી ! પછી પાળિયાદના ડાયરા સામે જોઈને કહ્યું, “ હવે પાળીયાદ દરબારો ! તમે બોલો, તમારે શું દાન આપવું છે ? “ આમ અમરા ખાચરે કહ્યું એટલે પાળિયાદનો ડાયરાએ કહ્યં “ આ તો દગો થયો કહેવાય ! અમારી પાસે અટાણે હાથી નથી, પણ અગાઉ કહ્યું હોત તો અમે ત્રણ હાથીનું દાન આપત “ એટલે અમરા ખાચરે ઉભા થઈને કહ્યું “ તમે ગરાસદાર છો, તમારી પાસે પણ ગરાસ છે , હું ગઢડાનો ગરાસદાર દાદા ખાચરનો પુત્ર મારા પહેરેલા લૂગડાં સિવાય મારો સંપૂર્ણ ગરાસ મારા દેવ શ્રીગોપીનાથજીને દાન કરું છું ! હવે તમે બોલો ! “ આમ કહી કડિયાની કસું છોડવા લાગ્યા ! સૌ ડાયરાના દરબારો સ્તબ્ધ થઇ ગયા ! ડાયરામાં હાજર સૌ લોકોએ પાળિયાદ ડાયરાને કહ્યું “ આ તો દાદા ખાચરનું લોહી છે ! એની આગળ તમે નહિ પહોંચી શકો ! માટે હવે સમાધાન કરી લ્યો ! “ કુટુંબમાં પડેલ આંટી પડે તે સમયે કાઢવી ખુબ મુશ્કેલ હતી, પરંતુ બધુ ભુલીને બાવા ખાચર અને અમરા ખાચર અંતઃકરણની આંટીઓ રાખ્યા વિના ભર્યા ડાયરામાં ભેટી પડ્યા ! વડતાલના આચાર્ય મહારાજની આજ્ઞા થતા બાવા ખાચર ઉપરના સંકટને સત્સંગ ઉપરનું સંકટ માનીને કોઈ જાતના હિચકિચાટ વિના અમરા ખાચર તૈયાર થઇ ગયા, આ દાદા ખાચરના કુટુંબની મહાનતા છે !

આમ અમરા ખાચરની ખુમારી અને સત્સંગ પ્રત્યેના સ્નેહથી આવો જટીલ પ્રશ્ન પણ ઉકેલાય ગયો ! પાળિયાદમાં જાનના ધામધૂમથી સામૈયા થયા, ને રુડી રીતે ધામધૂમથી પૃસંગ પુર્ણ થયો. આ રીતે અમરા ખાચર દ્વારા ગોપીનાથજી મહારાજના દરબારમાં ધામધૂમથી હાથી આવ્યો ! અમરા ખાચરે હાથીના નિભાવ માટે આપેલું ખેતર માંડવધારનાં રસ્તે આવેલું ‘ હાથીવાળા ખેતર ‘ તરીકે જાણીતું છે.

આ સમગ્ર ઘટના તે સમયના સોરઠ રાજ્યના પ્રસિદ્ધ અખબાર ‘ફૂલછાબ’ માં સુપ્રસિદ્ધ લેખક નાનુભાઈ જેબલિયાની કલમે લખાયેલ છે, જે ફૂલછાબ છાપાનું તે દિવસનું પાનું મુકતરાજશ્રી દાદાખાચર ના છઠ્ઠા વંશજ શ્રીહરસુરબાપુ ખાચર પાસે સચવાયેલું છે !

🙇🏻‍♂️🙏