સદગુરુ ભાયાત્માનંદ (ભાઇ સ્વામી) વાગડ ગામે મોટેભાગે રહેતા હતા. એકવખત ઇંગોરાળાના પટેલ કુંવરજી જાગાણી વડોદરા રાજના કામે જતા હતા.
Gujarati
ઇંગોરાળાના કુંવરજી પટેલ અને ભાઇ સ્વામીનો ઉપદેશ
સદગુરુ ભાયાત્માનંદ (ભાઇ સ્વામી) વાગડ ગામે મોટેભાગે રહેતા હતા. એકવખત ઇંગોરાળાના પટેલ કુંવરજી જાગાણી વડોદરા રાજના કામે જતા હતા તે વાગડ રોકાવાના હતા તે ગઢડાથી કોઠારી ભકિતવલ્લભ સ્વામી એ ભાઇ સ્વામીને કાગળ લખ્યો કે એ સારા સત્સંગી છે તો સારી રીતે સાચવજો ને એમની બરદાસ્ત રાખજો. હરિભક્તોએ કુંવરજીભાઇ જાગાણીને મંદિરમાં ઉતારો કરાવયો ને હેતે જમાડ્યા. કુંવરજી પટેલને હોકો પીવાનું બંધાણ હતું તે પોતે સ્વામી હારે સભામાં બેઠાને હારે સેવક તરીકે વાળંદ રાખેલો એને બાવળની છાલ કે લાકડા લેવા મોકલ્યો. સેવક વાળંદે આવીને હરિભક્તો પાહે હોકા સારુ એ માંગણી કરી તો હરિભક્તો બોલ્યા કે ગઢડે થી કોઠારીએ કાગળ લખ્યો છે કે બહુ સારા હરિભક્ત છે તો બરદાસ્ત જાળવજો, ને આ તો હોકા ના હરેડ બંધાણી છે. સારા હરિભક્ત હોય તો એને હારે હોકો થોડો હોય..?
આ વાત કુંવરજી જાગાણી જાણી ગયા એટલે મનમાં વિચાર્યું કે કાગળમાં તો કોઠારીએ મારા વખાણ લખ્યા છે ને આ હોકાએ તો મને બધાય વચાળે ફજેત કર્યો. પોતે ઉભા થઇને મંદિરના પગથીયે જઇને હોકો પછાડી ને ભાંગી નાંખ્યો ને પોતે ઉતારે ગયા.
રાત્રે એમના મંદિરના ઉતારે કુંવરજી પટેલ સુતા હતા ને વાળંદ પટેલના પગ દાબતો હતો.
અધરાત વિત્યે ભાઇસ્વામી લઘુશંકા કરવા ઉઠ્યા તે સમયે એમણે આ જોયું એટલે બીજે દિવસ કુંવરજી પટેલ ને પાહે બોલાવીને કહ્યું કે આ પગચંપી શુ વળી? ત્યારે કુંવરજી પટેલ કહે કે મને વાળંદ પગચંપી કરે તો જ નિદ્રા આવે છે. ત્યારે ભાઇસ્વામી બોલ્યા કે કાલય સવારે દિવસ ફર્યો ને કોઇ પગચંપી કરવાનો નય રહે ત્યારે કેમ કરીને નિદ્રા આવશે એનો કોઇ દી વિચાર કર્યો છે? કુંવરજી જાગાણી સ્વામીની વાક્યનો મર્મ જાણી ગયા ને એજ સમયે વાળંદને રોકડ ખરચી આપીને ઘરે વળાવિયો ને પોતે નિરવ્યસની થયા ને હોકો છૂટી ગયો. પોતાને પગચંપી વગેરેના ફેલ હતા એ પણ જીવનભર છૂટી ગયા. સ્વામીના આશીર્વાદે પોતે સ્વયં સુખીયા થયા.
- સદગુરુ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતોમાંથી….
🙇🏻♂️🙏