એક દિવસ ગઢપુરમાં અક્ષર ઓરડીની પાછળની ઓસરીમાં બપોરે સંતની પંકિતમાં શ્રીહરિ પીરસવા પધાર્યા.
Gujarati
ગઢપુરમાં દહીંની ખેંચતાણ અને બ્રહ્માનંદ સ્વામીના પદ
એક દિવસ ગઢપુરમાં અક્ષર ઓરડીની પાછળની ઓસરીમાં બપોરે સંતની પંકિતમાં શ્રીહરિ પીરસવા પધાર્યા અને સંતોને પંકિતએ ફરીને નામ લઇ લઇને વિવિધ પકવાન પીરસ્યાં. અને દહીં પીરસવા માટે ઓરડામાં જઈ, દહીંનુ ગોરસડું લીધું, ત્યારે મોટીબા મહારાજને કહે કે, “ખમો, હું તમને દહીં આપું છું.” તેમ કહી શ્રીજીમહારાજે હાથમાં લીધેલું દોણું પોતે મહારાજના હાથમાંથી મુકાવા ગયાં. તેઓને એમ કે શ્રીજી મહારાજના થાળમાં પીરસવા દહીંની તર માથેથી ઉતારી લઉં.” “શ્રીજીમહારાજ કહે કે, “બાં, આજ તો સંતો ને જમાડવા છે તે તમોને દહીંની તર નહીં કાઢવા દઈએ.” તેમ કહી દોણું પકડી રાખ્યું. તે બંનેની ખેંચતાણમાં દોણું ફુટી ગયું. પછી શ્રીજી મહારાજે બીજાં દોણું લીધું, તે પણ તેમ જ ખેંચતાણમાં ફુટી ગયું, તેથી બંનેના લૂગડાં તથા શરીર દહીં દહીં થઈ ગયાં; ને શ્રીજીમહારાજને પંકિતમાં આવતાં વાર લાગી, ત્યારે બ્રહ્માનંદસ્વામી, ઓરડાના બારણા પાસેજ પ્રથમ સામા જ બેઠા હતા, તેણે એ બધું નજરે જોયું અને બોલ્યા કે, “આ બેઉની લડાઇમાં આપણું દહીં ખોટું થયું.” માટે સહુ ચળું કરી ઉતારે ચાલો, પછી સહુ સંતો ચળુ કરી ઉતારે ગયા ને મોટીબા અને મહારાજ ગંગાજળીયા કુવા ઉપર વારાફરતી નાહ્યાં ને વસ્ત્રો બદલાવયા. શ્રીહરિ બપોરે અક્ષરઓરડી એ જઇને પોઢ્યા.
એ દિવસે સંતોના ઉતારે જઈને કવિવર બ્રહ્માનંદસ્વામીએ પોતાના આસને એ દાણલીલાના ૨૪ પદો નવાં બનાવ્યાં. તેમાં એવું નામાચરણમા વેણ નાખ્યું જે “એ લડાઈની વાત બ્રહ્માનંદ જાણે.” પછી તેજ દહાડે ત્રીજે પહોરે દરબારગઢમા સભા થઈ તેમાં એ દાણલીલાનાં પદ બ્રહ્માનંદસ્વામીએ પોતાના ઘેરા રાગમાં ગાયાં ને સૌને હેતે કરીને ઝીલાવ્યા. ત્યારે શ્રીજી મહારાજે બ્રહ્માનંદસ્વામી ને કહ્યું કે, એવું અમે ક્યારે કર્યું છે ? ત્યારે સ્વામી કહે “અમે તો નજરે દીઠું તેવું ગાયું છે. ત્યારે મહારાજે મોટીબાને કહેવરાવ્યું કે, આજ આમને થાળ આપજો. આપણને બેઉને બધાય વચાળે ફજેત કરવા હારું”. આ સાંભળી સદગુરુ બૃહ્માનંદ સ્વામી સદગુરુ મુકતાનંદ સ્વામી સામું જોઇને હસતા હસતા કહે કે, “આપડે તો મા-બાપની ફજેતીમાં આજ આપણને પ્રસાદીનો થાળ મળતો દેખાય છે.” એમ રમુજ કરીને તે દિવસે બૃહ્માનંદ સ્વામીએ સભામાં સૌને બહુ હસાવ્યા.
એ દિવસે શ્રીહરિના થાળ થયા ત્યારે સ્વામીને પ્રસાદીનો થાળ દીધો ને પોતાના સખા પર ઘણું હેત વરહાવ્યું.
- સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જીવનકવનમાંથી…
🙇🏻♂️🙏