કચ્છદેશના બળદીયા ગામના કૃષ્ણજી ના દિકરાનુ નામ રતનજી હતું. બાપ-દિકરા બંને શ્રીહરિના આશ્રિત થયા એ એના ગામના દ્વેષીઓને ગમ્યું નહી.

Gujarati

બળદીયાના રતનજી અને વાલો પટેલનો નિશ્ચય

કચ્છદેશના બળદીયા ગામના કૃષ્ણજી ના દિકરાનુ નામ રતનજી હતું. બાપ-દિકરા બંને શ્રીહરિના આશ્રિત થયા એ એના ગામના દ્વેષીઓને ગમ્યું નહી. પોતે પોતાના પરિવાર સાથે શ્રીહરિના દર્શને ગઢપુર ગયા. શ્રીહરિની એ માધુરીમુરત ના દરશન થતા જ એમના ફોઇ ને બેનને દિવ્યઅનૂભુતિ થઇને સંસાર ઝેર જેવો થઇ ગયો. એમના ફોઇ અને બેન બેઉ ત્યાજ મોટીબાં પાસે સાંખ્યયોગી થઇને જ રહી ગયા. બાપ-દિકરો બેઉ બળદિયા પાછા આવ્યા. આ સમાચાર મળતા દ્વેષી ગામલોકોને આ ગમ્યું નહી એટલે વિરોધ કર્યો. થોડો સમય તો બેઉએ સહન કર્યું પણ પછે વિરોધ વધતા બેઉ બળદિયા મુકીને કેરા ગામે સદાબાં પાસે રહેવા આવતા રહ્યા.

વરહવળોટ બાપદિકરો કેરા ગામના સંઘ સાથે ફરીને શ્રીહરિના દર્શને ગઢપુર પધાર્યા એટલે રતનજી શ્રીજીમહારાજના દર્શન કરવા અક્ષરઓરડીએ સૌ સાથે ગયા. દંડવત કરીને પગે લાગીને સામા બેઠા એટલે શ્રીહરિએ કુશળ સમાચાર પુછયા ને કહ્યું કે તમે તમારું વતન નુ ગામ બળદિયા છોડીને તમે કેરા ગામે રહેવા કેમ આવ્યા? ત્યારે રતનજી બધી માંડીને વાત્ય કરીને દ્વેષીઓનો ઉપદ્રવ કહ્યો. ભક્તવત્સલ શ્રીહરિ હસતા હસતા બોલ્યા કે ભગત..! એ તમારો વિરોધ કરનારા તમારા ગામના જ લોકો તમને પાછા બોલાવે તો તમે તમારા ગામ રહેવા જાઓ કે નહી? પેલા તો રતન ભગતે ખીજના લીધે ના કહી, એ જાણી બીજા ભક્તો કહે કે મહારાજનું તો માની ને તુ રેવા જા…! સૌ સારા વાના થાશે જ..! ત્યારે ભગત સંમત થયા. થોડાદિવસ દર્શન,કથા-સંત સમાગમ કરીને રતનજી સૌ સાથે કેરા પાછા આવ્યા ને બરાબર એજ સમયે કચ્છ દેશમાં ભૂકંપ આવ્યો તે બળદિયા ગામે ઘણા ઘરો પડી ગયા. ગામધણી સૌને કહે કે તમે સૌ તમારા ઘર નવા ચણો..! ત્યાર ગામના લોકો કહે કે ગામના કડીયા કૃષ્ણજીને રતનજી તો તમે વગર વાંકે કનડીને બીજે ગામ રેવા કાઢી મુકયા છે, ગામમાં કોઇ સારા કડીયા નથી તો એમને પાછા બોલાવો. અંતે ગામધણી માન્યો ને કૃષ્ણજી અને રતનજી ને કહે કે ‘તમે ગામમાં રહેજો ને સત્સંગ કરજો ને સાધુને લાવજો… કોઇ અડચણ થશે નહી અમને કાય વાંધો નથી’ એમ કહ્યુ ત્યારે બને માન્યા ને પાછા બળદીયા ગામે રહેવા આવ્યા ને સુખેથી રહેવા લાગ્યા. એમના કટંબ-સંબંધી મા રતનજીના બનેવી વાલો પટેલ પણ સત્સંગના બહુ દ્વેષી હતા. પૃસંગોપાત એ કંકાસ ટંટો કરીને પજવતા. એકદિવસ વાલો પટેલ રાતે પોતે ફળીયા મા ખાટલે સુતા હતા ત્યારે શ્રીહરિએ એમને યમદૂત દેખાડ્યા ને બરાબરીનો મેથીપાક ખવરાવ્યો, એવો ટીંગાટોળી કરીને ધબધબાવ્યા કે પોતાના લૂગડાં બગડી ગયા. યમદૂતો બોલ્યા કે તુ તારા સગા કૃષ્ણજી ને રતનજીનો દ્રોહ કરે છે એનું આ ફળ છે. ત્યારે વાલો પટેલ માફી માંગતા કહે કે મને છોડી દ્યો, આ દુખ ખમી શકાય એવા નથી, કૃપા કરો અને મને ઉપાય બતાવો..! ત્યારે શ્રીહરિએ દર્શન દીધા કે તુ તારા સગા રતનજી પાસે માફી માંગીને વર્તમાન ધરાવીને સત્સંગી થા..! હુ તને અંતકાળે અક્ષરધામ મા તેડી જાઇશ. વાલો પટેલ પાછા દેહ મા આવ્યા ને જાગીને તુરંત નાહી-ધોઇને કૃષ્ણજીને રતનજી પાસે ગયા ને પગે પડીને માફી માંગી. વાલો પટેલ એમના પાસે સત્સંગી થયા ને કહ્યું કે હવે તમે ગઢપુર શ્રીહરિના દર્શને જાઓ ત્યારે તમે મને સાથે લઇ જાજો. ચાર મહીને જ્યારે ફરીથી સંઘ ગઢપુર જાવા તૈયાર થયો ત્યારે એ સંઘ મા વાલો પટેલ પણ સાથે દર્શને આવ્યા. શ્રીહરિના પૃથમ દર્શને જ એમને અંતરમા અનેરી ટાઢક વળી, એમને ભગવાનપણા નો નિશ્ચય થયો ને મનમા થયું કે હવે હુ શીદને સંસારમા કૂટાઇ મરુ..! હવે ફરીને સંસારમા જાવુ જ નથી..! એમ કહીને શ્રીહરિને સાધુ થાવા અરજ કરી. શ્રીહરિએ એમને મહાભાગવતિ દિક્ષા આપીને મુકંદપૃસાદદાસ એવું નામ પાડ્યું.

  • કચ્છલીલામાંથી…

🙇🏻‍♂️🙏