એકવખત ગામ નિંગાળાના ખેડૂ ગોપાલભાઇ પોતાના જાંબલા બળદની જોડ્યને ગાડે જોડી ગઢડે શ્રીહરિને સંતોના દર્શને આવ્યા.
Gujarati
નિંગાળાના ગોપાલભાઇ અને બળદની સેવા
એકવખત ગામ નિંગાળાના ખેડૂ ગોપાલભાઇ પોતાના જાંબલા બળદની જોડ્યને ગાડે જોડી ગઢડે શ્રીહરિને સંતોના દર્શને આવ્યા. ભગતના બળદને ગાડે જૂતેલા જોઇને શ્રીહરિએ વખાણ્યા ને બોલ્યા કે ગોપાલ ભગત..! આ બળદ તો બવ સારા છે, ને અમારા રથમા જોડવા જેવા છે. એ સમયે ગોપાલભાઇ થી સંકોચમાં શ્રીહરિને હા કહેવાણી નહી, પોતે પાંચ દિવસ ગઢપુર રોકાઇ ને દર્શન સમાગમ કરીને પોતાને ઘેર આવ્યા. શ્રીહરિ બરાબર થોડે સમયે પોતાની લીલા સંકેલીને અક્ષરધામ સીધાવી ગયા. ગામ નિંગાળામાં ગોપાલભાઇ ને એ સમાચાર મળ્યા ત્યારે મનમા એમ વસવસો થયો કે શ્રીહરિએ મારા પાસે સામેથી બળદ માંગયા ને હુ આપી ન શક્યો. પોતાને બહુ મનમા રંજ થયો. તેના હૈયામાં દાઝ થઇ કે હુ શ્રીહરિને ટાણે રાજી ન કરી શક્યો. થોડા મહીના આમનમ જ હૃદય મા દુખ સાથે વિતાવ્યા ત્યાં આદિ આચાર્ય શ્રી રઘુવિરજી મહારાજ વડતાલથી ગઢપુર પધારે છે એવા સમાચાર પોતાને મળ્યા. મનમા થયું કે હવે આચાર્ય મહારાજશ્રીને બળદ આપીને રાજી કંરુ. પોતે તુરંત જ પોતાના બેઉ બળદ ને લઇને ગઢપુર પહોંચ્યા. બંને બળદને રઘુવિરજી મહારાજશ્રીને કૃષ્ણાર્અર્પણ કર્યા ને બોલ્યા કે આ બળદ ને શ્રીજીમહારાજ ને આપવાના હતા પણ મારાથી એ સમો વધાવી ન શકાયો ને શ્રીજીમહારાજ તો લીલા સંકેલી ને ગયા, હવે એ ડંખ મારા હૃદયમા રહ્યા કરે છે, તમે એમના દીકરા છોવ તો મારા બળદને તમારા વેલડામા જોડવા હારું સ્વીકારો. ગોપાલભાઇએ બળદની રાશ આચાર્ય મહારાજશ્રી ને સોંપી ને દંડવત કર્યા ને સૌના દર્શન કરીને પોતાને ગામ નિંગાળે ચાલીને આવ્યા. પોતાને મનમા ત્યારે શાંતિ થઇ.
ચાર મહીના વિત્યે નિંગાળા ગામના પાદરમાંથી શ્રીહરિ એ બેઉ જાંબલા બળદને ગાડે જોડીને સંઘ સાથે નિસર્યા ને સાથે ૪૦ સાધુને ૧૦ પાળાઓ ઘોડેસ્વાર હારે હતા એવા દર્શન ગોપાલભાઇના દિકરા પૂંજાભાઇ ને થયા, પોતે પોતાના બળદને ઓળખ્યા. નાના એવા પૂંજાભાઇ તુરંત પાસે આવીને શ્રીહરિને પગે લાગ્યા. શ્રીહરિએ ગાડું ઉભુ રાખીને હાથ લાંબો કરીને આંગળીઓ બળદ તરફ ઇશારો કરીને પૂંજાભાઇને કહ્યું કે આ તમારા પિતા ગોપાલભાઇ ની બળદની સેવા અમને મળી ગઇ છે. અમે એમના ઉપર ઘણા રાજી છીએ. એમ વાત કરીને દર્શન આપીને સૌ સંઘ સાથે અદ્રશ્ય થઇ ગયા. પૂંજાભાઇ તો દોડતા દોડતા ઘરે આવ્યા ને એમના પિતાજી ગોપાલભાઇને મહારાજે આપણા જાંબલા બળદ સાથે ગાડાની ઉંધે બેસતા થકા દર્શન દીધા એ વાત કરી, ત્યારે ગોપાલભાઇને હૈયામાં શ્રીહરિએ પોતાની સેવા રઘુવિરજીમહારાજ થકી સ્વીકારી એ વાતે ઘણી શાંતિ થઇ.
- શ્રીહરિચરિત્રચિંતામણિમાંથી…
🙇🏻♂️🙏