કચ્છ દેશના તેરા ગામના માવજીભાઈ સુતાર અને નાગજીભાઈ સુતાર બેઉ ભાઇઓ શ્રીહરિના પરમ કૃપાપાત્ર હતા.

Gujarati

તેરાના માવજીભાઈ સુતાર અને સંતોનું મિષ્ટાન્ન જમણ

કચ્છ દેશના તેરા ગામના માવજીભાઈ સુતાર અને નાગજીભાઈ સુતાર બેઉ ભાઇઓ શ્રીહરિના પરમ કૃપાપાત્ર હતા. કચ્છના આ બંને પ્રેમી ભક્તોના ઘરે શ્રીજીમહારાજે અનેક અદભુત લીલા કરી છે. અનેકાનેક વખત કચ્છ દેશમાં વિચરણ કરતા શ્રીજીમહારાજ ઘણી માવજીભાઇ સુતારના ઘરે સંતો ભક્તોના સંઘ સહીત ઉતરતા. માવજીભાઈની આર્થિક સ્થિતિ સારી હતી, તે ખુબ ઉદારતાથી સંતોને શ્રીહરિની મહિમાંથી તન-મન-ધનથી સેવા કરતા.

એકવખત શ્રીજીમહારાજ સંતો ભક્તોના સંઘ સાથે કચ્છ દેશમાં વિચરણ કરતા હતા. એ વખતે શ્રીહરિ સંઘમા સદગુરુ બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો સાથે ભુજથી દેશલપર, મજલા, કાળિયા, રસાળીયા વગેરે ગામોમાં થઈને તેરા ગામ તરફ આવતા હતા. રસ્તામાં વિશ્રામ કર્યો ત્યારે મહારાજે સંતોને પૂછ્યું, “ સંતો ! તમે કહો તો તમારા ઉપર ધૂડ નખાવું, ને કહો તો આજ સૌને લાડુ અને મિષ્ટાન્ન જમાડું “ શ્રીજીમહારાજના સખા બ્રહ્માનંદ સ્વામીએ હસીને કહ્યું “હે મહારાજ ! ધૂડય તો જગતના લોકો સર્વ ઠેકાણે જયાં જઈએ ત્યાં નાખે જ છે, પણ લાડુ અને મિષ્ટાન્ન જમાડનારા તો તમે એક જ છો, માટે આ ભૂખ્યા સંતોને લાડુ જમાડો “

શ્રીજીમહારાજે અમિવર્ષા વરહાવતા હસતા હસતા કહ્યું કે “ સારું, આજથી તમને પંદર દિવસ સુધી લાડુ જમાડશું “ તે વખતે સંઘમાં શ્રીજીમહારાજ ભેળા દોઢસો સાધુઓ હતા.

સૌ સંતો અને મહારાજ તેરા ગામમાં માવજીભાઈ સુતારને ઘરે આવ્યા, માવજીભાઈએ ખુબ પ્રેમથી સૌને પોતાને ઘેર રોક્યા અને પંદર દિવસ સુધી દરરોજ લાડુની અને મિષ્ટાન્નોની રસોઈ કરાવીને સર્વે સંતો અને શ્રીજીમહારાજને પૃેમથી જમાડયા.

જુદા જુદા મિષ્ટાન્નો એટલે તે વખતે લાડુ હોય, ચુરમુ હોય, લાપશી હોય કે શિરો હોય, આ બધા માત્ર ઘી અને ગોળમાં બનતા મિષ્ટાન્નો હોય, જે માવજીભાઈએ પંદર દિવસ સુધી સૌ સંતો ભક્તોને માટે દરરોજ ફરતા ફરતા મિષ્ટાન્નો બનાવ્યા. શ્રીજીમહારાજે પણ રાજી થઈને સૌને મિષ્ટાન્નો સંતો ભક્તોની પંગતે પીરસી પીરસીને ખુબ જમાડયા, આ રીતે મહારાજે માવજીભાઈ દ્વારા બ્રહ્માનંદ સ્વામીનો સંકલ્પ પૂર્ણ કરાવ્યો.(કચ્છ લીલા)

આજે પણ તેરા ગામમાં માવજીભાઈના ઘર દર્શન આપે છે, આ તેરા ગામમાં એ ફળીયા મા શ્રીજીમહારાજે ઘણી લીલાઓ કરી છે.

સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ આ બંને ભક્તોને ભક્તચિંતામણીમાં પ્રકરણ ૧૧૬ ની કડી ૪૯-૫૦ માં ચિંતવ્યા છે કે…

નેતરામા સવજી સુતાર, કર્યો સત્સંગ સમજી સાર..! નોંઘો ભક્ત નાગજી માવજી, ડોસો ગોપો સુતાર સંઘજી..!! પૃેમી પૃેમબાઇ માનબાઇ, મોટા ભક્ત એ સુતાર માંઇ..! સેજપાલ સામંત રામલ, એહાદિ ભક્ત તેરે અવ્લ્લ…!!

  • શ્રીભકતચિંતામણિના મુક્તો ના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏