મહેમદાવાદના પરમ એકાંતિક ભક્ત શ્રીબેચર ભટ્ટ વળાદરા બ્રાહ્મણની નાતના આગેવાન હતા, તેમને સત્સંગ થવાથી મહેમદાવાદમાં ઘણા ભક્તોને સત્સંગ થયેલો.
Gujarati
મહેમદાવાદના બેચર ભટ્ટ અને શ્રીજી મહારાજ
મહેમદાવાદના પરમ એકાંતિક ભક્ત શ્રીબેચર ભટ્ટ વળાદરા બ્રાહ્મણની નાતના આગેવાન હતા, તેમને સત્સંગ થવાથી મહેમદાવાદમાં ઘણા ભક્તોને સત્સંગ થયેલો. મહેમદાવાદના સર્વે સત્સંગીઓએ શ્રીજીમહારાજને અનેકવખત ખુબ ધામધૂમથી ગામમાં પધરાવ્યા હતા, મહારાજ સાથેના સૌ સંતો અને ભક્તોને સુંદર રસોઇઓ કરીને ખુબ પ્રેમથી જમાડ્યા હતા. બેચર ભટ્ટને મહારાજનો નિશ્ચય દ્રઢ હતો, જયારે મહેમદાવાદમાં કોઈ સત્સંગી ન હતા, તે સમયે તો સ્વામિનારાયણના સંતોને તિરસ્કાર કરીને ગામમાં પણ પેસવા દેતા નહિ, તેવા સમયમાં મહારાજની આજ્ઞાથી સત્સંગ વિચરણ કરતા પદ્મનાભાનંદ સ્વામી મહેમદાવાદ આવ્યા. ક્યાંય ઉતારો ન મળતા બેચરભટ્ટની પોળમાં ઘર ઉપરના અવાવરું મેડા ઉપર ઉતર્યા, પરંતુ ત્યાં આવી અવાવરું સ્થળે કોઈ માણસો સન્યાસી પદ્મનાભાનંદ સ્વામી પાસે સતસંગ કથા સાંભળવા પણ આવે નહિ, અને ક્યારેક તો પદ્મનાભાનંદ સ્વામીને ગામમાં ભિક્ષા પણ ન મળે એવી સ્થિતિ હતી, પણ સ્વામી તો ત્યાં એ અવાવરું મકાનમાં જ રહયા. એ વખતે બેચરભટ્ટ અફીણના હરેડ બંધાણી હતા, સન્યાસી પદ્મનાભાનંદ સ્વામી ત્યાં તેમના મકાનના અવાવરું મેડા ઉપર ભજન કરતા હતા.
એકદિવસ બેચર ભટ્ટથી થોડુ વધારે અફીણ લેવાઈ ગયું તે કેફ ચડવાથી વ્યાકુળ થઇ ગયા, આમ તેમ ડોલવા લાગ્યા, એવી સ્થિતિ થઇ ગઈ કે કદાચ મૃત્યુ થઇ જાય ! આ જાણીને સન્યાસી પદ્મનાભાનંદ સ્વામીએ બેચર ભટ્ટને બાવડું પકડીને સામે બેસાર્યા, પદ્મનાભાનંદ સ્વામીએ બેચર ભટ્ટને ‘ સ્વામિનારાયણ ! સ્વામિનારાયણ ! ‘ ભજન કરાવ્યું તે વખતે સ્વામી પણ તેમનો હાથ પકડીને બેઠા અને તેમની સાથે ઉંચે સ્વરેથી ભજન કરવા લાગ્યા આથી તેમને પીડા મટી ગઈ, અને ભાનમાં આવી ગયા ભટ્ટજીને અદભુત શાંતિ થઇ ગઈ આથી તેમને સ્વામીમાં વિશ્વાસ બેઠો.
એ દિવસ પછી સ્વામીને પણ મહેમદાવાદમાં રહેલા બીજા સન્યાસીઓ સાથે જમાડે, ગામના લોકો સાથે સ્વામીની પાસે શ્રીજીમહારાજના નિશ્ચયની વાતો સાંભળે, આમ બેચર ભટ્ટને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ખુબ ભાવ થયો.
બેચર ભટ્ટ દર પૂનમે ડાકોર દર્શને જતા, આ રીતે એક વખત વીશ પચીશ માણસોના સંઘ સાથે ડાકોર દર્શને ગયા. ત્યાં બેચર ભટ્ટને ફરીને પદ્મનાભનંદ સ્વામીને મળવા નો સંકલ્પ થયેલો અને પોતે અગાઉ તેમની મહાનતા જોયેલી આથી સંઘના માણસોને બેચરભટ્ટે વાત કરી કે વડતાલમાં પદ્મનાભનંદ નામના એક સારા સાધુ છે, તો આપણે સૌ ત્યાં તેના દર્શન કરવા જઈએ, એટલે સૌ પદ્મનાભનંદ સ્વામીના દર્શન કરવા માટે વડતાલ આવ્યા, પદ્મનાભાનંદ સ્વામીને શોધીને મળ્યા, બરાબર તે સમયે વડતાલમાં શ્રીસ્વામિનારાયણ ભગવાન સામે ભક્તોની સભા હતી, તે સમયે પદ્મનાભાનંદ સ્વામી મહેમદાવાદના સર્વે ભક્તોને લઈને સભામાં લાવ્યા.
સ્વામીએ મહેમદાવાદમાં પોતાને બેચરભટ્ટે ઉતારો આપ્યો હતો તે વાત કરી, શ્રીજીમહારાજ ખુબ રાજી થયા, સૌ સંઘને ઘી સાકરના સીધા અપાવ્યા પછી તે સૌ બપોરે રસોઈ કરતા હતા, તે સમયે મહેમદાવાદના બ્રાહ્મણોએ એવો સંકલ્પ કર્યો કે આપણને મળ્યા તે પદ્મનાભાનંદ સ્વામીના ગુરુ સ્વામિનારાયણ જો ભગવાન હોય, તો અત્યારે વગર આમંત્રણે આપણી રસોઈ જમવા આવશે, આવો સૌએ મનમાં સંકલ્પ કર્યો, સૌએ રસોઈ તૈયાર કરી.
મહારાજ પોતાને ઉતારે હતા, ત્યારે પાર્ષદોને કહ્યું કે ચાલો આપણે ફરવા જવું છે, એમ કહીને ઘોડે બેસીને ચાલ્યા જ્યાં મહેમદાવાદનો સંઘ હતો ત્યાં આવ્યા. સૌ બ્રાહ્મણો જમવાની તૈયારી કરતા હતા ત્યાં આવીને મહારાજે ઘોડેથી ઉતરીને જમવાનું માગ્યું અને સૌએ ખુબ હેતથી મહારાજને જમાડ્યા, મહારાજ પણ ખુબ સ્નેહથી તેમનું પીરસેલું ભોજન જમ્યા અને વાતો કરી આવી મહારાજની મધુર વાણી સાંભળીને તેઓએ મહારાજનો ભગવાનપણાનો દ્રઢ નિશ્ચય કયો.
બેચરભટ્ટ વળાદરા બ્રાહ્મણ નાતના આગેવાન અને વહેવારે સુખી હતા, મહેમદાવાદનો સત્સંગ થયો તેમાં તેમનો ખુબ ફાળો છે, તેવા જ વળાદરા બ્રાહ્મણ નાતના બીજા આગેવાન દુર્લભરામ હતા, તે ખુબ ધનાઢ્ય હતા, કોઈ કારણસર તેમને બેચરભટ્ટ સાથે અણબનાવ થયો આથી મહેમદાવાદના સત્સંગમાં પણ વિક્ષેપ થયો, તેની જાણ થતા મહારાજ મહેમદાવાદ પધાર્યા, પ્રથમ બેચરભટ્ટને મળ્યા, અને દુર્લભરામ સાથે સમાધાન કરવા કહ્યું, ત્યારે બેચરભટ્ટે કહ્યું કે આપની આજ્ઞાથી હું દુર્લભરામના જોડા માથે ચડાવીને માફી માગું, પછી મહારાજે દુર્લભરામને બેચરભટ્ટની માફી માગીને સમાધાન કરવા કહ્યું અને બેચરભટ્ટની પાઘડી હાથમાં લઈને માફી માંગવા કહ્યું, પણ દુર્લભરામે તેમ કરવાની પણ સાફ ના પાડી, પછી સમય જતા તેમના ઘરે વહેવારીક પ્રસંગ આવતા નાતના આગેવાનોની માગણીથી દુર્લભરામે બેચર ભટ્ટ ઘરે જઈને હાથ જોડીને માફી માગવી પડી પરંતુ બેચરભટ્ટ તો નિર્માનપણે તેમને હાથ જોડીને પ્રણામ કરીને નમ્યા, અને તેમના વહેવારમાં પણ ભળી ગયા આવા એ ભક્ત હતા. (હરિચરિત્ર ચિંતામણી ભાગ ૩ વાત ૧૭૪)
આવા આવા આજ્ઞા પાલક અને નિર્માની ભક્તને સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ શ્રી ભક્ત ચિંતામણીમાં પ્રકરણ ૧૨૧ કડી ૧૭ મા ગાયા છે કે…
મોટા ભક્ત છે મહેમદાવાદ, ભજ્યા હરિ ને તજી ઉપાધ..! દ્વિજ ભક્ત કહીએ ધનેશ્વર, દુર્લભરામ ને ભકત બેચર..!!
- શ્રી ભકતચિંતામણિ ના મુકતોના ચિંતન માંથી… 🙇🏻♂️🙏