ગઢપુરમા શ્રીહરિના સમર્પિત પાર્ષદોમા એક હમીર ભગત હતા. જેમની સરળતા, નિસ્પૃહીપણુ, સેવા ને નિર્માનીભાવ જોઇને શ્રીહરિ ઘણા રાજી થતા.

Gujarati

ગઢપુરના હમીર ભગત અને શ્રીજી મહારાજના થીગડાવાળા વસ્ત્રો

ગઢપુરમા શ્રીહરિના સમર્પિત પાર્ષદોમા એક હમીર ભગત હતા. જેમની સરળતા, નિસ્પૃહીપણુ, સેવા ને નિર્માનીભાવ જોઇને શ્રીહરિ ઘણા રાજી થતા.

હમીર ભગત દરબારમાંથી ફાટેલા વસ્ત્રોના ટુકડાઓ લઈને તેને સાંધીને તેનું વસ્ત્ર બનાવીને તેઓ પહેરતા, કદી પણ નવું વસ્ત્ર આપે તો પણ પહેરતા નહી. તે સમયે શ્રીગોપીનાથજી મહારાજના મંદિરનું બાંધકામ ચાલતું, ઘેલામાંથી પથ્થર કાઢવા, પથ્થર માથે ઉપાડીને લાવવા, માટી લાવવી, ચૂનો પીસીને તૈયાર કરવો, કડિયાને મદદ કરવી આવા ઘણા મહેનતવાળા કામો સૌ કરતા હતા. આથી સંતો-પાર્ષદોના લૂગડાં સાવ ફાટી ગયા હતા. તે એક વખત સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રીજીમહારાજ પાસે બેઠા હતા, ત્યારે સૌ આ કામ કરવાવાળા સંતો મહારાજના દર્શને આવ્યા, તેઓની સાથે આવેલા સૂર્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના કાનમાં સર્વે સંતો અને પાર્ષદોના વસ્ત્રો સાવ ફાટી ગયા છે, અને પહેરવા જેવા પણ નથી રહયા, આ વાત ધીરેથી અંગતમાં કહી. જેવા સર્વે સંતો પાર્ષદો ગયા, મહારાજે મુક્તાનંદ સ્વામીને શું વાત થઇ તે બાબતે પૂછ્યું, મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે સેવા કરનારા સર્વે સંતો ભક્તોના લૂગડાં સાવ ફાટી ગયા છે, તે એ વાત કરતા હતા. મુક્તાનંદ સ્વામીની વાત સાંભળીને મહારાજ કાંઈ ન બોલ્યા, પણ ઉદાસ થઇ ગયા. થોડીવાર પછી મહારાજે હમીર ભગતને તેડાવ્યા, તેના વસ્ત્રો ઘણા થીગડાંઓવાળા, ઘણી જગ્યાએ સાંધેલા પરંતુ ધોયેલા હતા, હમીર ભગત પાસેથી તેના ફાટેલા તૂટેલા કપડા માગ્યા, ભગતે ખુબ રાજી થઈને વસ્ત્રો મહારાજને આપ્યા. બીજે દિવસે મહારાજ હમીર ભગતના આપેલા ફાટેલા, થીગડાઓવાળા, કપડાના ટુકડાઓમાંથી સાંધીને બનાવેલા કપડા પહેરીને દાદાના દરબારના ચોકમાં રેતી પાથરેલી હતી ત્યાં એક બાજોઠ મંગાવીને તેની ઉદાસ થકા ઉપર બેઠા, આવી રીતે દર્શન આપતા મહારાજની આજુબાજુ સર્વે સંતો હરિભક્તો પણ આવીને બેઠા, મહારાજ કોઈ સાથે કાંઈ બોલે નહીં, અને સાવ ઉદાસ થઇ બેસી રહયા, આમ મહારાજને ઉદાસ જોઈને સૌ દિલગીર થયા. પરમહંસોએ હાથ જોડીને પ્રાર્થના કરી, ત્યારે મહારાજે કહ્યું કે હું ભક્તોએ પ્રેમથી અમને ધરાવેલ વસ્ત્ર આભૂષણ હુ પહેરું છું, તે જોઈને આ સર્વે પરમહંસો ફાટેલા વસ્ત્રો પહેરીને નિસ્પૃહી વર્તમાન રાખવાને બદલે, નિસ્પૃહી દાવો પડતો મૂકીને સારા વસ્ત્રો માંગવાનું મન થાય છે, હું તો સતસંગીઓના રૂડા વાસ્તે તેમની પૂજા અંગીકાર કરું છું, પણ મારા સુખને વાસ્તે નથી ગ્રહણ કરતો, પરમહંસોને તો નિસપ્રેહીપણું રાખવું એ મુખ્ય ધર્મ છે, સર્વે સંતોએ હાથ જોડીને પોતાની ભૂલ કબુલ કરી, મહારાજની આજ્ઞા પ્રમાણે જ નિસપ્રેહીપણું રાખવાની પ્રતિજ્ઞા લીઘી. તે સમયે ત્યાં ઘણા દેશાવરના ભક્તો પણ દર્શન કરવા માટે આવ્યા, તેઓએ આ પ્રસંગ નિહાળ્યો, સંતોના કપડા સાવ જર્જરિત હતા તે પણ જોયું. શ્રીજીમહારાજની આજ્ઞાથી ભક્તોએ જેના ફાટેલા ધોતિયાઓ હતા. તે સર્વે પરમહંસોની પૂજા કરી, નવા ધોતિયા ઓઢાડયાં, આ રીતે મહારાજને પણ રાજી કર્યા, આ સૌ ભક્તોને મહારાજે કહ્યું આ સંતો તો આ બ્રહ્માંડના નથી, તેનું દર્શન તો બ્રહ્માંદિકને પણ દુર્લભ છે, તો પણ કેવા વર્તમાન રાખે છે ! હું તેમના ઉપર બહુ રાજી છું, પરંતુ સમયે સમયે ટકોર કરાવી પડે છે, એવો આ લોકનો ઢાળો છે. એમ કહીને મહારાજ સૌ પરમહંસોને ભેટીને મળ્યા. આમ, એ દિવસે શ્રીહરિએ પાર્ષદ હમીરભગતના જુના વસ્ત્રો પહેરીને સંતોને ઉપદેશ દેવા સારુ ચરિત્ર કર્યું. (ગઢપુર લીલા - ચરિત્ર ૩૪)

ભક્ત ચિંતામણી પ્રકરણ ૧૧૨ કડી ૧૮ પાર્ષદ હમીર ભગતને યાદ કર્યા છે કે… ભક્ત ભાણો હમીર ભણી જે, ઉમોજી ઉભો ભક્ત ગણીજે…! રવોજી રતનજી ગંભીર, લાખો કસલો ભીમ હમીર..!!

  • શ્રી ભકતચિતામણીના મુક્તો ના ચિંતનમાંથી…

🙇🏻‍♂️🙏