ગામ બોચાસણ વડતાલથી ખંભાત તરફ ૨૯ કિમિ ના અંતરે આવેલું છે. બોચાસણના મુકતરાજ કાશીદાસભાઈ પટેલ જેણે ચરોતર પ્રદેશના સત્સંગ પ્રવર્તનમાં ખુબ મોટો ફાળો આપ્યો છે.
Gujarati
બોચાસણના કાશીદાસ પટેલ અને મહારાજની પ્રભુતા
ગામ બોચાસણ વડતાલથી ખંભાત તરફ ૨૯ કિમિ ના અંતરે આવેલું છે. બોચાસણના મુકતરાજ કાશીદાસભાઈ પટેલ જેણે ચરોતર પ્રદેશના સત્સંગ પ્રવર્તનમાં ખુબ મોટો ફાળો આપ્યો છે. કાશીદાસ પટેલના ભગવાનના નિશ્ચયના દ્રઢપણાની વાત શ્રીજીમહારાજે ગઢડા મધ્ય પ્રકરણના વચનામૃત ૫૯ માં કરી છે, કે “( આવા ભક્તને ) ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહિ, તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું ? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહિ, અને તેની દ્રઢતા તો જેવી નાથભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી, કે જેવી હિમારાજ શાહની હતી કે જેવી કાશીદાસની છે કે જેવી ભાલચંદ્ર શેઠની હતી કે જેવી દામોદરાની છે, એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. આવા એ પરમએકાતિંક ભક્તરાજ હતા. નીલકંઠ વર્ણી વેશે વિચરતા મહારાજ બોચાસણ પધાર્યા, કાશીદાસને ઘેર થોડું જમ્યા, રાત્રે ગામને પાદર બાવાની મઢીમાં રાત રોકાયા, સવારે જતા રહ્યા ! કાશીદાસે આર્ત હૃદયે પ્રાર્થના કરી ત્યારે “પછી આવીશ “ એમ આકાશવાણી દ્વારા કહ્યું ! સત્સંગ ધુરા ધારણ કરીને સત્સંગમાં વિચરણ કરતા સ્વામિનારાયણ ભગવાન સંતો પાર્ષદો સાથે બોચાસણ પધાર્યા, કાશીદાસજીને સમાધિ કરાવીને પોતાનો ભગવાનપણાનો નિશ્ચય દ્રઢ કરાવ્યો. (હ. લિ કળશ-૫ વિશ્રામ-૧૯ કડી ૧) આમ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય થતા કાશીદાસ પોતાનું ડમણિયું (નાનું બળદ ગાડું ) લઈને પોતાના સગાસંબંધીઓના ગામોમાં જઈને ઘણા લોકોને સત્સંગી કર્યા, ચરોતર પ્રદેશના વડતાલ અને વડતાલ નજીકના ઘણા ગામોનો સત્સંગ પણ કાશીદાસ દ્વારા થયેલો છે. કાશીદાસજી તમાકુની ખેતી અને તમાકુનો વેપાર પણ કરતા, આમ તમાકુના વેપાર નિમિત્તે અવાર નવાર ગઢડા આવતા, ગઢડામાં ખુબ સમય રોકાતા. હજી કેમ રોકાયા તેમ કોઈ પૂછે, તો કહે ‘હજી માલ વેચવાનો છે,’ જો બધો માલ વેચાઈ ગયો હોય તો એવું બહાનું બતાવે કે ‘ હજી ઉઘરાણી બાકી છે,’ આમ ખુબ સમય સંતોની સાથે ગઢડામાં રોકાય, આવા સંત સમાગમના હેતવાળા હતા. કાશીદાસના પ્રેમને વશ થઈને સ્વામિનારાયણ ભગવાન પણ ક્યારેક પોતાની ‘ પ્રભુતા ‘ દેખાડી દેતા !
એકવાર હરિજયંતીના સમૈયા ઉપર સંતોના સમૂહ દાદાના દરબારમાં પધાર્યા, ધામધૂમથી સમૈયો થયો, તે વખતે કાશીદાસ ગઢપુર આવ્યા હતા, તેમને એવો સંકલ્પ થયો કે આ સૌ સંતોને મહારાજ પોતાના હાથે ખુબ પીરસીને જમાડે, આમ નક્કી કરીને લખુ કંદોઈને જેટલો માગ્યો તેથી વધારે સામાન લાડુ બનાવવા આપ્યો, સવારની રસોઈ માટે મોડી રાત્રે લખુ કંદોઈ લાડુ ભરેલા મોટા મોટા કડાયા લાવ્યા, સવારે જમનારા ૫૦૦ સંતોની પંક્તિ થઇ, કડાયાઓમાં ભરેલા લાડુ ગણતરી કરીને જોયું ત્યારે લાડુ તો માત્ર ૧૦૦૦ જ હતા ! તે જાણીને કાશીદાસ ખુબ જ દિલગીર થઇ ગયા, મહારાજે કાશીદાસ પર હાથ મૂકીને આશ્વાસન આપ્યું કે તમારો મનોરથ પૂરો થશે ! એમ કહીને લાડુ ભરેલા તે કડાયાઓ પર ધોતિયા ઢંકાવી દીધા, પીરસનારા સંતો તેમાંથી ત્રાંસ ભરી ભરીને મહારાજને આપવા લાગ્યા, પ્રથમ વખત પંક્તિમાં પીરસતા મહારાજ બંને હાથમાં બબ્બે લાડુ લઈને દરેક સાધુના પત્તરમાં ચાર ચાર લાડુ મુકતા જાય, તે જોઈને કાશીદાસ અકળાયા કે આ લાડુ તો અડધી પંગતે પણ માંડ પુરા થશે ! પરંતુ મહારાજે તો પંક્તિમાં બેઠેલા ૫૦૦ સંતોને દરેકના પત્તરમાં ચાર ચાર લાડુ પીરસી દીધા ! મહારાજ બીજી વખત પીરસવા પધાર્યા ત્યારે દરેક સંતના પત્તરમાં બબ્બે બબ્બે ત્રણ ત્રણ લાડુ પીરસ્યા, ત્રીજી વખત એક એક બબ્બે લાડુ પીરસ્યા, પછી આગ્રહ કરી કરીને કોઈને એક કોઈને અડધો એમ દરેક સંતોને ખુબ આગ્રહ કરી કરીને જમાડ્યા, ગણતરી કરતા લગભગ ૫૦૦ સંતોને દરેકને લગભગ નવ નવ લાડુ કરતા વધારે જમાડ્યા ! સૌ સંતોને પીરસીને મહારાજે હાથ ધોયા અને કાશીદાસને પૂછ્યું ‘ હવે તો તમારો મનોરથ પૂરો થયોને ? ‘ કાશીદાસ આંખમાં આંસુની ધારા સાથે ઉભા રહયા ! મહારાજે કહ્યું “ હવે વધેલા લાડુ ગણી જોજો “ ગણતરી કરીને જોયા તો લાડુ ૧૦૦૧ થયા ! આમ સ્વામિનારાયણ ભગવાને પોતાનું સર્વમંગલ સ્તોત્ર નુ ૫૮૦મું નામ अदभुत्ક્રિયઃ સાર્થક કર્યું !
સદગુરુ શતાનંદ સ્વામીએ મહારાજનું એક નામ कालદोषનિવરક ( જનમંગલ નામાવલીમાં ૫૧મું નામ ) એવું ચિંતવ્યું છે, કાળ એ પૂર્ણપુરુષોત્તમની અમોઘ શક્તિ છે, જે જીવ, ઈશ્વર, માયા એ સર્વેનો ક્ષોભ -નિયંત્રણ - કરે છે, એવા કાળ તેનો ક્ષોભ કોણ કરે ? કાળની ગતિનું નિયંત્રણ તો અક્ષરાધિપતિ જ કરી શકે ! આવી અમોઘ શક્તિ મહારાજે કાશીદાસ માટે એક વખત દેખાડી ! આવા કાશીદાસ ભક્તરાજ હતા. શરુઆત મા કાશીદાસ મહારાજના સત્સંગી થયા તે ઘણા સત્સંગ દ્વેષીઓને ખટકતું હતું, આથી લાગ મળે તો તેને ફસાવીને હેરાન કરવાના ઈરાદાથી ઉપજાવી કાઢેલ ખોટી ઉઘરાણી માટે કાશીદાસજી ઉપર ખેડા અંગ્રેજ અધિકારીની કચેરીમાં કેસ કર્યો, તેમાં સજા થતા કાશીદાસને જેલમાં પુરાવી દીધા, તે જમાનામાં જેલમાં કોઈ સગવડ ન હોય, આથી કાશીદાસને નહાવા ન મળ્યું, ને પૂજા ન કરી શક્યા, આમ કાશીદાસે ત્રણ દિવસ કાંઈ અન્નપાણી ન લીધું, આથી જેલના અધિકારીએ ખેડાની પાસેની વાત્રક નદીમાં પાંચ સાત સિપાઈઓની દેખરેખ સાથે કાશીદાસને નાહવા મોકલ્યા, કાશીદાસે નદીમાં ઉતરીને મહારાજનું સ્મરણ કરતા કરતા ખેડાની વાત્રક નદીના પાણીમાં ડૂબકી મારી, આ નદી પ્રમાણમાં નાની અને ઓછા ઊંડાણવાળી છે, નાહવા માટે નદીના પાણીમાં ડૂબકી માર્યાને ઘણો વખત થયો, પણ કાશીદાસ પાણીમાંથી બહાર ન નીકળ્યા ! કાશીદાસ તો જેલના કેદી હતા આથી બધા સિપાઈઓનું કાશીદાસ ઉપર બરોબર ધ્યાન હતું, વાત્રક નદીનું પાણી પણ એવું ઊંડું નહોતું કે તેમાં ડૂબેલું માણસ ન દેખાય ! તાબડતોબ ઘણા માણસો દ્વારા દૂર સુધી વાત્રક નદીમાં શોધખોળ કરી, પણ કાશીદાસનો ક્યાંય પત્તો જ ન મળ્યો, આ તરફ ખેડાની વાત્રક નદીમાં નહાતા કાશીદાસે જ્યાં પાણીમાંથી માથું બહાર કાઢ્યું ત્યાં તો ગઢડામાં ઘેલા નદીમાં નીકળ્યા ! કાશીદાસ તો ભીના કપડે દાદાના દરબારમાં આવ્યા, કપડાં બદલીને કોઈ જાતના સંકલ્પ વિકલ્પ વિના સભામાં બેસી ગયા, મહારાજે પણ કાશીદાસને કાંઈ ન પૂછ્યું, થોડા દિવસ થયા ત્યારે મહારાજે કાશીદાસને કહ્યું કે ‘ હવે તમે તમારે ગામ જાઓ ‘ એટલે કાશીદાસે કહ્યું કે હું ત્યાં જાઉં તો તો તરત મને જેલમાં પુરી દેશે, ત્યારે મહારાજ કહે ‘ તમે નિઃશંકપણે જાઓ ! હવે કાંઈ નહિ થાય,’ કાશીદાસ ગઢડાથી તેમના ગામ બોચાસણ આવ્યા. આ તરફ ખેડામાં જેલના અંગ્રેજ અધિકારીએ વાત્રક નદીમાં, કાશીદાસના કુટુંબીઓના ઘરે વગેરે દરેક સ્થળે ખુબ શોધખોળ કરાવી, કાશીદાસનો કે તેના મૃત શરીરનો ક્યાંય પત્તો ન લાગતા ખેડાના કોર્ટના અધિકારીએ કાશીદાસને “ મરણ પામેલા ‘ જાહેર કરી દીધા ! આમ કોર્ટ દ્વારા મરણ પામેલા વ્યક્તિ જાહેર થયા હોવાથી તેમની સજા માફ કરી દીધી ! હવે કાશીદાસ બોચાસણમાં આવ્યા, તે જાણીને તેના વિરોધીઓએ સરકારને જાણ કરી, પરંતુ સરકારે કહ્યું કે તેમને તો મરણ પામેલા જાહેર કરીને સજા માફ કરી દીધી છે ! આવી कालદोषનિવરક એવી અમોઘ શક્તિ મહારાજે આવા ભક્તરાજ માટે વાપરી ! (હરિચરિત્ર ચિંતામણિ ભાગ ૩ વાત ૯૬) આવા ભક્તોને નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં પ્રકરણ ૧૨૨ની કડી ૫૦ માં ગાયા છે.
પટેલ ભક્ત કાશીદાસ સારો, રામદાસ પૃભુજી ને પ્યારો..! વેરીભાઇ કાછીયો કેવાય, એહ જન બોચાસણ માંય..!!
- શ્રીભકતચિંતામણીના મુક્તો ના ચિંતન માંથી…
🙇🏻♂️🙏