એકવાર ગઢપુર મા શ્રીહરિ ઓત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલીયે બેઠા હતા. એ સમે જીવાખાચર આવ્યા ને શ્રીહરિને પગે લાગીને બોલ્યા.
Gujarati
ગઢપુરમાં મંદિરનું મુહૂર્ત અને દાદાખાચરનું સમર્પણ
એકવાર ગઢપુર મા શ્રીહરિ ઓત્તરાદા બારના ઓરડાની ઓસરીએ ઢોલીયે બેઠા હતા. એ સમે જીવાખાચર આવ્યા ને શ્રીહરિને પગે લાગીને બોલ્યા કે મહારાજ..! કાલ્ય તમે આયા મંદિર કરવાનો સંકલ્પ કર્યો તે સરંજામ એકઠો કરવાનુ ચાલુ કર્યું કે? શ્રીહરિ કહે કે જીવાબાપુ, હજુ તો એ બધુય કાય ચાલુ કર્યું નથી. જીવાબાપુ એ આમ બેત્રણ દિવસ શ્રીજીમહારાજ ને ઉપરા ઉપરી પુછપરછ કરી એટલે મહારાજે દાદાખાચર ને લાડુબા-જીવુબા ને બોલાવી કહ્યુ કે ભાવનગરથી લોઢા નો સામાન વગેરે મંગાવીએ ને મંદિર નુ કામ શરુ કરાવીએ. દાદા ખાચર કહે કે હે મહારાજ..! આપ લાધા ઠક્કર ને કહો તો એ ભાવનગર થી બધુય લાવવા ની વ્યવસ્થા કરે. શ્રીહરિ એ દિવસે સભા મા લાધા ઠક્કરને બોલાવ્યા ને કહ્યું કે જીવાખાચર બેચાર દહાડા થી કહ્યા કરે છે તો મંદિર નુ કામ શરુ કરીએ..! ત્યારે જીવાખાચરે ફરીને કહ્યું કે મહારાજ મંદિર શરુ કરાવો..! એમ કહીને ઉઠ્યા. સભા મા શ્રીહરિ કહે કે જુઓ જીવાખાચર ને મંદિર કરાવવાની કેવી તાણ્ય છે…! ત્યારે લાધા ઠક્કર કહે કે મહારાજ તમે એની પાહે જમીનનો લેખ પેલા કરાવો..! જીવાખાચર તો જેમ ગાડાનું પૈડું ફરે એમ ફરી જાય એવા છે. ત્યારે શ્રીહરિ કહે કે એતો બોટાદ ના હેમાશાં ને ભગાદોશી જેવા પૃતિષઠીત છે તો નહી ફરે..! ત્યારે સમજુ લાધા ઠક્કર બોલ્યા કે મહારાજ મને તો એમનો વિશ્વાસ આવતો નથી, તમે પેલા એની પાહે સાક્ષીએ સહિત લખાણ કરાવરાવો, પછે આપડે સામાન ભાવનગર થી મંગાવીએ. શ્રીહરિ કહે કે લાધા ઠક્કર તમે વિવેક ની વાત્ય કરી, કાલે જીવાબાપુ આવે ત્યારે તમે કાગળ ને પેન તૈયાર રાખજો, એ સમયે આપણે લખાણ કરીશુ. બીજે દિવસ શ્રીહરિ ઢોલીયે બેઠા હતા ને જીવાબાપુ આવ્યા પગે લાગીને બેઠા ને મંદિર સારુ સામાન મંગાવ્યા નુ પુછયુ ત્યારે શ્રીહરિ કહે કે આ લાધા ઠક્કર પેન ને કાગળ લાવ્યા છે તો પેલા જમીન નો લેખ કરીએ ને પછે વસ્તુ સામાન મંગાવવા નુ શરુ કરીએ ને..! જીવાખાચર બોલ્યા કે મહારાજ આજે રેવા દ્યો, કાલે કરીશુ..! સભા પુરી થઇ એટલે સહુ ઉઠ્યા એટલે લાધા ઠક્કર મહારાજ ને બોલ્યા કે હવે કાલે જોજો જીવાબાપુ તમને કેવોક લેખ કરી આપે છે..! શ્રીહરિ કહે કે જીવાબાપુ સભા મા બોલ્યા છે તો લેખ કરી જ આપશે ને..! બીજેદિવસે વળી સભા થઇ તે શ્રીહરિએ ફરીને જીવાબાપુને મંદિરની જમીન નો લેખ આજે કરવા યાદ કરાવયુ ત્યારે ફરી ને જીવાબાપુ બોલ્યા કે આજે રેવા દ્યો કાલે બંધાની હાજરી મા કરી લેશું. આ સાંભળી શ્રીહરિ કહે કે તમો કાલે કીધેલું એટલે થયું કે આજે લેખ લખી લઇએ..! એટલે જીવાખાચર કહે કે મહારાજ..! અમારે બીક-બકોર હોય ત્યારે દરબારગઢ ધીંગાણે કામ આવે..! બીજે ક્યાંક મંદિર કરો..! એમ મર્મ મા વાત કરીને મંદિર કરવાની ના કહી. શ્રીહરિએ લાધાઠકકર ની બુદ્ધિને વખાણી ને કહ્યું કે એને માણહ પારખતા આવડે છ. સભા ઉઠીને સૌ સૌને સ્થાને ગયા ને શ્રીહરિ અક્ષરઓરડી એ પધાર્યા. થોડીવારે બોટાદ ના ભગા દોશી, સોમલો ખાચર ને લોયા થી સુરાખાચર, સારંગપુર થી જીવાખાચર, કારીયાણીથી વસ્તાખાચર વગેરે આવ્યા તા એ બધા અક્ષરઓરડી એ આવ્યા ને ઓસરીમાં શ્રીહરિને પગે લાગીને સૌ બેઠા. સુરાખાચર બોલ્યા કે મહારાજ..! તમે લોયા પધારો ને મંદિર જેટલી જોઇએ એટલી જમીન ને મારો દરબારગઢ સાધુને રહેવા ખાલી કંરુ. વસ્તાખાચર કહે કારીયાણી મા કરો, જીવાખાચર કહે સારંગપુર કરો, અમારે લીંબડીનુ રાજ છે એટલે કોઇખટપટ નથી. એમ વાતો થતી હતી ત્યાં શ્રીહરિ કહે હાલો ગાડું જોડો, એમ કરીને ગાડે બેઠાને હાલ જયા ગણપતિનું દેરું છે ત્યાં પહોંચ્યા. એટલી વાર માતો લાડુબાં ને ખબર પડતા દોડ્યા ને દાદાખાચર ને કહે કે ભાઇ..! શ્રીહરિને તો જીવાખાચર સારંગપુર લઇ જાય છે ને હવે ત્યાં મંદિર કરશે માટે તુ એમને રોક ને આપણે મંદિર આહી જ કરાવીએ. દાદાખાચર તો દોડ્યા ને ગાડા આગળ સુઇ ગયા. ગાડું હાકનાર ને શ્રીહરિ કહે કેમ ગાડું રોક્યું તો ગાડાખેડુ કહે કે દાદાખાચર રસ્તા મા સુતા છે. ત્યારે શ્રીહરિ કહે કે ગાડું થોડુ આઘેરાક થી હાંકો તો ત્યાં આવી આડા દાદાખાચર સુતા. શ્રીહરિએ કહ્યું કે આજ તો અમે સારંગપુર જાશુ ને ત્યાં જ મંદિર કરશુ. આ સાંભળીને દાદાખાચર ચોધાર આંસુએ રડવા મંડ્યા, તેમનું હૈયું ભરાય ગયું. દોડીને શ્રીહરિને બથભરી ગયા ને રોતા રોતા બોલ્યા કે મહારાજ..! તમને ઠીક લાગે તો આ ગઢની ટોચ ઉપર મંદિર કરો, સરકાર મા લડીને હુ એ લખાવી આપુ. આખાયે દરબારગઢ મા તમને જયા ઠીક લાગે ત્યાં મંદિર કરો, મારા ઓરડા પાડીને મંદિર કરો, આ આખાયે દરબારગઢ મા કાકા ના જેટલો જ મારોય ભાગ છે. પણ તમે કાયમ આહી રહો. આવો ભાવ સોમલોખાચર બોલ્યા કે હે મહારાજ..! દાદાખાચર રાજી થાય એમ કરો ને આહી રોકાવ. શ્રીહરિએ ગાડું પાછું વળાવ્યુ ને ગઢપુર માંજ દખણાદાં બાર ના ઓરડા પડાવીને ત્યાં સારુ મુહૂર્ત જોવરાવી ને પોતાના હાથે જ મંદિરનું કામ શરુ કરાવયુ.
- શ્રીહરિચરિત્ર ચિંતામણિમાંથી… 🙇🏻♂️🙏