સુરેન્દ્રનગર ના પાટડી પાસેના રામગ્રી ગામે આંબાભાઇ પટેલ ના દિકરા ગોપીભાઇ ને કેશવજી સંતોના યોગે શ્રીહરિના આશ્રીત થયા હતા.
Gujarati
રામગ્રીના ગોપીભાઇ અને કેશવજીની સત્સંગ ખુમારી
સુરેન્દ્રનગર ના પાટડી પાસેના રામગ્રી ગામે આંબાભાઇ પટેલ ના દિકરા ગોપીભાઇ ને કેશવજી સંતોના યોગે શ્રીહરિના આશ્રીત થયા હતા. બેઉ ભાઇઓ ખેતીવાડી કરતા પણ નાની મોટી આજ્ઞાઓ નુ ધ્યાન રાખી ને નખશીખ પંચવર્તમાન પાળતા. બાજુના ગામ ઇંગરોડીમાં એમના કોઇ સગાએ એના પિતાના કારજ સારુ સૌ સગાઓને નાતમાં મેલો મોકલાવ્યો પણ રામગ્રી ગામે ગોપીભાઇ ને કેશવજીને કાગળ મોકલ્યો એમા લખ્યું હતું કે ટીલાળા હોય એ અમારા બાપના કારજમાં નો આવે. કેશવજીએ કાગળ વાંચતા જ મોટાભાઇને કહ્યું કે આપડે કે આપડા ઘરનો કોઇએ આની ન્યા કારંજમાં નથી જાવુ કારણ કે એણે ટીલાળા કહીને આપણને આવવાની જ ના કહી છે. ઘરના કોઇ ઇંગરોડી ન ગયા.
નાતિલાઓ એ કારજના જમણવાર માં કોણ કોણ આવ્યું છે એ તપાસ કરી તો ખબર પડી કે આ બેઉ ભાઇ રામગ્રી થી આવ્યા જ નથી એ જાણીને નાતે કાગળ લખી ને તેડાવ્યા પણ બેઉ ભાઇઓ ન આવ્યા એટલે નાતના મોટેરાઓએ માણસ મોકલીને બેઉ ને ઇંગરોડી તેડાવ્યા. ગોપીદાસ ને કેશવજી બેઉ ભાઇઓ આવ્યા. ત્યારે મોટેરા નાતિલાવ બોલ્યા કે, તમે બેઉ આ તમારા સગાના કારજ મા કેમ ન આવ્યા ? ત્યારે ગોપીભાઇ કહે કે અમને મેલાનો કાગળ લખ્યો એમા કીધુ હતું કે ટીલાળા હોય એ ન આવે તો અમે ન આવ્યા. એમ કહીને કાગળ નાત્ય ના મોટેરાઓને બતાવ્યો. નાત્ય ના મોટેરા કહે કે તમે બેઉ ભાઇ જમી લ્યો..! ત્યારે બેઉ ભાઇ ખુમારી થી બોલ્યા કે અમારે જમવું નથી પેલા તમે બધા એ સમજાવો જે અમે સત્સંગી થયા ને ધર્મનિયમ પાળીએ છીએ એમા અમારો શો વાંકગૂનો તે કાગળ મા આમ લખ્યું ? અમને એ ચોખવટ કરો પછે જ અમે તો જમીશું..! ને હવે થી કોઇએ આખી નાત્ય મા કોઇને પણ આવું ન લખવુ એવો પ્રતિબંધ કરો પછે જ અમે જમીશું. કોઇ સ્વામિનારાયણ નો આશ્રિત સત્સંગી થાય તો એની કંઠી ન તોડાવવી કે કોઇના ધર્મ નિયમ મા અડચણ નો કરવી એ બધા નક્કી કરો તો જ જમીએ..! બાકી અમે નાત્ય બહાર રહેવા પણ તૈયાર છઇએ.
નાતિલા બધાય આગેવાનો ને મનમા થયું કે આવા ધાર્મિક માણસો ને આપણી નાત્ય માથી બહાર ના મુકાય, આવા સારા નિર્દોષ માણહ નો દ્રોહ કરીશુ તો આપણ ને પણ પાપ લાગશે, એટલે એ નાત્ય ના મોટેરા ઓએ ઇંગરોડી ના કણબીને કાગળમા ટીલાળા લખવા બદલ ઠપકો દીધો.
પછે ખાતરી આપીને સૌએ ગોપીદાસ ને કેશવજી ને જમવા બેસાર્યા ત્યારે બેઉભાઇઓ રાજી થયા ને જમવા બેઠા.
- સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામી ની વાતો માંથી… 🙇🏻♂️🙏