एक વખત ભગવાન સ્વામિનારાયણ ગામ જેતલપુરમાં બિરાજમાન હતા. એકાદશીના પારણામાં બારસના દિવસે શ્રીજીમહારાજે આખા જેતલપુર ગામના થાળ જમવાની જાહેરાત કરી.

Gujarati

જેતલપુરના જીવણ ભક્ત અને મઠનો રોટલો

એક વખત ભગવાન સ્વામિનારાયણ ગામ જેતલપુરમાં બિરાજમાન હતા. એકાદશીના પારણામાં બારસના દિવસે શ્રીજીમહારાજે આખા જેતલપુર ગામના થાળ જમવાની જાહેરાત કરી. સર્વે ભક્તો નો સમુદાય હર્ષ ઘેલો બની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવા લાગ્યો, જેવી શક્તિ તેવી ભક્તિ એમ બાઇઓ એકબીજાને ઘરેથી ઉછીની ચીજો લાવીને પણ વાનગીઓ બનાવવા લાગ્યા.

બહારગામથી કોઈ માણસે આવી પ્રશ્ન કર્યો, ભાઈ…! આ બધા આટલા બધા દોડધામમાં કેમ છે…? કાંઇ નવાજૂની છે..? કોઈએ કહ્યું કે બીજું તો કાંઈ નથી પણ આવતીકાલે બારસ ના પારણા છે, અને ભગવાન સ્વામિનારાયણ આખાયે ગામના થાળ જમવાના છે. એની આ બધા તૈયારી કરે છે. આવો અવસર તો ક્યારે મળે..? મહાપ્રભુ આજકાલ આપણા ગામ જેતલપુર માં બિરાજે છે. આવા વાતાવરણમાં પટેલ જીવણભાઈના મોઢા ઉપર જરાક દુઃખ છવાઈ ગયું. અમારે પણ મહારાજને જમાડવા છે પણ શ્રીહરિને શું ધરાવીએ…! પટેલ ઘરે ગયા, પટલાણીએ પટેલનું મોઢું જોઈ ને કળી ગયાં અને કહ્યું તમે ચિંતા ન કરશો, આપણે પણ આવતીકાલે થાળ બનાવી ને શ્રીહરિને જમાડીશું. પટેલ કહે કે વિચાર તો કર, આપણા ઘરમાં છે શું..? છોકરા ભૂખ્યા ટળવળે છે. થાળ માટે સીધા યોગ્ય વસ્તુ ક્યાંથી લાવીશું ?. પટલાણીએ કહ્યું તમે ચિંતા ન કરો. ઘરમાં શેર મઠ પડ્યા છે. એને હમણાં દળીને લોટ બનાવું છુ. અને તમે ખેતર-વગડામા જઇને ડોડીની ભાજી વીણી આવો. જીવણ પટેલ બોલ્યા કે હા…! પણ મોટા શ્રીમંતો ત્યાં સોનાની થાળીઓમા થાળ લઇને આવતાં હશે. આમા આપણા થાળ ની ગણતરી શું હોય. અરે ! ભગવાન તો ભાવના ભુખ્યા હોય છે. દુર્યોધનના પકવાન મુકી ને શ્રીકૃષ્ણ વીદુરની ભાજી જમ્યા હતા. વળી ભગવાન રાઘવ પણ ગરીબ શબરીના એઠા બોર જમ્યા હતાં. ભગવાન તો ભક્તના ભાવના ભૂખ્યા હોય છે, સાચી ભાવનાથી પ્રભુને રોટલો જમાડીશું મને આશા છે પ્રભુ જરૂર આપણા ભાવને સ્વીકારશે.

જીવણ ભક્ત પ્રભુનું સ્મરણ કરતાં કરતાં ખેતર-વગડામાંથી ડોડી લઈ આવ્યા. પટલાણીએ ભગવાનની મૂર્તિ યાદ કરીને શેર મઠ ઘરમાં હતા તે દળીને તેના રોટલા બનાવ્યા, ડોડીની ભાજી બનાવી ને તાંહળી મા દહી પીરસીને થાળ તૈયાર કર્યો.

ભગવાન શ્રી સ્વામિનારાયણ બારસ ની વહેલી સવારે નિત્યકર્મમાંથી પરવારી ભક્ત સમુદાય ના થાળ જમવા માટે દેવસરોવર ને કિનારે પ્રાચીન મહોલ પર છત્રી માં બિરાજમાન થયા. પરમહંસો અને ભક્તો થી વીંટળાયેલા પ્રભુ સુંદર શોભતા હતા. કોઈ ભક્તોના હાથ માં સોનાની થાળી, કોઈના હાથમાં ચાંદીની, કોઈ ભક્ત પિત્તળની થાળી લઈ, પોતપોતાની શક્તિ પ્રમાણે પકવાનો લઈ મહોલની વાટે ચાલ્યા. ભક્તોનાં મનની અંદર આનંદ સમાતો નથી. “અંતર્યામી ભગવાન સ્વામિનારાયણે જીવણ ભક્તની ભાવના ની પરાકાષ્ટા જોઈ લાઈનમાં ઉભેલા જીવણભાઈને પાસે આવવા બોલાવ્યા.” બધાની વચ્ચે જીવણ ભક્ત સંકોચાતા સંકોચાતા, ધીમા ધીમા શ્રી હરિ પાસે આવે છે હજારો હરિભક્તોને દેખતા પ્રભુએ નીચે ઉતરી સામેથી જીવણ ભક્ત ના હાથ માંથી થાળી લઈ ખોળામાં રાખી મઠ નો રોટલો તથા ડોડીની ભાજી પ્રભુ જમવા લાગ્યા.

તેમાં રહેલી મીઠાશ અને પ્રેમની પ્રશંસા કરવા લાગ્યા. ઘણા શ્રીમંત લોકો અવાક બની ગયા. જલેબી, મેસુબ, મોહનથાળ, ઘેબર વગેરે પકવાનો પાછળ રહી ગયા. લોકો વિચારવા લાગ્યા કે ઓહો..! અમને ખબર નહોતી કે શ્રીહરીને મઠ ના રોટલા બહુ ભાવે છે, વ્યર્થ માં પકવાનો બનાવવાનો પરિશ્રમ કર્યો. જમતા જમતા રોટલા નો ચોથો ભાગ બાકી રહ્યો ત્યારે શ્રીહરિને સોમલા ખાચર અને સુરા ખાચરે કહ્યું કે હેમહારાજ..! આજ અમને આ થાળનો પૃસાદ મળશે કે? ત્યારે શ્રીહરિ કહે કે આજે તમને આમાંથી પ્રસાદી નહીં મળે. ત્યારે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી સખા ભાવે એમ બોલ્યા, કે મહારાજ રોટલાનો સ્વાદ તો જે જમતા હોય એ જાણે, તમે એમનમ વખાણ કરો એ અમને ખબર ના પડે ને..! એના હારું તો અમને ચખાડવી પડે પ્રસાદી. પછી તો સંતો ભક્તો બધા કહેવા લાગ્યા, પ્રભુ અમને પણ પ્રસાદી આપો. પછી રોટલાની પ્રસાદી ભગવાન સ્વામિનારાયણે બધા ને થોડી થોડી આપી.

જેતલપુરમાં આવી રીતે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત જીવણ ભક્ત નું નામ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે.

સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ગાયું છે કે….

“સખી ઉપરને રંગ રાચે નહીં, દંભ દેખી રે, રહે દયાળુ દુર કે, ભુદર ભુખ્યો છે ભાવ નો”

  • આદર્શ ભકતગાથામાંથી….

🙇🏻‍♂️🙏