સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરા બીરાજતા હતા. એકદિવસ સ્વામી સભામા હરિભક્તોને શ્રીહરિના ચરિત્રો કહેતા હતા.

Gujarati

વડોદરામાં નાથભકત અને સાંઇઠ કેદીઓનો ઉદ્ધાર

સદગુરુ ગોપાળાનંદ સ્વામી વડોદરા બીરાજતા હતા. એકદિવસ સ્વામી સભામા હરિભક્તોને શ્રીહરિના ચરિત્રો કહેતા હતા એ વખતે નાથભકત આવ્યા ને બોલ્યા કે સ્વામી, કાયસ્થ હરિભક્ત મીસ્ત્રીલાલ બહુ માંદા છે તો આપ દર્શન આપવા પધારો એવી એમની ઇચ્છા છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી નાથભકત સાથે મીસ્ત્રીલાલ ને દર્શન દેવા એમના ઘરે પધાર્યા ને કહ્યું કે બે દિવસ મા શ્રીહરિ તમને ધામમાં તેડી જાશે. શ્રીહરિનુ ભજન કરજો એમ કહી સ્વામી સંતો સાથે પાછા આવવા નીસર્યા એ વખતે સંતો રસ્તે ચાલતા કિર્તનો ગાતા હતા. આ સાંભળીને ચબુતરા જેલના કેદીઓએ પોતાની કોટડીની ખુલ્લી બારીની જાળી એ કિર્તનો સાંભળ્યા એટલે ત્યાં થી ઉચા અવાજે સ્વામી ને નમો નારાયણ કહ્યા ને અરજ કરી કે, સ્વામી તમે અમને જેલમાંથી છોડાવવા કૃપા કરો ને? સ્વામી રસ્તે ઉભા રહ્યા ને બોલ્યા કે આ નાથભકત કાલ તમારા સાથે કેદી થશે ને તમને જેલમાંથી છોડાવશે ને લખચોરાશી માથી પણ છોડાવશે. તમે બધા ભગવાન સ્વામિનારાયણ નુ ભજન કરજ્યો. આમ કહી સ્વામી પોતાને ઉતારે પધાર્યા.

બરાબર એજ દિવસે સરકારે બધા સરકારી મહાલો ને વહીવટદારો ને હૂકમ કર્યો કે સ્વામિનારાયણ ના મૂંડીયાવ ને શહેર મા રહેવા ફરવા દેશો નહી ને કાઢી મુકજો ને ન જાય તો એમને કેદ કરજયો. સરકારે પાંઢરા બાળૂભાં નામના અમલદાર ને હૂકમથી કહ્યું કે શહેરમાંથી બધાય બાવાને કાઢી મૂકો.

બીજેદિવસે સદગુરુ ગોપાળાનંદ સ્વામી નાથભકતના ફળીયા પાસે ચોકમાં સભા કરીને વાતો કરતા હતા ત્યાં બાળૂભાં ઘોડે ચડીને આવ્યો ને બોલ્યો તે તમે બધાય બાવાઓ શહેર છોડીને જાતા રહેજો નહીતર કેદ કરીશુ. ત્યારે સ્વામી કહે કે આ નાથભકત અમને વારે વારે તેડી લાવે છે, એટલે અમે આવીએ છીએ માટે એને પેલા કેદ કરો. આ સાંભળી ને બાળૂભાંએ નાથભકત ને ચબૂતરાની જેલ મા કેદ કર્યા.

એ સમયે કલાલી ગામના હરિભક્તો ગાડી લઇને સ્વામી ને તેડવા આવ્યા એટલે સ્વામી વડોદરે થી કલાલી એ પધાર્યા.

નાથભકત તો જેલના એ સાંઇઠ કેદીઓને ભગવાનના મહીમાની વાતો કરવા માંડ્યા એટલે એ કેદીઓની બુદ્ધિ પવિત્ર થઇ. બધાયે સરકાર તરફથી ખાવાનું મળતુ એનો ત્યાગ કરીને ઉપવાસ કરવા શરુ કર્યા. ત્રીજે દિવસે સર્વના ઉપવાસથી શ્રીહરિ અકળાયા ને જેલમાં મુળજી બ્રહ્મચારી સાથે દર્શન દીધા ને પ્રસાદ જમવા આપ્યો, ત્યારે નાથભકત કહે કે હે મહારાજ..! ત્રણ દિવસ થી નાહ્યા નથી ને પૂજા પણ બાકી છે.

ત્યાતો શ્રીહરિના ડાબા પગની તચલી આંગળીએથી ગંગાજળની ધારા વહેતા સૌએ સ્નાન કર્યું. શ્રીહરિએ ખોબો ભરીને સૌ ઉપર જળ વર્ષા કરતા સૌના પાતક નાશ પામ્યા. નાથભકત બોલ્યા કે હે હરિ..! નિત્યપુજા બાકી છે એટલે જમાશે નહી. ત્યારે શ્રીહરિ કહે કે અમારી પૂજા કરી એમા તમારે બધીય પૂજા આવી ગઇ. છતાં નાથભક્ત અડગ રહ્યાં. તે શ્રી હરિએ બ્રહ્મચારી ને પૂજા લેવા મોકલ્યાં. તે પૂજા કરી. મહારાજ કહે તમારા જેવી દ્રઢ ભકિત કોઇને નથી એમ કહી ને રાજી થયા.

શ્રીહરિ નાથભકત ને ભેટ્યા ને કપાળે ચંદનની અર્ચા કરી, નાથભક્તને પ્રસાદ જમાડ્યો. બધાય સાંઇઠ કેદીઓને પણ જમાડ્યા ને ફુલોના હાર પેરાવ્યા ને ચરણારવિંદ આપીને અંતર્ધાન થઇ ગયા. નાથભકતને સર્વે કેદીઓ તો જેલ મા ઉચ્ચસ્વરે ધૂન્ય કરવા લાગ્યા એ સાંભળીને ચોકી પહેરાવાળો ત્યાં ગયો ને એણે વાત દિવાનજી ને કરી. દિવાને તપાસ કરાવવા બાળૂભાંને નાથભકત ના ઘરે મોકલ્યો તો ત્યાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી સભા કરીને કથા કરતા દીઠા ને સભા મા નાથભકત ને સાંઇઠ કેદીઓ પણ બેઠેલા દીઠા, બાળૂભાં ઘોડા દોડાવીને જેલમાં તપાસ કરવા ગયો ત્યાં પણ સાંઇઠ કેદીઓ સાથે નાથભકત ને ધૂન કરતા દીઠા. બાળૂભાં તો અતિ આશ્ચર્ય પામ્યો એટલે એ તુરંત જ સરકાર ની કચેરી ગયો ત્યાં પોતે નજરે દીઠેલ વાત કરી, એટલે સરકારે કહ્યું કે ગોપાળાનંદ સ્વામી ને તો કલાલી ગામના પાટીદાર ગાડી લઇને તેડવા આવેલા એટલે એ ત્યાં ગયા હતા, બાળૂભાં તમે કલાલી ગામે તપાસ કરો..! બાળૂભાં તરત જ મારતે ઘોડે કલાલી ગામે ગયા તો ત્યાં પણ સ્વામી સંતમંડળ ને નાથભકત ને કેદીઓ સહિત સભા મા કથા કરતા હતા એવું જોયું. બાળૂભાં ને આવ્યા દેખીને નાથભકતે પોતાના ગળામાં શ્રીહરિએ પહેરાવેલ હાર હતો એ અભણ બ્રાહ્મણ ને પહેરાવ્યો તો એ યજુર્વેદ ની ઋચા ઓ બોલવા મંડ્યો. બાળૂંભા ને મહાઅચરજ થયું. પોતે માફી માંગી ને સ્વામી ને પગે પડ્યો. નાથભકત બોલ્યા કે શ્રીહરિના દ્રઢ આશ્રયના પ્રતાપે ભગવાનના સંતો-ભક્તો પણ આ બધુ કરવાને સમર્થ છે.

બાળૂભાં એ સરકારમાં કહેવડાવીને સાંઇઠ કેદીઓને મુક્ત કરાવ્યા ને અઢીસો રુપિયા રોકડા આપીને બધાને પાઘડી બંધાવી.

આમ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ઐશ્વર્ય બતાવીને બાળૂંભા ને નિશ્ચય કરાવ્યો ને સાંઇઠ કેદીઓને જેલમાંથી છોડાવીને શ્રીહરિના ચરણે લીધા.

  • શ્રી સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણિ માંથી… 🙇🏻‍♂️🙏