મેઉ ગામ અમદાવાદથી આશરે ૬૨ કિમિ ના અંતરે ગોઝારીયા નજીક આવેલું છે. જ્યારે મેઉ ગામનું નામ સાંભરે એટલે તરત મેઉના ભૂખણ ભાવસાર યાદ આવે જ !
Gujarati
મેઉના ભૂખણ ભાવસાર અને શ્રીજી મહારાજ
મેઉ ગામ અમદાવાદથી આશરે ૬૨ કિમિ ના અંતરે ગોઝારીયા નજીક આવેલું છે. જ્યારે મેઉ ગામનું નામ સાંભરે એટલે તરત મેઉના દ્રઢ નિશ્ચયવાળા અને પ્રેમીભક્ત ભૂખણ ભાવસાર યાદ આવે જ ! તેમનું ખરું નામ ભૂષણભાઈ ભાવસાર હતું, પરંતુ તે સત્સંગમાં ભૂખણ ભાવસાર નામે ઓળખાય છે, તેમણે સત્સંગની અને શ્રીજીમહારાજની ખુબ સેવા કરી છે, શ્રીજીમહારાજે તેમના ઘરે ઘણી લીલાઓ કરી છે. એકવખત સંતો ભક્તો સાથે શ્રીજીમહારાજ લાંઘણોજ હતા, ભૂખણ ભાવસારે મેઉ ગામથી ભક્તો સાથે લાંઘણોજ જઈને મહારાજને પોતાને ત્યાં મેઉ પધારવા પ્રાર્થના કરી, ભક્તોનો ભાવ જોઈને મહારાજ મેઉ ગામે પધાર્યા, ભૂખણજીએ મહારાજને પોતાને ઘરે જમવા પધારવા પ્રાર્થના કરી, શ્રીજીમહારાજ તેમનો પ્રેમ જાણતા હતા, આથી તેમને આજ્ઞા કરીને કે “ જો તમે અમને દાળ રોટલા જમાડવાના હો તો અમે જમવા આવીએ, પરંતુ તમે મેવા મિષ્ટાન્ન જમાડવાના હો તો નહિ આવીએ “ ઘણા દિ‘ની હૈયામાં છે હામ , કરો પૂરણ પૂરણકામ…! ભાવ જોઈ બોલ્યા ભગવાન , તમે ન કરશો પકવાન્ન…! કરો રોટલા અને દાળ, તો જ જમશું તમારો થાળ…! કદી કરશો જો મીઠાઈ તમે, કહું છું નહિ જમીએ અમે..! આમ મહારાજની આજ્ઞા મેળવીને ભૂખણ ભાવસાર ઘરે આવ્યા, પરંતુ મનમાં એમ થાય કે મહારાજને રોટલા દાળ જ કેમ જમાડાય ? ને મહારાજની આજ્ઞા પણ કેમ લોપાય ? ત્યારે તેના મનમાં એક સરસ વિચાર આવ્યો કે…! પ્રેમ ભર્યો કર્યો દૂધપાક, માલપૂડા ને સુરણનું શાક…! તળ્યાં ભજીયા વિવિધ ભાતે, કમી રાખી નહિ કોઈ વાતે..! શ્રીજીમહારાજ પધાર્યા, મુળજી બૃહ્મચારીએ થાળ તૈયાર કરીને મહારાજને પીરસ્યો, ત્યારે થાળ જોઈને મહારાજે કહ્યું કે…! કહ્યું તેવું કર્યું નથી કેમ ? સુણી ભૂખણ બોલ્યા છે એમ…! નથી વચનનો લોપ મેં કીધો, ધોળી દાળ ને રોટલો દીધો…! અમારે એવો રિવાજ છે આય, આને રોટલા દાળ કહેવાય…! પકવાન્ન એને ન પરઠે કોઈ, ધોળી દાળ કહે સહુ કોઈ…! આમ કહીને ભુખણજી નિર્માનભાવે દંડવત કરવા લાગ્યા ! મહારાજ આવા પ્રેમી ભક્તનો ભાવ જોઈને થાળ જમ્યા ! જે થાળમાં મહારાજ જમ્યા હતા તે ઝરમરનો થાળ આજે પણ તેમના વંશજો પાસે છે જેના દર્શન કરાવે છે. (પુરુષોતમ ચરિત્ર પુષ્પગુચ્છ ૬ પુષ્પ ૪૯ કડી ૨૩-૪૧) મહારાજ એક વાર રાતે ભૂખણભાઈના ઘરે પધાર્યા, અને તેમની ડેલીની સાંકળ ખડાવીને બૂમ મારી, ભુખણજી ઉતાવળા આવ્યા અને ડેલી ઉઘાડી ત્યાં તો પોતાના પ્રાણપ્યારા મહારાજને જોયા અને ત્યાંજ જમીન ઉપર દંડવત કરવા લાગ્યા ! આજે એ ડેલી અને તે સાંકળ મેઉમાં તેમના ઘરે દર્શન આપે છે. તેના પુત્રની પત્ની પ્રેમાળ, તેને અવતર્યું એવું બાળ…! હાથ પગના અંગ ન કોઈ, રૂંઢ મૂંઢ સજીવન જોઈ…! શું કરવું ન સૂઝે ઉપાય, જોઈ સહુ ચિંતાતુર થાય…! આને પાલવવું કેવી રીતે, એમ રાત દિવસ ઉપાધિમાં વીતે…! જેને હાથ, પગ કોઈ અંગ જ નથી એવા આ બાળકનું શું કરવું ? આને કેમ જીવાડવું ? આમ ઘરના બધા ઉપાધિ કરે છે, પણ ભુખણજી તો નિરાંતે મહારાજનું ભજન કરે છે તે બાળક જન્મથી હજુ ૬ વાહા નું (દિવસનું) જ હતું ત્યારે મહારાજ મેઉ ભૂખણજીના ઘરે પધાર્યા ભૂખણભાઈ ખુબ આનંદમાં આવી ગયા ! પોતાના પત્નીને બાળક મહારાજના ખોળામાં મુકવા માટે આપવા કહ્યું. ગયા ભૂખણ ભુવન માય, નિજ પત્નીને કહ્યું છે ત્યાંય..! લાવો બાળક હાથમાં મારા, બાઈ કહે ઉભા રહેજો બારા…! નથી લાજ શરમ તમારે, નાનું બાળક ન કઢાય બહારે…! હજુ છ વાહાનો છે ટેટો, નથી કળાતું બેટી છે કે બેટો…! કહે ભૂખણ ભોળી તું થામાં, ઝટપટ તું આપ ખોળામાં…! તારા વાહાનો જે કરનારો, તે તો ઘેર આવી બેઠો છે બારો…! એના કામોરાની જે કસૂર, મારે એને જણાવવી છે જરૂર…! ધણી પાસે કરાવું કબૂલ, કીધા વિના ન સુધારે ભૂલ…! ભૂખણજી તે બાળક સૂપડામાં નાખીને મહારાજ પાસે લાવ્યા, હસીને મહારાજને કહ્યું “હે મહારાજ ! આ તમારા કામોરા, જીવોના દેહને બનાવનારા આ બ્રહ્માની કેવી ભૂલ થઇ છે તે જુઓ ! બાળક તો મહારાજ સામે જોઈને મલક્યું ! મહારાજ પણ બાળક સામે જોઈને મંદ મંદ હસ્યા ! મહારાજ તો જાણતા હતા કે આ જીવે આગળ જન્મોમાં બહુ જ ક્રૂર કર્મો કર્યા છે, તેના કર્મોના ફળ સ્વરૂપે આવો દેહ મળ્યો છે તો પણ આ ભક્ત ઉપર દયા કરીને તેના હાથ પગ બનાવી દીધા ! તેનું બાળકનું નામ ઝમકુબાઈ હતું, તે અવારનવાર માથે ઘીના ઘડા માથે લઈને ગઢડે મહારાજને જમાડવા જતા. આવા પરમભક્ત ભૂખણ ભાવસાર ને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ના પ્રકરણ ૧૧૯ કડી ૬૨માં ખુબ સ્નેહથી યાદ કર્યા છે કે…. ભક્ત ભૂખણ મનછારામ, તુલસી ભગો ભાવસાર નામ..! હરિજન એક જ્ઞાનબાઇ, એહાદિ જન રહે મેઉંમાંઇ…!!
- શ્રીભકતચિંતામણિના મુક્તો ના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏