ગામ કરજીસણ ના ગોવિંદભાઇ પટેલ પરમ એકાંતિક ભક્તરાજ હતા. કરજીસણ ગામમાં મહારાજે ખુબ લીલાઓ કરીને તીર્થરૂપ બનાવેલ છે.
Gujarati
કરજીસણના ગોવિંદભાઇ પટેલ અને શ્રીજી મહારાજની લીલા
ગામ કરજીસણ ના ગોવિંદભાઇ પટેલ પરમ એકાંતિક ભક્તરાજ હતા. કરજીસણ ગામમાં મહારાજે ખુબ લીલાઓ કરીને તીર્થરૂપ બનાવેલ છે, બૃાહ્મણ ભક્ત નાનાભાઈનો કૂવો જે છે તેમાં શ્રીજીમહારાજ ખુબ નાહ્યા છે. એક વાર મહારાજ કુવામાં ધુબાકો મારીને નહાવા પડયા, ઘણી વાર થઇ તો પણ બહાર ન આવ્યા, સૌ ચિંતા કરવા લાગ્યા, ત્યાં થોડીવાર કેડે મહારાજ નીકળ્યા, સૌ પૂછવા લાગ્યા કે હે મહારાજ..! કેમ આટલીવાર થઇ ? એટલે મહારાજે કહ્યું કે એક ભક્તને તેડવા ગયા હતા. તે કૂવાના કાઠે એક ઓરડી હતી તેમાં મહારાજ રહેતા, ત્યાં ભક્તોની સભા થતી, આ કુવામાં મહારાજે ગંગાજીને તેડાવેલ, તે સમયે ગંગાજી પાણીના ધસમસતા પ્રવાહ રૂપે કુવામાંથી આખા ગામમાં ફેલાયેલા તેના સૌ ગામલોકોએ દર્શન કરેલ.
પરમભકત ગોવિંદભાઇ પટેલે દંઢાવ્ય દેશમાં સત્સંગ પ્રવર્તન કરાવવા માટે ખુબ મોટું કાર્ય કરેલ છે, તે પોતાનું ઘરકામ કે ખેતીનું કામ હોય તે છોડીને મહારાજની આજ્ઞા હોય તે કામ પહેલા કરતા. એક વાર શ્રીજીમહારાજ કરજીસણમાં ગોવિંદભાઇના ઘરે પધાર્યા, ત્યારે ગોવિંદભાઇ તો કોઈને સત્સંગ કરાવવા બીજે ગામ ગયેલા, ને મોસમ ટાણુ હોવાથી ખેતરમાં બાજરો પાકી ગયો હતો ! આથી ગોવિંદભાઇના ખેતરનો બાજરો ભક્તવત્સલ એવા શ્રીજીમહારાજે સંતો અને પાર્ષદો પાસે લણાવ્યો હતો ! (પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા ગુચ્છ ૬ પુષ્પ ૬૨).
એકવખત મહારાજે કરજીસણમાં જન્માષ્ટમીનો ખુબ મોટો ઉત્સવ કરેલો, ગામના સત્સંગીઓએ મહારાજની આજ્ઞાથી ઉત્સવની તૈયારી કરી, મહારાજ પધાર્યા, આખી રાત ખુબ કીર્તનો ગાઇ ને રાસ લીધા, સૌ ભક્તોએ આખી રાત ખુબ પરિશ્રમ કરીને રસોઈ તૈયાર કરી, મોડીરાતે રાસ ઉત્સવ પૂરો થતા રાતે જ મહારાજે સૌને પંક્તિ કરીને જમાડી દીધા. મહારાજની આજ્ઞા મુજબ સૌ સત્સંગીઓએ જ્યા રસોઈ બનાવેલ તે જગ્યા ની સંપૂર્ણ સાફ સફાઇ કરી નાખી અને રસોઈ થયાના કોઈ નિશાન પણ ન રહેવા દીધા, રસોઈના વાસણો પણ ધોઈને ઠેકાણે મૂકી દીધા, રસોઈ કરેલ તે ચુલાઓ પણ ન રહેવા દીધા ! વહેલી સવારે શ્રીજીમહારાજ સૌ હરિભક્તો સાથે ગોવિંદભાઈને લઈને ડાંગરવા જતા રહ્યા, એ વખતે એક સત્સંગના દ્વેષી અદેખા ભાઈએ આજુબાજુના ગામના ઘણા લોકોને બીજે દિવસે બપોરે ગોવિંદભાઈને ઘરે જમવાના નોતરાં આપ્યા હતા, તે મહારાજ જાણતા હતા આથી બપોરે નોતરાં દીધેલા તે લોકો જમવા આવ્યા, પણ ત્યાં તો રસોઈ થયાની કોઈ નિશાની જ ન દેખાણી,એટલે બધા લોકો ખિજાઈને જેણે નોતરાં આપ્યા હતા તેને ગોતવા નીકળ્યા કે અમને આમ ખોટા ખોટા જમવા માટેના નોતરાં શા માટે આપ્યા, આથી તે નોતરાં આપનાર ડરીને બીજે ગામ ભાગી ગયો ! આમ પોતાના ભક્તની લાજ ન જાય તે માટે આવી લીલા મહારાજે ગોવિંદભાઈને ઘરે કરી હતી ! આમ સત્સંગીને હેરાન કરવાના ઈરાદાવાળો પોતે જ બદનામ થયો ! ભક્તવત્સલ ભગવાને પોતાના ભક્તોની રક્ષક બની લીલા કરી.
કરજીસણમાં એક દેવીનું મંદિર હતું, ત્યાં દેવી સમક્ષ અવારનવાર પશુના બલિદાનની હિંસા થતી, તે વાત ગોવિંદભાઈએ એકવખત મહારાજને કહી, ને આ નિર્દોષ પશુહિંસા બંધ થાય તેવી પ્રાર્થના કરી. શ્રીજીમહારાજે દેવીને પૃેરણા કરીતો દેવીએ તેના પુજારીને દર્શન દઈને પોતા પાસે કોઈ હિંસા ન કરવા કહ્યું, જો કોઈ હિંસા કરશે તો તેની ઉપર મારો કોપ ઉતરશે એમ કહ્યું, ત્યારથી તે દેવી આગળ હિંસા થવાનું બંધ થયું, જે દેવીનું મંદિર અત્યારે પણ કરજીસણ ગામમાં છે. ગોવિંદભાઈને કોઈ સંતાન ન હતું, ને ગોવિંદભાઈએ દેવી આગળ બલિદાનમાં થતી હિંસા બંધ કરાવી આથી લોકો એવી વાતો કરવા લાગ્યા કે ગોવિંદભાઇને દેવી નો કોપ છે, માટે તે વાંઝિયો છે, ગામના સત્સંગી નહોતા તેવા તેમના કુટુંબીઓએ પણ ખુબ તેમના પત્નીને કઠોર શબ્દોથી મેણાં ટોણા માર્યા, આથી ઉદાસ થઈને ગોવિંદભાઇ અને તેના પત્નીએ ઘરસંસાર છોડીને મહારાજની સેવામાં જવાનું વિચારીને ગઢડે મહારાજ પાસે ગયા,ત્યાં શ્રીજીમહારાજને આવીને સર્વ હકીકત કહી કે હવે અમારે સંસાર છોડીને આપની સેવામાં રહેવું છે, શ્રીજીમહારાજે તેમને ઘરે પાછા મોકલ્યા, મહારાજના આશીર્વાદે ગોવિંદભાઈને મોટી ઉંમરે પણ ચાર પુત્રો થયા સૌથી મોટા ત્રિકમભાઇ પછી રણછોડભાઇ, નારણભાઇ અને ત્રિભુવનભાઈ એમ ચાર પુત્રો થયા હતા. આ ચારે ભાઈઓનો વંશ દેશાવરોમાં વસે છે અને ખુબ સારો સત્સંગ રાખે છે, હાલ અમદાવાદમાં મેમનગરમાં ગુલાબ ટાવર નજીક આવેલ સોસાયટીમાં તેના એક વંશજનું કુટુંબ રહે છે તેમને રૂબરૂ મળીને આ વાતની ખરાઈ કરેલ છે.
સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્તોને ભક્ત ચિંતામણીના પૃકરણ ૧૧૯ ની ૬૮મી કડી મા ગાયા છે કે…
કણબી ભક્ત છે ભવાનીદાસ, તજી કસળજી એ જૂઠી આશ..! ગોવિંદજી જાદવજીભાઇ, બાઇઓમાં છે મીઠીબાઇ બાઇ..!! દ્વિજભકત મોટા નાનોભાઇ, જેની ન કહી જાયે મોટાઇ..! ક્ષત્રીભકત છે વખતોભાઇ, એહ ભક્ત કરજીસણ માંઇ..!!
- શ્રીભકતચિંતામણીના મુક્તો ના ચિંતનમાંથી… 🙇🏻♂️🙏