નિષ્ઠાવાન ત્યાગી હજૂરી પાર્ષદ ઉમાજી આજીવન શ્રીહરિની સેવામાં હતા. એકવખત શ્રીજીમહારાજ વડનગર વિરાજતા હતા.
Gujarati
ઉમાજી પાર્ષદ અને ગવાડાનો ઓટલો
નિષ્ઠાવાન ત્યાગી હજૂરી પાર્ષદ ઉમાજી આજીવન શ્રીહરિની સેવામાં હતા. એકવખત શ્રીજીમહારાજ વડનગર વિરાજતા હતા. ગામ ગેરીતાના ભક્તો મહારાજને પોતાને ગામ પધારવા માટે તેડવા આવ્યા, મહારાજે કહ્યું ભક્તો જુઓ, એક શરત કે તમારે અમારું ધામધૂમ કરીને સામૈયું કરવું નહિ, એમ અમારી આજ્ઞા માનો, તો તમારે ગામ આવીએ. ગેરીતા ગામના સૌ ભક્તો મહારાજ જ્યારે ગેરીતા પધારે ત્યારે સામૈયાની ધામધૂમ ન કરવા કબુલ થયા. શ્રીજીમહારાજ પોતાના પાર્ષદો સાથે ગેરીતા તરફ આવવા નીકળ્યા વડનગરથી ગેરીતા ૨૭ કિમિ થાય. સંતો પાર્ષદોના સંઘ સાથે વડનગરથી ગેરીતા આવતા હતા. રસ્તામાં આવતા ગામોના ભક્તોને પોતાના દર્શનનું સુખ આપતા આવતા હતા. મહારાજ પધારવાની વધામણી આવી ! પોતાના સગાસંબંધીઓને પણ સન્માન પૂર્વક આવકાર આપનારા ગેરીતાના પ્રેમાતુર ભક્તો પોતાના ઇષ્ટદેવ એવા સ્વામિનારાયણ ભગવાનનું સામૈયું કર્યા વિના કેમ રહી શકે ? આથી મહારાજનું સામૈયું કરવા ઢોલ, ત્રાંસા શરણાઈ ધજા વગેરે લઈને તૈયાર થયા, સામૈયા માટે ઢોલ ઢબૂકવા લાગ્યો. શરણાઈના સુર દૂર સુધી રેલાવા લાગ્યા. શ્રીજીમહારાજ ગામની નજીક આવ્યા અને ઢોલ ધમાકા અને શરણાઈના સૂરો સાંભળીને મહારાજે જાણ્યું કે ભક્તોએ તો સામૈયું કરવાની તૈયારીઓ કરી છે, જે શ્રીહરિને ન ગમ્યું ને નરનાટક આદર્યું ને કહ્યું કે અમારે અત્યારે જ નહાવા જવું છે, એમ કહીને ચાલ્યા ! ઉમાજી ધોતિયું લોટો લઈને સાથે લઈને ચાલ્યા. ગેરીતા ગામના સૌ ભક્તો આનંદમાં ગામને પાદર ઊભાછે, પરંતુ મહારાજ તો ખેતરોની વાડોનાં ઓથે દૂર જતા બીજે ગામ ગવાડા (ગેરીતાથી લગભગ ૫ કિમિ) જતા રહયા ! ત્યાં પહોચ્યા ત્યાં સુધીમાં તો દિવસ આથમી ગયો, મહારાજ અને ઉમા ભગત એક વાણિયાની બંધ દુકાનના ઓટલે બેઠા, પણ ભૂખ અને થાક હોવાથી ઊંઘ નહોતી આવતી. મહારાજે ઉમા ભગતને તે દુકાનદાર વાણિયાની પાસે જઈને તેની પાસેથી કાઈ જમવાનું હોય તો લાવવા કહ્યું, પરંતુ તે જૈન હોવાથી કઈ ન આપ્યું, ખિજાઈને કહ્યું કે ચોવીયાર (જૈન ધર્મ મુજબ સાંજનું જમણ) થઇ ગયા છે, માટે હવે કઈ પણ ન ખવાય. વાણિયે ખિજાઈને કહ્યું કે અહીંથી આઘા જાવ ! ધર્મશાળામાં પડ્યા રહો, એમ કહીને ખુબ અપમાન કર્યા. મહારાજે ઉમા ભગતને પછ્યું કે તમારી પાસે કાઈ પૈસા હોય તો ગામમાંથી જો કાંઈ વેચાતું મળે તે લાવો, તો થોડું થોડું કાઈને સુઈ જઈએ. ઉમાભગતે કહ્યું કે મહારાજ, મારી પાસે તો કાંઈ પૈસા નથી. અંતે મહારાજ અને ઉમા ભગતે ભૂખ્યા જ તે વાણિયાની દુકાનના ઓટલે કાંઈ ઓઢ્યા પાથર્યા વિના સુઈ રહયા. રાત્રે વાણિયે ચુપચાપ ઉમા ભગતનું ઓશીકેથી ધોતિયું અને લોટો ચોરી લીધા ધોતિયાના છેડે બાંધેલો અડધો રૂપિયો પણ લઇ લીધો ! સવારે ઉઠીને ભગતે જોયું તો ધોતીયું ને લોટો ચોરાઈ ગયેલ આથી તે દિલગીર થયા અને મહારાજને કહ્યું કે તે ધોતીયાને છેડે તો અડધો રૂપિયો પણ હતો. તે જાણીને નરનાટક ધારી એવા શ્રીહરિ હસ્યા અને ભગતને કહ્યું કે તમે કહેતા હતા કે મારી પાસે કઈ નથી, તો અડધો રૂપિયો ક્યાંથી આવ્યો ? અમે તો જાણતા જ હતા તમારા લોભરુપી દોષ છોડાવવા કશુ બોલ્યા નહોતા. ઉમાભગતે પોતાની ભૂલ બદલ દિલગીર થઈને માફી માગી. આ તરફ ગેરીતા ગામે ભક્તો રાહ જોઈ જોઈને થાક્યા,. ‘ઢોલ ઢબૂકી ઢબૂકીને ધરાયો, રાહ જોઈ સુરજ છુપાયો‘ ભક્તોએ મહારાજ માટે તૈયાર કરેલો થાળ પણ પડ્યો રહ્યો, મહારાજ જમે પછી જ જમવું એવી સમજણવાળા આ ભક્તો પણ કાંઈ જમ્યા નહિ અને સૌ ભૂખ્યા જ રહયા. આખી રાત ગેરીતા ગામના સૌ ભક્તોએ મહારાજને શોધવામાં કાઢી, સવારે ગવાડા ગામે આવ્યા, ત્યાં મહારાજના દર્શન થતા ખુબ રાજી થયા. મહારાજને વિનંતી કરીને ગેરીતા તેડી ગયા, સૌ સંતો ભક્તો અને મહારાજને થોડા દિવસ રોક્યા. આ આખો પ્રસંગ જાણીને બ્રહ્માનંદ સ્વામીએ તે લીલાના કીર્તન કર્યું કે… “નવલ પ્રીતમ ગતિ કો લખે તેરીયા બ્રહ્માનંદ સગુણ ચરિતરમે, મોહ ન વ્યાપે અરજ યેહી મેરિયા…નવલ પૃીતમ…”
શ્રીહરિ એ પોતાના દાસના દોષ ને ટાળવા ચરિત્ર કર્યું ને અપમાન થવા છતાયે ભૂખ્યા આખીય રાત્ય ઓટલે સૂઇ રહ્યા. નિખાલસ ભક્ત ઉમાજીએ પોતાની ભૂલ કબુલ કરીને માંગીને પોતાનું ધાર્યું છોડીને સદાય આજ્ઞામાં રહ્યા. એ સારુ જ તેઓને સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણી ગ્રંથમાં પ્રકરણ ૧૧૨ની કડી ૧૮ માં ગાયા છે કે… ભકત ભાણો હમીર ભણીજે, ઉમોજી ઉભો ગણીજે…!
- શ્રીહરિચરિત્રચીંતામણિ માંથી… 🙇🏻♂️🙏