એકસમયે વડતાલમાં બપોરે શ્રીરામપૃતાપભાઇ ના બંગલામાં શ્રીજીમહારાજ ઢોલીયે પોઢ્યા હતા. શ્રીહરિ મુખારવિંદ ઉપર ચાદર ઓઢી હતી.

Gujarati

પરમજ્ઞાનાનંદ સ્વામી અને દિવ્ય દ્રષ્ટિ

એકસમયે વડતાલમાં બપોરે શ્રીરામપૃતાપભાઇ ના બંગલામાં શ્રીજીમહારાજ ઢોલીયે પોઢ્યા હતા. શ્રીહરિ મુખારવિંદ ઉપર ચાદર ઓઢી હતીને બંને ચરણારવિંદ ઉઘાડા થકા પોઢ્યા હતા ને મુળજી બૃહ્મચારી વીંઝણો નાંખીને પવન નાંખતા હતા. તે સમે નૃસિંહાનંદસ્વામી ને પરમજ્ઞાનાનંદસ્વામી શ્રીજીમહારાજનાં દર્શન કરવા આવ્યા. શ્રીહરિ ને દંડવત કરીને બને સંતો શ્રીજીમહારાજનાં ચરણારવિદમાં સોળ ચિહ્ન છે, તેને નીરખી નીરખી ને અંતરમા ઉતારતા થકા ભાવથી દરશન કરવા મંડ્યા. ત્યારે શ્રીજીમહારાજ મુખારવિંદ ઉપરથી વસ્ત્ર એકતરફ કરીને બોલ્યા કે સાધુરામ..! શું જુઓ છો? ત્યારે નૃસિંહાનંદસ્વામી બોલ્યા કે હે મહારાજ આપના ચરણારવિંદ મા સોળ ચિહ્ન છે, તેનાં દર્શન કરીએ છીએ. ત્યારે શ્રીજીમહારાજ કહે કે સાધુરામ જુઓ..! અમારા એ ચિહ્ને સહિત જો કોઇ ચરણારવિદનું ધ્યાન કરે તો એને સમાધિ થાય. પછી પરમજ્ઞાનાનંદસ્વામીએ પોતે સમાધિની ઇચ્છા રાખીને એમ ધ્યાન કર્યું. તેણે કરીને મહારાજ ના આશીર્વાદ રુપે એ સમયે જ એમને સમાધિ થઈ ને કાંઇક સિદ્ધિઓ પ્રગટી. તે આંહીં બેઠા થકા અક્ષરાદિક ભગવાનનાં ધામ તથા બ્રહ્માદિક સર્વે દેવનાં ધામ, તથા સર્વ જીવ પ્રાણી માત્રના ઘાટ સંકલ્પ તેને જાણતા થઇ ગયા. પોતે પોતાની રીતે સ્વતંત્ર થકા જ કોઇના મનમા પૃવેશ કરીને સંકલ્પો જાણવા મંડયા. તે વાત પરમજ્ઞાનાનંદ સ્વામીએ સદગુરુ ગોપાળાનંદસ્વામીને કહી ત્યારે સ્વામીએ તુરતંજ કહ્યું જે, “તમારું ભૂંડું થાવાનું થયું. જે સર્વના સંકલ્પ જાણવા તેણે કરીને સારા સારા ભગવાનના ભક્તોના અવગુણ આવશે. કેમ કે, રજોગુણને યોગે કરીને તે સમે એના અંતઃકરણમાં મલિન ઘાટ થાતા હોય ત્યારે તમારા મનમાં એમ થાય જે, આ તો મહારાજ વખાણે છે, તેવા સંત કે હરિભક્ત નથી. પછી તમે પણ અવગુણ લઈને તેવા થઈ જાશો ને એ તો ભગવાન સહન કરી શકે, પણ તમારાથી સહન નહિ થાય.” સદગુરુ ગોપાળાનંદ સ્વામીની શીખની આ વાત સાંભળીને પરમજ્ઞાનાનંદસ્વામી ને મનમા મનમા થયું કે આતો ભારે કરી, સત્સંગમા સંતો-ભક્તો નો રાજીપો નહી રહે એમ વિચારતા થકા એમણે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પુછયુ કે સ્વામી…! હવે હુ કેમ કરું.” ત્યારે પછી ગોપાળાનંદ સ્વામી એ પૃસન્ન થઇને ઉપાય દીધો કે “શ્રીજીમહારાજ સર્વ કર્તાહર્તા છે, ને એમણે તમને આ દિવ્ય દ્રષ્ટિ આપી છે તો એમને જ પ્રાર્થના કરો.” પછી પ્રાર્થના કરી જે, “હે મહારાજ ! તમારી મૂર્તિ વિના કાંઈ દેખાય નહિ.” એમ છ માસ સુધી પ્રાર્થના કરી ત્યારે બીજાના ઘાટ સંકલ્પ દેખાતા ટળ્યા.

  • સદગુરુ શ્રી નિર્ગુણદાસ સ્વામી ની વાતો… 🙇🏻‍♂️🙏