પરમ ભકતરાજ મુળુભાઈ બોરીચા બાબરીયાવાડ આહીર સમાજના એક અગ્રણી અને શૂરવીર ભક્ત હતા.
Gujarati
મુળુભાઈ બોરીચા અને રાઘવાનંદ સ્વામીનો પ્રતાપ
પરમ ભકતરાજ મુળુભાઈ બોરીચા બાબરીયાવાડ આહીર સમાજના એક અગ્રણી અને શૂરવીર ભક્ત હતા. જેના જોગથી બાબરિયાવાડ મા સત્સંગમાં ઘણા એકાંતિક ભક્તો થયા છે. ભકતરાજ મુળુભાઈ બોરીચાને સદગુરુ રાઘવાનંદ સ્વામીએ સત્સંગ કરાવ્યો હતો. સૌરાષ્ટ્રના બાબરિયાવાડ પ્રદેશમાં સત્સંગના બીજ રોપાવાની શરૂઆત હતી, તે વખતે બાબરીયાવાડના સમાજના મોટા ભાગના લોકો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોનો તિરસ્કાર કરતા, અપમાન કરતા, મશ્કરી કરતા, ક્યારેક મારઝૂડ પણ કરતા, તેવા સમયમાં જમતગડા સદગુરુ રાઘવાનંદ સ્વામી પોતાના સંતમંડળ સાથે સત્સંગ વિચરણ કરતા કરતા વાવેરા ગામે પધાર્યા. ગામના આગેવાન અને પડછંદ કાયા અને મોટી મૂછોવાળા મુળુભાઈ બોરીચા ડાયરો ભરીને ગામના ચોરે બેઠા હતા, જમતગડા સદગુરુ રાઘવાનંદ સ્વામીનું સંતમંડળ ચોરા પાસેથી પસાર થતું હતું, તે જોઈને મુળુભાઈ અને ડાયરામાં બેઠેલા લોકોએ રસ્તે ચાલતા જતા સંતોની મશ્કરી કરી પરંતુ તે લોકોથી જરાય ગભરાયા વિના દ્રઢતાથી રાઘવાનંદ સ્વામી પાછા વળ્યાં, શ્રીહરિને સંભારતા સ્વસ્થતાથી ચોરાના પગથિયાં ચડીને ડાયરા સામે ઉભા રહીને સૌને રામ રામ કર્યા, રાઘવાનંદ સ્વામીને સામે આવેલા જોઈને મુળુભાઈએ કરડી નજર કરીને સ્વામીને કહ્યું “ બાપુ ! તમે અમારી દેવીની નિંદા કરો છ, અમારા ભુવા-ભગતોને માનતા નથી ! તે શું માતાજી અને ભૂવાઓ ખોટા છ? “
રાઘવાનંદ સ્વામી દ્રઢતાથી અને શાંતિથી ચોરામાં મુળુભાઈ બોરીચા તથા ડાયરાને નિર્ભયતાથી કહ્યું કે “ જુઓ ભાઇ ! અમે કોઈ દેવી કે તેના ભક્તોની કે ભુવાની નિંદા કરતા જ નથી પણ દેવી આગળ જે નિર્દોષ જીવોની હિંસા થાય છે, તે પૃાણીઓની હીંસાનો નિષેધ કરીએ છીએ, સર્વે પ્રાણીઓ અને આપણે સૌ માતાના બાળકો કહેવાઈએ, માતા તો ખુબ જ દયાળુ હોય, તે કોઈનું જરાય દુઃખ ન જોઈ શકે, તેની સામે આવા અબોલ નિર્દોષ પશુઓનો વધ થાય તે માતાને કેમ ગમે ? આવા નિરપરાધી જીવોને મારીને દેવીને ભોગ ધરાવવાનું કોઈ શાસ્ત્રમાં નથી તે વાત જ અમે કહીએ છીએ, આવી વાતો એ નિંદા નથ, ને આ તો સનાતન શાસ્ત્રની વાત્યુ છે,“ આવી ઘણી વાતો સ્વામીએ ખુબ શાંતિપૂર્વક કહી, ત્યાં તો ચોરામાં ઘણા માણસો ભેગા થઇ ગયા, તે સૌને સ્વામીની વાતો ખુબ ગમી, પરંતુ મુળુભાઈ હજી શાંત નહોતા થયા તે પડકારો કરીને સ્વામીને કહ્યું કે “અમારા બે મોટા ભુવા જો તમારી વાત કબુલ રાખે તો હું તમારો શિષ્ય થઇ જાઉં, નહીંતર તમારો કે તમારા કોઈ સ્વામિનારાયણના મૂંડીયાવનો પગ આ અમારા બાબરિયાવાડના બેતાલીસ ગામોમાં પડવા નઇ દઉં“
સદગુરુ રાઘવાનંદ સ્વામી કહ્યું “ અમને કબુલ છે, તમને યોગ્ય લાગે એ ભૂવાઓને ચર્ચા માટે બોલાવો તમતમારે”
મુળુભાઈએ કહ્યું “હું ત્યાં મઢમાં ભૂવા પાસે જાઉં છું, ખબર મોકલું એટલે તમે ત્યાં આવજો “ આ કહીને મુળુભાઈ માતાજીના મઢમાં તે ભુવાઓ પાસે ગયા, ભૂવાઓને ચોરામાં રાઘવાનંદ સ્વામી સાથે થયેલી બધી વાત કરી, પછી કહ્યું કે “આજે તો તમે સૌ એ સાધુ રાઘવાનંદને એવો ચમત્કાર દેખાડો કે એ આપણી નિંદા કરતો બંધ થઇ જાય, પછી તો હુ સ્વામિનારાયણના દરેક મૂંડિયાવનો પગ જ આખાયે બાબરિયાવાડમાંથી કાઢી નાખું “ આ મુળુભાઈના કહેવાથી સૌ ભુવાઓએ તૈયાર થઈને દેવી આગળ ખુબ ધૂપ-ધુમાડા કર્યા, ડાકલા વાગવા લાગ્યા, ભૂવાઓ ધૂતકારીઓ અને હાંકલા પડકારા કરવા લાગ્યા, આ તૈયારીઓ જોઈને મુળુભાઈએ સ્વામીને માતાજીના મઢમાં તેડાવ્યા, સદગુરુ રાઘવાનંદ સ્વામીએ માતાજીના મઢમાં આવીને ભૂવાઓ સામે જેવી નજર કરી ત્યાં તો ભૂવાઓના હંધાય ઓતાર ઉતરી ગયા, અને બધા ભૂવાઓ ઢીલા પડી ગયા ! ડાકલા પણ બંધ થઇ ગયા ! સર્વત્ર શાંતિ થઇ ગઈ ! રાઘવાનંદ સ્વામીએ દેવીને ખુબ પ્રેમથી પ્રણામ કરીને ભૂવાઓને ગંભીર અવાજે જે કહેવું હતું તે બધું કહી દીધું, તો પણ બધા જ ભૂવાઓ સુનમુન થઈને ઉભા હતા. રાઘવાનંદ સ્વામીએ તેઓને પૂછ્યું “ દેવી ભક્તો ! અમે પણ ખુબ માતાજીને માનીએ છીએ, પૂજયભાવ રાખીએ છીએ, માતાજીને ખીર પુરીનું નૈવૈધ ખુબ પ્રેમથી જમાડીએ છીએ” આમ સ્વામીએ કહ્યું પણ કોઈ ભૂવાઓ કાંઈ ન બોલી જ ન શક્યા, સ્વામીએ ભાવથી પ્રણામ કર્યા અને સાથે આવેલા સૌ માણસો સાથે ત્યાંથી વિદાય થયા, રાઘવાનંદ સ્વામી સંતો ને ગામજનો સાથે સાથે ચોરે પાછા આવ્યા.
રાઘવાનંદ સ્વામી મઢથી ચોરે ગયા પછી મુળુભાઈ ભૂવાઓ પર ખુબ ગુસ્સે થયા, ભુવાઓએ મુળુભાઈને હાથ જોડીને કહ્યું “બાપુ ! એ સાધુ રાઘવાનંદને જોઈને જ અમારી શક્તિ સાવ હરાઈ ગઈ હતી ! અમે સાવ તાકાત વગરના પૂતળા જેવા થઇ ગયા હતા, ભગવાન સ્વામિનારાયણ આગળ અમે સૌ નાના પડયા, એમાં અમે શું કરીએ ? “ આ સાંભળીને મુળુભાઈએ ભૂવાઓને એક એક ધોલ કાનહૂરી મા વળગાડી દીધી, ને પછી રાઘવાનંદ સ્વામી પાસે ચોરામાં આવ્યા, સ્વામીના પગમાં માથું મૂકીને કહ્યું કે “ સ્વામી ! મને તમારો શિષ્ય બનાવો “ સ્વામીએ મુળુભાઈને વર્તમાન ધરાવીને સ્વામિનારાયણ ભગવાનને શરણે લીધા ! આવી રીતે ધીરે ધીરે રાઘવાનંદ સ્વામીએ સમગ્ર બાબરિયાવાડ વિસ્તારને સત્સંગના રંગે રંગી નાખ્યા !
પછે તો સમયજતા મુળુભાઈ એવા દ્રઢ સત્સંગી થયા કે તેમના જોગથી ઘણા ભક્તો ભગવાનને શરણે થયા. શ્રીહરિના લાડીલા મુકતરાજ કાળુભાઇ વાવડિયાનું કુટુંબ પણ ભકતરાજ મુળુભાઈને લીધે સત્સંગી થયું હતુ.
-બ્રહ્મનિષ્ઠ સંતો માંથી…. 🙇🏻♂️🙏