શ્રી પુર્ણાનંદ સ્વામી વીરમગામ પાસે હેબતપર નામના ગામમાં દેવજ્ઞાતી ચારણમાં ટાપરીઆ શાખામાં જનમેલ હતા.
Gujarati
ગજો ગઢવી (પુર્ણાનંદ સ્વામી) અને કબાગાંધીનો મેળાપ
શ્રી પુર્ણાનંદ સ્વામી વીરમગામ પાસે હેબતપર નામના ગામમાં દેવજ્ઞાતી ચારણમાં ટાપરીઆ શાખામાં જનમેલ હતા. એમનુ પૂર્વાશ્રમનું નામ ગજો ગઢવી હતું. શ્રીજી મહારાજના પ્રથમ દર્શને જ એમ લોહચુંબક લોઢાને ખેંચે તેવીજ રીતે શ્રીજી મહારાજની પાઘનું છોગું જોતાંજ આ જરૂર પુરૂષોત્તમ નારાયણ છે.” તેવો નિશ્ચય કરી શ્રીજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમનું નામ શ્રીજી મહારાજે પૂર્ણાનંદ આપ્યું. સમયજતા પોતાનું માનનું અંગ હોવાથી સભામા અપમાન થતું જણાતાં દીક્ષા ત્યાગી ફરીને ગજા ગઢવી થયા ને પોતાના ગરાસના ગામમાં રહેવા ગયા. ત્યાં પીતરાઇ ભાઈઓએ ગામ-ગરાસ મકાન વગેરે મિલ્કતનો કબજો નહિં આપતાં પોતે રાજકોટમાં આવી રહ્યા ને ત્યાં બ્રીટીશ ગવર્મેન્ટમાં ન્યાયની અદાલતમાં સ્થાવર મીલ્કતનો કબજો મેળવવા દાદ માગતાં કેસ ચાલતો હતો, એ ચારેક વરસના રહેવાસ દરમીયાન મહાત્મા ગાંધીજીના પિતાશ્રી કબા (કરમચંદ) ગાંધીનો મેળાપ થયો તેઓ પરમ વૈષ્ણવ ભકત હતા તેમનાજ મકાન નજીક પોતે એક નાનો રૂમ ભાડે રાખી ત્યાં રહેતા, મધ્યાને એક વખત જ જમતા, મોડી રાત્રે મકાનની સાંકળ બંધ કરી શ્રીજીનાં પદો સરોદામાં ગાતા એ કબાગાંધી એ સાંભળતાં, તેઓ પણ કોઈ કોઈ વખતે તેમના પાસે સાંભળવા જતા હતા.
એક રાત્રે કચ્છી કાફીઓ સ્વામીએ ગાઈ…. કે કહાનસે નેડો કહાનસે નેડો, લાગ્યો મને કહાનસે નેડો, એ પદ સાંભળતાં કબાગાંધી બહુજ રાજી થતાં બીજે દિવસે પોતે રાજ મહેલમાં ગયા ત્યારે રાજકોટના સગીરરાજા બાવાજીરાજ ઠાકોર સાહેબના માતુશ્રી પણ પરમ વૈશ્નવ હતાં તેમની પાસે ગજગઢવી બહુજ ઉત્તમ કૃષ્ણપદો ગાય છે તેમ વખાણ કરતાં તેમને દરબારમાં કીર્તનો સંભળવા માટે તેડી લાવવા આજ્ઞા કરી. ગજા ગઢવી એ વખતે કારભારી સાહેબની વાત સાંભળી ને બોલ્યા કે “ગૃહસ્થાશ્રમમાં ત્યાગીના ધર્મ પાળું છું. તેથી સ્ત્રીઓના સામે બેસી હું કીર્તનો નહિં સંભળાવી શકું તેમ ગજાગઢવીએ સાફ ના પાડી ને ખુલાસો કર્યો કે, “જો મને મારી જાગીર મકાન પાછાં મળશે તો ગૃહસ્થાશ્રમ કરીશ નહિં તો ધોળે લુગડે ત્યાગીના ધર્મપાળી જીંદગી વીતાવીશ,” સાંભળી કબાગાંધીને તેમના પ્રત્યે માન થયું તેઓ મહા મુત્સદી હોવાથી રસ્તો કાઢયો કે “દરબારગઢમાં બાં સાહેબ પરમવૈષ્ણવ ભકત હોવાથી ત્યાં હવેલી બનાવી છે ને ઠાકોરજી બીરાજે છે. તેમના સામે બેસી તમો કીર્તન ભકિત કરો અને આડા ચક (પડદો) બાંધી તેમાં આપતા ના કીર્તનો બાં સાહેબ સાંભળશે. આપની પાસે કોઈ સ્ત્રીઓ ત્યાં નહિ આવે, માત્ર અમીર ઉમરાવ ભાયાતો આદી અમો પુરૂષ વર્ગ ત્યાં બેસીશું” ઠાકોરજી પાસે કીર્તન કરવામાં હરકત નથી તેમ કબુલી બીજે દીવસે ચાર વાગે શીગરામ ગાડીમાં કબાગાંધી તેડવા આવતાં પોતે ત્યાં ગયા. અને હવેલીમાં શ્રી ઠાકોરજીનાં દર્શન કરી પોતાના સરોદાના તારો ચડાવી કીર્તન બોલવું શરૂ કર્યું કે, “સહજાનંદસ્વામી રે, પ્રગટત ન આ સમેરે, તો પ્રાણી કોઈ પામત નહિ ભવપાર”, એમ ગાતાં ચકમા (પડદામાં) થી બાં સાહેબ ઉતાવળે અવાજે બોલ્યાં કે.” સહજાનંદસ્વામી પ્રગટ ન થયા હોત તો શું કોઈ જીવનો ઉદ્ધાર ન થાત ?” એ સાંભળી ગજા ગઢવી પોતાને માનનું અંગ હોવાથી ગાવું બંધ કરી સરોદાના તારો ઉતારી, ઉતારે જવા ઉભા થયા, તે જોઈ બાં સાહેબ આદી સહુને પસ્તાવો થયો અને વીનવવા લાગ્યાં તેથી ગજા ગઢવી કહે કે “જે મુખ ભગવાન સ્વામિનારાયણના સન્મુખ બેસી કીર્તનો ગાતું તે મુખ આજ સ્ત્રીઓની સભાને કીર્તનો સંભળાવે છે તેનો મને ખેદ થાય છે. આ મનખા ને ધિક્કાર છે.” તેમ કહી પોતાના ગાલ ઉપર પોતાના હાથથી એક તમાચો માર્યો આ દ્રષ્ય જોઈ સહુ અકળાણા પછી ઘણી ઘણી વિનતી કરી બાં સાહેબ ને કબા ગાંધી એ મના કરી હતી છતાં પોતે જે શબ્દો બોલ્યાં તેની માફી માગી અને કીર્તનો સંભળાવવા વિનંતિ કરી છતાં એક તો પોતે ચારણ મહાત્મા ને માનની મૂર્તિ હોવાથી એકના બે ન થયા અને તુરંત સરોદો બગલમાં નાખી ચાલતા થયા. દરબારશ્રી એમની ઇશ્વર પૃત્યેની ટેક જોઇને બહુજ રાજી થયા અને જામશાહી કોરી ૧૦૧ એક સો એકને એક સફેત બનાતનો શિરપાવ આપ્યો સાથે કહેલ કે “હું કોઠી બંગલે જાઈશ ત્યારે તમારા કેસની ભલામણ સાહેબને કહીશ” તે પછી શીગરામ ગાડી લઈ ઉતારે આવ્યા હતા.
લોધિકા દરબારશ્રી પરમભકતરાજ અભયસિંહજીની ભલામણ થયા પછી કેટલાક માસ પછી તેઓનો કેસ ચાલતાં તેમને તેમને જાગીર મકાનો મળતાં તે હેબતપુર રહેવા ગયા, ત્યાં જઈ હરિમંદિર ચણાવી મૂર્તિ પધરાવી અને ગ્રહસ્થાશ્રમ કરતાં તેમને નારણદાન નામના એક પુત્ર થયા. ગજાગઢવી અહરનીશ મંદિરમાં રહેતા અને શ્રીજીનું ભજન કરતા દેહ મેલવા વૃદ્ધાવસ્થા વખતે એક રાત્રે શ્રી બ્રહ્માનંદસ્વામી આદી ઘણાક સંતોનાં દર્શન થયાં ને કહ્યું કે ચાલોધામમાં અમેં તેડવા આવ્યા છીએ? તે સાંભળી ગજાગઢવી કહે કે “સ્વામી તમો મારા ગુરૂ છો પણ મને દીક્ષા તો શ્રીજી મહારાજે ખુદે આપી છે હું તમારો કે બીજા કોઈનો તેડ્યો ધામમાં નહિ આવું, મને તો મારો છોગાવાળો ભગવાન મોટું છોગું મેલી ને માણકી ઘોડી ઉપર બેસી ને પોતે તેડવા આવશે તો જ તેના સાથે આવીશ” સંતો અદ્રષ્ય થયા તે પછી ત્રણ દીવસ ને ત્રણ રાત્રી પોતે શ્રીહરિને ધામમાં તેડી જાવા પ્રાર્થના કરી.” આર્તનાદથી કીર્તનો ગાયાં એટલે શ્રીજી મહારાજ માણકી ઘોડીએ બીરાજી પાઘ માથે મોટું છોગું ધારણ કરી પોતાના દાસની ટેક જાળવવા શ્રી બ્રહ્માનંદસ્વામી આદિક સાધુઓ સાથે તેડવા આવતાં ગજાગઢવી સહુને શ્રીજી પધાર્યા છે તેના સાથે હું ધામમાં જાઉં છું. એમ કહી હાથ જોડી સહુને જયસ્વામિનારાયણ કહી ધામમાં ગયા.
- સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી જીવનકવન માંથી…. 🙇🏻♂️🙏