સંવત ૧૮૭૯ ના વરહ મા એકવખત શ્રીહરિ સભામા ઉદાસ થયા ને બોલ્યા કે અમે હવે બદરીકાશ્રમ જાઇશું.

Gujarati

શ્રીજી મહારાજ પરમહંસ થયા અને જીવાખાચરની આજીજી

સંવત ૧૮૭૯ ના વરહ મા એકવખત શ્રીહરિ સભામા ઉદાસ થયા ને બોલ્યા કે અમે હવે બદરીકાશ્રમ જાઇશું. ત્યારે સૌ દિલગીર થયા તે સદગુરુ મુકતાનંદ સ્વામી, બૃહ્માનંદ સ્વામી ને નિત્યાનંદ સ્વામી એ અરજ કરી કે હે મહારાજ તમે કયા ઉપાયે રહો? ત્યારે શ્રીહરિ કહે કે અમને પરમહંસ કરો ને કોઇ બાઇ માણહ અમારા પાસે આવે નહી ને કોઇ અમારા વાસ્તે થાળ કરે નહી, અમે તો ભીક્ષા માંગી ને રહેશુ. ત્યારે સંતો કહે ભલે મહારાજ..! તે માથાના ફેંટાના લપેટાના રેશમી વસ્ત્રનું કોપીન કર્યું ને ઉપર રુમાલ બાંધ્યો. ત્યારે શ્રીહરિ ઢોલીયે થી ઉઠીને સંતમાહી જઇ બેઠા ને બોલ્યા કે આંહીંથી આ બધા ધાતુ પાત્ર લઇ જાવો ને અમને તૂંબડું આપો. ત્યારે મુળજી બૃહ્મચારી બોલ્યા કે આ તમારા ધાતુ પાત્ર નથી આ તો મારો કળશીયો છે. એ સાંભળી સહુ હસ્યા.

નિત્યાનંદ સ્વામીએ પોતાની રંગેલ તૂંબડી દીધી તો શ્રીહરિ બોલ્યા કે આતો રજોગુણી છે અમ પરમહંસને આવી તૂંબડી ન શોભે..! ત્યારે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ઉઠ્યા ને એમની વાંકી-ચૂંકી તૂંબડી લાવીને દીધી. ત્યારે હસીને શ્રીહરિ બોલ્યા કે આ વૈરાગી સાધુની તૂંબડી તો લઘુશંકા કરીને હાથ ધોવામા વાપરશુ. એમ કરીને ચોકડીએ એ તૂંબડી મેલાવી ને નિત્યાનંદ સ્વામીની તૂંબડી પાણી પીવા સારુ રાખી.

સભા મા નિત્યાનંદ સ્વામી કથા કરતા હતા તે એમણે દતાત્રેયના આખ્યાન ની કથા કરતા હતા. તે શ્રીહરિ બોલ્યા કે અમને દત્તાત્રેય ભગવાન નુ આખ્યાન બહુ પસંદ છે. આ સાંભળી ને સદગુરુ મુકતાનંદ સ્વામી બોલી ઉઠ્યા કે હે મહારાજ…! આપ જે દિવસ થી લોજમા મળ્યા ત્યારથી તમારા મા અમે દત્તાત્રેય ભગવાન જેવા ગુણોના વારેવારે દર્શન કર્યા છે. કથા પુરી થતા બપોરટાણુ થયું તે પરમહંસ સ્વરુપ શ્રીહરિ કહે કે અમારે તો હવે ભીક્ષાટાણું થયું તે ભીક્ષાની ઝોળી માંગવા જાશુ. ત્યારે નિત્યાનંદ સ્વામી હસતા હસતા કહે કે તમને તો દરબારગઢમા જ ભીક્ષા મળી રેહે. તે શ્રીહરિ ઉઠ્યા ને વાસુદેવ નારાયણ ના ઓરડાની આગળ ઉભા રહ્યા ને ઉચ્ચ સ્વરે બોલ્યા કે નારાયણ હરે..! સચ્ચિદાનંદ પૃભો હરે..! તે પોતાના રસોઇયાએ ભીક્ષા મા બિરંજ ને પુરી વગેરે ઝોળીમાં દીધા તે જોઇને રસોઇયાને ખીજાઇ ને બોલ્યા કે તમને ના કહી હતી તો પણ કેમ આવી રસોઇ કરી. ત્યારે રસોઇયા પરમહંસ શ્રીહરિ પૃત્યે બોલ્યા કે આ રસોઇ કાંઇ તમ સારુ નહોતી કરી, આ તો ઠાકોરજી ને થાળ સારુ કરી હતી. આ તો તમે હરે કરવા ટાણે જ ભીક્ષા કરવા આવ્યા તે તમને ભીક્ષા મા દીધી છે. એ સાંભળી ને સહુ ઘણા હસ્યા. ભીક્ષા માંગીને પોતે પોતાના ઉતારે પધાર્યા ને જમ્યા ને તૃપ્ત થયા. ભીક્ષા વધી તે વળી પુછયુ કે હવે આનું શુ કરવું ? એ સાંભળી પડખે સખા બૃહ્માનંદ સ્વામી બેઠા હતા તે બોલ્યા કે આવા પરમહંસ નો પૃસાદ તો એવા જ પરમહંસ હોય એને જ ખપે. ત્યારે શ્રીહરિ કહે કે એવા પરમહંસ તો નજીકમા તમે જ છોવ તે લઇ જાઓ. બૃહ્માનંદ સ્વામી પૃસાદી લઇ ગયા ને પોતે પોઢ્યા. ત્રીજે પહોરે લિંબવૃક્ષ હેઠે સભા થઇ તો એમા આતમરુપે થઇને ભગવાન ભજવા એ વાત્ય આવી તે એ વાતને વિસ્તારે કરીને શ્રીહરિએ સૌને સમજાવી. એ નવા પરમહંસના રુપે સલૂણી છબી ના સહુએ દર્શ-સ્પર્શ કરીને ધન્યતા અનુભવી. સાંજના વાળુટાણુ થયું એટલે સદગુરુ મુકતાનંદ સ્વામીએ કહ્યું કે હે મહારાજ..! થાળ જમવાનો સમય થયો. એટલે શ્રીહરિ તુરતંજ બોલ્યા કે પરમહંસ ને તો એકસમય ભીક્ષા માંગીને જમવું, એટલે બીજીવાર અમથી ભીક્ષા કરવા નય જવાય. ત્યારે પાટ્ય ઉપર બેસી ને કથા કરતા નિત્યાનંદ સ્વામી બોલ્યા કે હે મહારાજ..! દત્તાત્રેય ભગવાન પરમહંસ હતા તે વણમાગ્યે કોઇ જમવાનુ આપે તો બીજી વખત પણ જમતા હતા. આ વાતને મુળજી બૃહમચારી જાણી ગયા તે થોડીવાર મા મહારાજ સારુ દુધ ને રોટલો ને ખીચડી લાવ્યા. એ જમીને આરતી સ્તુતિ કરીને પોતે પોઢ્યા એટલે મચ્છર ગણગણાટ કરવા મંડયા તે માથે ફેંટો બંધાવ્યો. સવારે ઉઠીને ઘેલે સહુ સાથે નાવા પધાર્યા. શ્રીહરિ ખળખળીયે નાવા બેઠા. પોતાની કફની ને ફેંટો પાણી મા તણાતો ચાલ્યો ત્યારે મુકતાનંદ સ્વામીએ કીધુ કે હે મહારાજ..! બાઇમાણસ દેખે એમ પરમહંસને કોપીન ભર નવાય નહી. આમનેમ જ ધોતી ભર દરબારગઢ ચાલો, ત્યાં જઇને નવું કોપીન ને ખેસ-કફની પેરજો. ત્યાથી એમજ ભીની ધોતી પહેર્યા થકા સૌને એ દુર્લભ દર્શન દેતા એમ જ દરબારગઢ પધાર્યા.

ચડતે દિવસે સભા થઇ તે સમે જીવાખાચર શ્રીહરિ પાસે આવ્યા ને બહુ દિલગીર થઇને રડવા મંડયા. શ્રીહરિ કહે શુ થયું દરબાર? કેમ તમે ઢીલા પડી ગયા? ત્યારે જીવાખાચર કહે કે હે મહારાજ…! તમે હવે પરમહંસ થયા તે મારાથી સંસાર મા કેમ રહેવાશે. ત્યારે શ્રીહરિ કહે કે દરબાર..! અમે તો આ વખતે અમારા ભક્તોના સુખ વાસ્તે અવતાર ધર્યો છે, તમે જેમ રાજી થાવ એમ અમે કરીએ..! જીવાખાચર કહે કે હે મહારાજ…! જેવા તમે ડભાણના યજ્ઞ વખતે વસ્ત્ર ઘરેણા પહેરેલા એવા પહેરો તો રાજી થાઉં. ત્યારે શ્રીહરિ એ પોતાના ભક્તને રાજી કરવા એવા વસ્ત્ર ઘરેણા ફુલના હાર, બાજુબંધ, માથે પાઘ વગેરે પહેર્યા ને ઢોલીયે બીરાજયા. જીવાખાચરે રાજી થઇને શ્રીહરિનુ પુજન કર્યું. ત્યારે બૃહ્મમુનિ બોલી ઉઠ્યા કે હે મહારાજ…! તમે પરમહંસ બહુ રહ્યા, દોઢ દિવસ તો ઘણું કહેવાય હો. હવે કૃપા કરીને બસ અમ સહુ ને આમજ દર્શન દેજો.

  • સદગુરુ શ્રીભૂમાનંદસ્વામી કૃત શ્રી હરિલીલામૃત ગૃંથ માથી….. 🙇🏻‍♂️🙏