એક વખત ગઢપુરમા સદગુરુ અદભૂતાનંદ સ્વામી એક પુસ્તક લખીને શ્રીહરિ અક્ષરઓરડીએ બીરાજતા હતા ત્યાં આવ્યા.
Gujarati
બ્રહ્માનંદ સ્વામી અને પ્રસાદીની રમુજ
એક વખત ગઢપુરમા સદગુરુ અદભૂતાનંદ સ્વામી એક પુસ્તક લખીને શ્રીહરિ અક્ષરઓરડીએ બીરાજતા હતા ત્યાં આવ્યા, પુસ્તક ને જોઇને શ્રીજીમહારાજ સદગુરુ અદભૂતાનંદ સ્વામી ઉપર ઘણા રાજી થયા ને તેને બપોર નો થાળ આપ્યો, તે લઈને તેઓ પોતાના આસને જવા ચાલ્યા, ત્યારે સખા બ્રહ્માનંદસ્વામી પ્રસાદ મેળવવાની આશાએ કહ્યું કે, “હે મહારાજ, આ દાસને કાંઈ પ્રસાદ મળશે કે આજે આમજ વાયુ ભક્ષણ કરીને રેવુ પડશે?” ત્યારે શ્રીજીમહારાજ હસ્યા ને કહે કે, “આજે દાસને કાંઈ નહિ મળે, દાસને તો રોજ મળે છે ને આતો આજ આ સાધુ પુસ્તક લઈને આવ્યા. તેને બચારાને નિત્ય કયાં મળે છે? તે સારૂ આજતો દાસે બવ તાણ કરવી નહીં. ત્યારે બ્રહ્માનંદસ્વામીએ મનમા જાણ્યું જે આજે તો મહારાજના થાળની પ્રસાદી નહીં જડે, પછી સ્વામીશ્રી અદભૂતાનંદસ્વામી પ્રત્યે બોલ્યા ને પ્રસાદ મેળવવા અરજ કરી.
અદભૂતાનંદ સ્વામીએ થાળ હેઠો ઉતારીને, વાટકો ભરીને થાળમાંથી પ્રસાદી બ્રહ્માનંદસ્વામીને આપી, ત્યારે શ્રીજીમહારાજ હસીને કહે કે, “જુઓ, આ દાસ કેવા ખંધા છે? જે ગરીબ સાધુ પાસેથી પણ લોંઠાએ પ્રસાદી લીધી” ત્યારે સદગુરુ બ્રહ્માનંદસ્વામી કહે સદગુરુ અદભૂતાનંદ સ્વામી તો બહુ જ દયાળુ છે; તે અમને દીધા વગર રહે જ નહીં.” ત્યારે મહારાજ હસીને બોલ્યા જે, પણ તોય ધાડ પડાવવી એ ઠીક નહીં!’ ત્યારે બ્રહ્માનંદસ્વામી કહે કે, “ધાડ પડાવી કે રાજી કરીને લીધી?” એવી રીતે ઘણી રમુજ કરીને મહારાજને ઘણા હસાવ્યા, પછે શ્રીહરિ ઉભા થયા ને વાસુદેવ નારાયણના ઓરડામાં જઈને પોઢયા, અને બ્રહ્માનંદસ્વામી આદિક સૌ સંતો પોત પોતાને આસને ગયા.
- સદગુરુશ્રી અદભૂતાનંદ સ્વામીની વાતો માંથી.. 🙇🏻♂️🙏