એકવખત શ્રીહરિ ખોલડિયાદ ગામે બે દિવસ રૂડાભક્તને ઘરે પધારયા હતા. રૂડાભગત તો એકાંતિક ને શ્રીહરિને વીશે અનન્ય નિષ્ઠા વાળા ભક્ત હતા.

Gujarati

ખોલડિયાદના રૂડાભક્ત અને દુષ્કાળમાં વરસાદ

એકવખત શ્રીહરિ ખોલડિયાદ ગામે બે દિવસ રૂડાભક્તને ઘરે પધારયા હતા. રૂડાભગત તો એકાંતિક ને શ્રીહરિને વીશે અનન્ય નિષ્ઠા વાળા ભક્ત હતા. બે દિવસ રહીને શ્રીહરિ કહે ભગત હવે અમે ચાલ્યા તે રૂડો ભક્ત ગામની સીમ સુધી વળાવવા આવ્યા. ભક્તવત્સલ શ્રીહરિએ રૂડાભગતને પુછયુ કે.. ભગત ઘરમા દાણા કેટલા છે? રૂડાભગત કહે હે મહારાજ હાલતો વરહ મોળું થશે એવું જણાય છે ને ઘરમા કોઠીએ એક કળશી દાણા છે. શ્રીહરિએ ભગતને પુછયુ કે ભગત તમારો વરહ નો વપરાશ કેટલો? રૂડાભાઈ બોલ્યા કે મહારાજ અમારા કુટુંબ ને પાંચ કળશી બાજરો હોય તો વરહ પુરુ વદી જાય. પોતાના ભગતના યોગક્ષેમનુ કાયમ વહન કરવાનુ પૃણધારક એવા શ્રીહરિ કહે “એક કળશી બાજરો ખાઈ જશો પછી શું કરશો ને જીવન ગુજારો કરવા શુ કરશો એ કાય વિચાર્યું છે? ત્યારે રૂડાભાઈ કહે કે હે મહારાજ..! જીવવા મરવાનુ તો તમારા આશરે છઇ એટલે બહુ ચિંતા જ નથી, ને આમેય ઘણાને તો દાણા હોય તોય આવરદા પુરી થાય તો મરી જાય. અમારી પણ એમ જો આવરદા પુરી થય જાય તો અંતસમે તમે વહેલા તેડવા આવજો. શ્રીહરિ કહે મનુષ્યને અન્ન વિના પગ ઘસી મરવું ખરાબ કહેવાય, માટે દુષ્કાળનું વરહ વિતાવવા તમે વાડીએ પિયત કરો. રૂડાભગત કહે મહારાજ અમારે તો કૂવા નથી તે ક્યાંથી કરીએ, વાડીએ કૂવો હોય તો પિયત થાય. શ્રીહરિ બોલ્યા કે જુઓ ભગત લોયામાં સૂરા ખાચરને કહીએ એની વાડીએ પિયત કરાવીએ, તમે એમના વાડીએ કામ કરો ને વરહ ના દાણા પકાવી લયો. રૂડાભગત કહે હે મહારાજ એ અમને ન આવડે, કોઈ દી કોશ હાંક્યો જ નથી. શ્રીહરિ બોલ્યા હાલ તમે તમારા ખેતરમાં કાંઈ વાવ્યું છે? રૂડાભાઈ કહે ચોણપરની સીમમાં પચાસ વીઘાં ની બાજરી છે. હાલ વરસાદ ની તાણ્યે ડુંડાં હાવ સુકાયાં છે પણ મૂળને થડીયે જરાક જરાક લીલા છે. વરસાદ થાય તો જીવી જાય. પછી ભગતે શ્રીહરિ ના હારે હારે ગામની સીમમાં રસ્તા પરનું પોતાનું એ ખેતર બતાવ્યું પછી રૂડાભાઈ પોતના ઘરે પાછા આવ્યા. શ્રીહરિ તો ગઢડા ગયા પણ પોતાના ભક્તના દુખ ટાળવા ને રાત્રિએ રૂડા ભક્તના ખેતરમાં શ્રીહરિએ વરસાદ વરસાવ્યો. રસ્તે ચાલી ને જતા ચાણપરના કોઇ બ્રાહ્મણે તે વાત રૂડા ભક્તને કહી ભગત પોતે પોતાના ખેતરે જોવા ગયા. થોડા દિવસે બાજરો પાક્યો તે ભક્ત લણણી કરીને ખળું કર્યું. શ્રીહરિની કૃપાએ દુષ્કાળના એ વરહે પાંચ કળશી બાજરો થયો તે ખેતરનાં ધણી ગરાસિયાને એક કળશી ભાગ દીધોને પોતાનો ચાર કળશી રૂડાભાઈનો થયો. એમ પોતાના હરિભક્તની દુષ્કાળના વરહે શ્રીહરિએ રક્ષા કરી.

  • સદગુરુ શ્રી નિરગુણદાસ સ્વામી ની વાતો… 🙏