સદગુરુ ભાયાત્માનંદ સ્વામી બહુધા વાગડ ગામમાં રહેતા. તે જ્યારે ત્યાં માંદા થયા, ત્યારે ગામ બોટાદના ભગા દોશીના પુત્ર શીવલાલભાઈ સ્વામીને દર્શને આવ્યા.

Gujarati

શિવલાલ શેઠનું ધામ ગમન અને સંતોના વચન

સદગુરુ ભાયાત્માનંદ સ્વામી બહુધા વાગડ ગામમાં રહેતા. તે જ્યારે ત્યાં માંદા થયા, ત્યારે ગામ બોટાદના ભગા દોશીના પુત્ર શીવલાલભાઈ સ્વામીને દર્શને આવ્યા. પોતે મંદિરે સ્વામીની સેવા કરવા જ રોકાયા. પોતે લખપતિ શેઠિયા હોવા છતા સ્વામીની જાતે જ બધી સેવા કરતા. બીજા સાધુ-હરિજન જે જે સ્વામીને દર્શને આવે તે સર્વેને શીવલાલભાઈ પોતાની ગાંઠનું ખરચ આપીને બ્રાહ્મણ પાસે પાકી રસોઈ કરાવીને જમાડતા હતા. એવી શીવલાલભાઈની આત્મભાવે ભારે સેવા જોઈને, અતિશય રાજી થઈને સ્વામી બોલ્યા કે “હે શીવલાલ, તુ લખપતિ શેઠિયો ને ધંધાને ઘરબાર મુકીને મારા દેહની સેવા કરવા રોકાયો, હું તારા ઉપર બહુ રાજી થયો છું, ને તે મારે અર્થે બહુ કર્યું છે, માટે તું વર માગ.” પછી શીવલાલ શેઠ બોલ્યા કે “ સ્વામી, તમો મહારાજના ધામમાં જાઓ છો તો તમારા બારમાંના દિવસે મને તેડવા આવજો.” ત્યારે સ્વામી બોલ્યા કે શીવા, તુ હજી એકત્રીસ વરહ નો છ ને હજી નાનો છો, તે બીજું કાંઈક માગ.” ત્યારે શીવલાલ શેઠ કહે “સ્વામી, મારે તો એ જ જોઈએ છીએ.” પછી સ્વામીએ દેહ મેલ્યો ને સ્વામીને દેન દઈને પોતાને ઘેર બોટાદ ગયા.

તે ઘરે જાતા રસ્તામા જ નાકમાં ફોડલી થઈ ને તાવ આવ્યો. તે પરબારા મંદિરમાં જ ઉતારો કર્યો. બે-ચાર દિવસ તાવ આવ્યો ને દેહ મેલ્યો ત્યારે એ બોલ્યા કે “શ્રીજીમહારાજ ને આત્માનંદસ્વામી મને તેડવા આવ્યા છે, તે હુ એમના સાથે અક્ષરધામમાં જાઉ છું.” એમ શ્રીજીમહારાજ આત્માનંદસ્વામીનો વર સત્ય કરીને શીવલાલભાઈને તેડી ગયા.

એકવાર વાસુદેવાનંદ બ્રહ્મચારી ઈડર દેશને વિશે કોઈક ગામડામાં ફરવા ગયા હતા. ત્યાં એક બ્રાહ્મણ નિત્યે સ્વામી પાસે વાતો સાંભળવા આવતો હતો. તેને સ્વામી એ કીધુ કે “બૃહ્મદેવતા તમે વર્તમાન ધારીને સત્સંગી થાઓ.” પછી તે વિપ્ર એમ બોલ્યો જે, “સ્વામી, તમે મને અંત સમયે તેડવા આવો તો સત્સંગી થાઉ.” પછી સ્વામી બોલ્યા કે “તમને તેડવા આવીશું સત્સંગી થાઓ.” પછી તે નિયમ ધારીને સત્સંગી થયો. પછી જ્યારે એના અંતકાળે તે વિપ્રે દેહ મેલ્યો, ત્યારે તે એમ બોલ્યો જે, “આ વાસુદેવાનંદસ્વામી મને તેડવા આવ્યા છે, તે હું મહારાજના ધામમાં જાઉ છું.” એમ કહીને તેણે દેહ મેલ્યો. એમ મહારાજ વાસુદેવાનંદસ્વામીનો વર સત્ય કરીને ઈડર દેશના વિપ્રને તેડી ગયા.

એકસમયને વિશે કૃષ્ણાનંદસ્વામી મૂળીથી અમદાવાદ આવતાં ગામ મણીપરમાં રહ્યા. ત્યાં એક હરિભગત બહુ માંદા હતા. સ્વામી મંદિરે હતા ત્યારે બીજા હરિભકતોએ આવીને સ્વામીને કહ્યું કે એક હરિભકત માંદા છે, તેને તમે દર્શન દેવા પધારો તો એનું ઘણું રુડુ થાય, ત્યારે સ્વામી કહે “હા, આવશું.” પછી સ્વામી પોતે બીજા હરિભક્તોને ભેળા લઈને તેને ઘેર દર્શન દેવા સારુ પધાર્યા. ને તે હરિભક્તને મહારાજની વાતો કરીને શાંતિ પમાડી. પછી તે હરિભક્ત બોલ્યા જે, “સ્વામી, મેં અક્ષરધામનો માર્ગ દેખ્યો નથી; તે તમે અંત સમયે દેખાડવા આવજો?” ત્યારે સ્વામી કરુણાથકા બોલ્યા કે “હા, આવશું.” એમ કહીને જય સ્વામીનારાયણ કહીને ભજન કરવાનુ કહીને સ્વામી મંદિરે પરત પધાર્યા. પછી તે જ રાત્રીએ દસ વાગે તે હરિભક્તે દેહ મેલ્યો. તે સમયે તેણે: “ઓ..હો..હો..! અક્ષરધામનો માર્ગ સોંસરો દેખાય છે. માટે આ વખતે સ્વામીને બોલાવશો નહિ.” એમ કહીને દેહ મેલીને ધામમાં ગયો. એવી રીતે શ્રીહરિએ કૃષ્ણાનંદસ્વામીને વચને કરીને તે મણીપરના હરિભક્તને મૃત્યુવેળાએ અક્ષરધામનો માર્ગ દેખાડ્યો.

  • સદગુરુ નિરગુણદાસ સ્વામી ની વાતો 🙏